એમેઝોન જંગલ પૃથ્વીને 20 ટકા જેટલો ઑકિસજન આપે છે
- આ જંગલ 5.5 કરોડ વર્ષ જેટલું જૂનું હોવાનો અંદાજ પૃથ્વીના પર્યાવરણ સમતુલન માટે એમેઝોનનો મોટો ફાળો
ન્યૂયોર્ક,તા. 5 ઓગસ્ટ 2018, રવિવાર
દક્ષિણ અમેરિકાના એમેઝોન બેસિનમાં એમેઝોનિયા તરીકે ઓળખાતું એમેઝોન જંગલ પૃથ્વીને ૨૦ ટકા જેટલો ઓકસીજન પૂરો પાડે છે.
એમેઝોન જંગલ વિસ્તાર પર્યાવરણ સમતુલન માટે મહત્વનો હોવાથી તેને પૃથ્વીના ફેફસા ગણવામાં આવે છે.
એમેઝોન જંગલ દક્ષિણ અમેરિકાનો ૪૦ ટકા જેટલો ભાગ રોકે છે. આ વિશાળ રેન ફોરેસ્ટ બ્રાઝિલ,પેરુ, કોલંબિયા, વેનેઝુએલા, ઇકવાડોર, બોલીવિયા,ગુયાના સહિત કુલ ૯ દેશોની સરહદને સાંકળે છે. જેમાંથી એમેઝોન વનનો ૬૦ ટકા જેટલો વિસ્તાર બ્રાઝિલમાં આવેલો છે.
વિશ્વના કુલ રેન ફોરેસ્ટના આ ૫૦ ટકા વિસ્તારમાં અસંખ્ય જીવ જંતુઓ, પ્રાણીઓ અને વનસ્પતિઓ જોવા મળે છે. એમેઝોન પર હોલીવૂડમાં અનેક ફિલ્મો બની છે જેમાં એક ચોકકસ ભાગ જ દર્શાવવામાં આવે છે, બાકી આ વિશાળ રહસ્યમયી જંગલના કેટલાક સ્થળે તો સૂર્યના કિરણો પણ જમીન સુધી પહોંચતા નથી.
૭૦ લાખ વર્ગ કિમીથી પણ વઘુ વિસ્તારમાં ફેલાયેલા જંગલમાં પહોળા પાન ધરાવતી વનસ્પતિઓ અને ભેજવાળું વાતાવરણ રહે છે. એમેઝોન જંગલનું અસ્તિત્વ ૫.૫ કરોડ વર્ષ જેટલું જુનું હોવાનું માનવામાં આવે છે.
વિશ્વની ૧૦ ટકા જેટલી પ્રાણીઓની પ્રજાતિઓ અને ૨૦૦૦થી વધુ પક્ષી પ્રજાતિઓ જોવા મળે છે. આ ફોરેસ્ટમાં અંદાજે ૪૦ હજાર જાતના કુલ ૩૯૦ બિલિયન વૃક્ષો અને ૨૫ લાખથી વધુ પ્રકારના કિટકો જોવા મળે છે.
એમેઝોન નદીની આસપાસ ફેલાયેલું આ વર્ષાવન પૃથ્વી પરનો સૌથી મોટો કુદરતી ખજાનો છે. દુનિયામાં નદીઓ દ્વારા સમુદ્રમાં મીઠું પાણી ઠલવાય છે તેનો ૨૦ ટકા હિસ્સો એમેઝોન નદીનો છે.
એમેઝોનની સહાયક નદીઓની સંખ્યા ૧૧૦૦ છે જેમાંથી ૧૨ નદીઓની લંબાઇ ૧૫૦૦ કિમી કરતા પણ વધારે છે.