ભારત સાથે ઓલ આઉટ વોર થઇ જશે : પાક. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફની ગંભીર ચેતવણી

- ભારતના સેનાધ્યક્ષ ઉપેન્દ્ર દ્વિવેદીએ થોડા દિવસ પૂર્વે કહ્યું હતું કે જો પાક. તક આપશે તો ભારત તેને ખરે ખરો પાઠ ભણાવી દેશે
ઇસ્લામાબાદ : પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે ચેતવણી ઉચ્ચારી હતી કે ભારત સાથે ઓલઆઉટ વૉર થવાની સંભાવના નકારી શકાય તેમ નથી. તેથી દેશે ફૂલ એલર્ટમાં રહેવું જોઇશે.
ઉલ્લેખનીય છે કે ઓપરેશન સિંદૂર પછી બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને પાકિસ્તાન સામે તેની પૂર્વ અને પશ્ચિમ સીમાએ સલામતી સામેના પડકારો ઉભા થયા છે.
સીમા ટીવીને આપેલી મુલાકાતમાં આસીફે કહ્યું હતું કે અમે ભારત પ્રત્યે જરા પણ બેધ્યાન નથી કે તેનો વિશ્વાસ પણ કરતા નથી. કોઈપણ સંયોગોમાં ભારતનો વિશ્વાસ કરી શકાય તેમ નથી. મારાં પોતાનાં વિશ્લેષણ ઉપરથી હું કહી શકું છું કે ભારત સાથે સંપૂર્ણ યુદ્ધ (ઓલઆઉટ વોર) કે સરહદી છમકલાં પણ થઈ શકે તેમજ પશ્ચિમે (અફઘાનિસ્તાન) દ્વારા પણ છમકલાં થઇ શકે જે પછીથી વ્યાપક યુદ્ધમાં પણ પરિણમી શકે તેમ છે. તેથી આપણે સતત સાવચેત રહેવાની જરૂર છે.
આ સાથે તેઓએ સ્પષ્ટત: કહ્યું કે ભારત કદાચ સીધો જ હસ્તક્ષેપ પણ કરે. ઇસ્લામાબાદ સામે હવે બંને મોરચે ભય ઊભો થઇ રહ્યો છે. પાકિસ્તાનની સલામતી જોખમાવવા ભારત અફઘાનિસ્તાનનો તેના પ્રોક્ષી (પ્રતિનિધિ) તરીકે ઉપયોગ કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પૂર્વે જ ભારતની ભૂ-સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું હતું કે : ઓપરેશન સિંદૂર તો માત્ર ૮૮ કલાકનું ટ્રેઈલર જ હતું. પરંતુ જો પાકિસ્તાન તક આપશે તો ભારત તેને બરોબરનો જવાબ આપશે અને દર્શાવી આપશે કે એક જવાબદાર દેશ તેના પાડોશીઓ સાથે કેવો વ્યવહાર કરી શકે.
આ સાથે ભૂમિદળના વડાએ કહ્યું હતું કે કોણ પહેલી કાર્યવાહી કરશે જેમ કે પહેલાં એરફોર્સ પહેલ કરશે અને પછી અમારે (ભૂમિદળ) શરૂઆત કરવી પડે અને પછી નૌકાદળ કાર્યરત બને તેવું કશું નહી બને. તમામ દળો એકસાથે કાર્યરત કરાશે. જો આપણે કોઇને પરાજિત કરવા જ હોય તો પહેલા જ શત્રુનો ભારતની અંગે ખ્યાલ આપી દેવો જોઇએ. સાથે આપણી તમામ શક્તિઓનો ઉપયોગ શરૂ કરી દેવો પડે કારણ કે પછી ચર્ચા માટે તો સમય જ નથી.
અફઘાન રાષ્ટ્રવાદીઓએ પાકિસ્તાન ઉપર બે આત્મઘાતી હુમલા કર્યા. ગત સપ્તાહે કરેલા હુમલાઓ પૈકી એક ઇસ્લામાબાદનાં કોર્ટ સંકુલ બહાર કર્યો હતો, જેમાં ૧૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ પૂર્વે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ સહિત લગભગ તમામ અગ્રણીઓએ ભારત ઉપર આક્ષેપો કર્યા છે કે અફઘાનિસ્તાનને ભારત જ પીઠબળ આપે છે અને ભારત જ અફઘાનિસ્તાનમાંથી હુમલાઓ કરાવે છે.
પાકિસ્તાને આ પૂર્વે ૧૧મી નવેમ્બરે પણ આવું જ કહ્યું હતું અને આવા જ આક્ષેપો મુક્યા હતા તેમ કહેતાં ભારતનાં વિદેશ મંત્રાલયે તે આક્ષેપોને ફગાવી દીધા છે.

