Get The App

ગલીઓમાંથી ગ્લોબલ ફેમ સુધી: ભારતનો શ્વાન 'આલોક' અમેરિકામાં ફેલાવી રહ્યો છે શાંતિનો સંદેશો

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
Alok the Peace Dog


તસવીરો : ઈન્સ્ટાગ્રામ / Alok the Peace Dog

Alok the Peace Dog: રસ્તે રખડતાં કૂતરાને મોટાભાગના લોકો હડધૂત કરતા હોય છે, પણ એવો જ કોઈ કૂતરો અસાધારણ પરાક્રમ કરીને આખી દુનિયામાં ચર્ચાનું પાત્ર બની જાય તો? વાત વાર્તા લાગે એવી છે, પણ હકીકત છે. ભારતની શેરીઓમાં રખડતો એક કૂતરો આજે શાંતિનું પ્રતીક બનીને વિશ્વભરમાં વિખ્યાત થઈ ગયો છે. નામ છે ‘આલોક’. ચાલો જાણીએ, કે આલોકે એવું તે કેવું પરાક્રમ કર્યું કે સોશિયલ મીડિયા પર એના નામના પેજ પણ બન્યા અને લાખો લોકો એને ફોલો કરવા લાગ્યા. 

આલોકની અસાધારણ યાત્રા

આલોક નામના આ ભારતીય કૂતરાએ બૌદ્ધ સાધુઓની  'Walk for Peace’(શાંતિ માટે પદયાત્રા)માં જોડાઈને 3000 કિલોમીટરથી વધુ અંતર ચાલીને કાપ્યું છે, અને હવે એ અમેરિકામાં પણ શાંતિનો સંદેશ ફેલાવી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તે એટલો લોકપ્રિય છે કે તેના ફેસબુક પેજ 'આલોક ધ પીસ ડોગ'પર 6,84,000 અને ઇન્સ્ટાગ્રામ પર 2,86,000થી વધુ ફોલોઅર્સ છે! આલોકના સેંકડો વીડિયો બની ચૂક્યા છે. 

આલોક સાધુઓને કેવી રીતે મળ્યો? 

બૌદ્ધ સાધુઓનું જૂથ પદયાત્રા પર હતું ત્યારે આલોક તેમને કોલકાતા ઍરપોર્ટ નજીક મળ્યો હતો. સાધુઓને ચાલતા જતાં જોઈને આલોક એમની સાથે ચાલવા લાગ્યો હતો. જૂથના સાધુઓ કહે છે કે, ‘કૂતરાઓ અમારી સાથે ચાલવા લાગે એ કોઈ નવી વાત નથી. અમારી સાથે આ રીતે ઘણા કૂતરા જોડાઈ જતા હોય છે, પણ એ થોડીવાર માટે જ હોય છે. થોડું ચાલ્યા બાદ કૂતરાઓ અલગ થઈ જતા હોય છે. એકમાત્ર આલોક જ છે જે આજ સુધી અડગ રહ્યો છે. એણે અમારો સાથ નથી છોડ્યો.’

આલોક નામ શા માટે પાડ્યું? 

સાધુઓએ આ કૂતરાનું નામ 'આલોક' રાખ્યું, જેનો સંસ્કૃતમાં અર્થ થાય છે ‘દિવ્ય પ્રકાશ’ અથવા ‘આંતરિક જ્યોત’. કૂતરા જેવો જીવ આધ્યાત્મિક યાત્રાનો સહભાગી થતો હોય તો એના આ પ્રયાસ સાથે આલોક નામ સંપૂર્ણ રીતે સુસંગત હોવાથી એનું આ નામ રાખવામાં આવ્યું.


100 દિવસમાં 3000 કિમીની પદયાત્રા કરી!

આલોકએ ભારતમાં સાધુઓ સાથે 100 દિવસથી વધુ સમય પદયાત્રા કરી. તેણે ગરમી, ઠંડી, ધૂળ અને થાકની પરવા કર્યા વગર 3000 કિલોમીટરનું અંતર કાપ્યું. સફર દરમિયાન તેણે ઈજાને પણ ન ગણકારી. એકવાર ઈજા થવાથી તેને ટ્રકમાં બેસાડી દેવામાં આવ્યો, તો પણ તે ટ્રકમાંથી બહાર કૂદીને ફરીથી પદયાત્રામાં જોડાઈ ગયો હતો.

આલોકની ઉંમર કેટલી? જાતિ કઈ?

'આલોક ધ પીસ ડોગ'ફેસબુક પેજ પર જણાવાયું છે કે, આલોક લગભગ 4 વર્ષનો છે અને તે ભારતની ‘પરિયા’ (pariah) નસ્લનો કૂતરો છે. પરિયા જાતિ ભારતની અત્યંત પ્રાચીન અને સ્થાનિક નસ્લ છે, જે લગભગ 15,000 વર્ષથી અસ્તિત્વમાં છે. આ નસ્લના કૂતરા બુદ્ધિશાળી, સહનશીલ અને ઉષ્ણકટિબંધીય આબોહવામાં ટકી રહે એટલા મજબૂત હોય છે.

આલોકનું અમેરિકા ગમન આસાન નહોતું 

ભારતમાં પદયાત્રા પૂર્ણ થયા પછી સાધુઓ શાંતિના પ્રચાર માટે અમેરિકા જવાના હતા. તેઓ આલોકને પણ સાથે લઈ જવા ઇચ્છતા હતા, પણ તેને અમેરિકા લઈ જવું આસાન નહોતું. એ માટેની મંજૂરી લેવી, પેપરવર્ક કરવું, ભંડોળ ભેગું કરવું વગેરેમાં ખાસ્સી વાર લાગી, પણ આખરે આલોકનું અમેરિકા ગમન શક્ય બન્યું. અમેરિકા પહોંચ્યા પછી આલોકે 28 દિવસના ક્વોરેન્ટાઇનમાંથી પસાર થવું પડ્યું હતું.

અમેરિકામાં શાંતિ પદયાત્રાએ મીડિયાનું ધ્યાન ખેંચ્યું

ઑક્ટોબર, 2025માં ટેક્સાસથી શરુ થયેલી 'વોક ફોર પીસ'માં આલોક 19 સભ્યોના જૂથ સાથે જોડાયો. આ પદયાત્રા હજુ જારી છે. તેઓ 120 દિવસમાં 3,701 કિલોમીટરનું અંતર કાપીને ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડી.સી.માં યાત્રા પૂરી કરશે. સાધુઓ સાથે ભ્રમણ કરતાં કૂતરાએ અમેરિકન મીડિયાનું અને પછી વિશ્વભરનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું છે. શાંતિ અને કરુણાનો સંદેશ ફેલાવવા નીકળેલા આલોક વિશે જાણીને લોકો તેને ‘પ્રેરણાદાયક’, ‘ઉમદા રક્ષક’ અને ‘શાંતિનો સંદેશવાહક’ ગણાવી રહ્યા છે.


આલોકના આરોગ્યની ખાસ સંભાળ લેવાય છે

ભારતમાં પદયાત્રા કરતી વખતે આલોકને પગમાં જે ઈજા થયેલી હતી એની અમેરિકામાં શસ્ત્રક્રિયા કરવી પડી છે. દક્ષિણ કેરોલિનાના ચાર્લ્સટન વેટરનરી હૉસ્પિટલમાં 12 જાન્યુઆરી, 2026ના રોજ થયેલી આ શસ્ત્રક્રિયા સફળ રહી છે. હવે તે ધીમે-ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. આલોકના ખોરાકનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.