Get The App

એમેઝોન 16,000 કર્મચારીઓની છટણી કરીને AIને કામ સોંપશે

Updated: Jan 29th, 2026

GS TEAM

Google News
Google News
એમેઝોન 16,000 કર્મચારીઓની છટણી કરીને AIને કામ સોંપશે 1 - image

- ઓક્ટોબરમાં 14,000ની છટણી બાદ બીજો રાઉન્ડ 

- અમેરિકા સ્થિત સ્ટાફને આંતરિક રીતે નવી નોકરી શોધવા માટે 90 દિવસનો સમય અપાશે : 2023માં કંપનીએ 27,000ની છટણી કરી હતી

- કોર્પોરેટ કર્મચારીઓની સંખ્યા ઘટાડીને જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે

કેલિફોર્નિયા : ૨૦૨૫માં એઆઈની અવનવી શોધ ચર્ચામાં રહી હતી. હવે, ૨૦૨૬માં એઆઈને કારણે બદલાવ જોવા મળી રહ્યો છે. ઈ-કોમર્સ જાયન્ટ એમેઝોને ઓક્ટોબર ૨૦૨૫માં એઆઈને કારણે ૧૪,૦૦૦ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. તેમણે હવે છટણીના બીજા રાઉન્ડમાં લગભગ ૧૬,૦૦૦ કોર્પોરેટ નોકરીઓમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એમેઝોને એક નિવેદનમાં જણાવ્યું કે, તેઓ કોર્પોરેટ કર્મચારીઓની જગ્યાએ જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કામ સોંપવા માંગે છે. આ છટણી વૈશ્વિક ધોરણે લાગુ કરવામાં આવશે.   

એમેઝોનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, કંપની મેનેજમેન્ટ લેવલમાં ઘટાડો કરવા માંગે છે. બુધવારે જાહેર કરવામાં આવેલી છટણી એમેઝોનની ૨૦૨૩ પછીની સૌથી મોટી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૨૩માં કંપનીએ ૨૭,૦૦૦ છટણી કરી હતી. કંપનીની ત્રિમાસિક આવક ૧૮૦ અબજ ડોલર અને ત્રિમાસિક નફો ૪૦ ટકા વધીને ૨૧ અબજ ડોલર થયો હોવા છતાં કંપની નોકરશાહી ઘટાડીને એઆઈ તરફ વળી રહી છે. કંપનીએ એ સ્પષ્ટ નહોતું કર્યું કે, કયા બિઝનેસ યુનિટ્સ પર તેની સૌથી વધુ અસર થશે. 

કર્મચારીઓની સંખ્યા ઘટાડીને એઆઈને કામ સોંપનારી એમેઝોન એકલી કંપની નથી. અન્ય કંપનીઓ પણ આ પ્રકારની પેટર્નને અનુસરી રહી છે. જેમાં, એઆઈને કામ સોંપીને ૧૫ ટકા જેટલા સ્ટાફની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે. એમેઝોન તરફથી ઘટી રહેલા શિપમેન્ટના પ્રભાવથી ડિલીવરી જાયન્ટ યુપીએસ ૩૦,૦૦૦ નોકરીઓ ઘટાડી રહ્યું છે. અહેવાલો અનુસાર, એમેઝોનની ગ્લોબલ છટણીમાં ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશ હોઈ શકે છે. યુએસમાં અસરગ્રસ્તોને એમેઝોને ૯૦ દિવસનો સમય આપ્યો છે.

એમેઝોનની વાઈસ પ્રેસિડેન્ટે ગત વર્ષે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું હતું કે, એઆઈથી કાર્યક્ષમતામાં વધારો થવાથી કંપની તેમના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કરશે. 'જેમ જેમ આપણે વધુ જનરેટિવ એઆઈ અને એજન્ટોને કામમાં લાવીશું, તેમ તેમ આપણા કામ કરવાની રીત બદલાશે અને ઓછા કર્મચારીઓની જરૂર પડશે'. એક રિપોર્ટ મુજબ, એઆઈ વ્હાઈટ કોલર નોકરીઓ ખાઈ રહ્યું છે. આ સાથે જ એઆઈ એન્ટ્રી લેવલ કર્મચારીઓના કાર્યોને ઓટોમેટ કરી રહ્યું છે. જેથી દરેક વિભાગ સામે ખતરો ઊભો થયો છે.