- બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના જુલ્મોનો સખ્ત વિરોધ
- હૈદરઅલી અન્સારી અને અમાનત અંસારીએ ટીક-ટોક પર એક વિડિયો શેર કર્યો જેથી હિન્દુઓની ભાવનાને ઠેસ લાગતા હિંસા ભડકી ઊઠી
કાઠમંડુ : બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચારથી હિન્દુ બહુમતીવાળા દેશ નેપાળમાં ભારે દેખાવો યોજાયા હતા. તે વચ્ચે નેપાળનાં અનેક શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યાં છે તેમાં બીરગંજમાં એક મસ્જીદ ઉપર હુમલો કરાઈ ત્યાં તોડફોડ કરવામાં આવી હતી. અત્યારે બીરગંજમાં કરફ્યુ લગાડી દેવામાં આવ્યો છે. આ જિલ્લો ભારતની સીમાને સ્પર્શીને રહેલો હોઈ ભારતે હાઈ એલર્ટ જારી કર્યો છે.
પ્રશાસનનું કહેવું છે કે, કરફયુ દરમિયાન કોઈ પણ તોફાન કરશે તો તેને ઠાર મારવામાં આવશે. આમ જનતાને સૂચના અપાઈ છે કે, અત્યંત જરૂરી કામ સિવાય ઘરની બહાર ન નીકળવું. તોફાન જેવું લાગે તો ૧૦૦ નંબર ઉપર ફોન કરવો.
પ્રાપ્ય માહિતી મુજબ હૈદરઅલી અંસારી અને અમાનત અંસારી નામના બે યુવકોએ એક વીડીયો શેર કર્યો હતો જેથી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચતાં આ તોફાનો ફાટી નીકળ્યાં હતાં. તે બંને યુવાનોને પોલીસે કસ્ટડીમાં પણ લીધા છે. આમ છતાં તંગદિલી વધી ગઈ અને બીરગંજના કમલા વિસ્તારમાં હિન્દુઓએ મસ્જિદમાં ઘૂસી જઈ તોડફોડ કરી હતી.
ટિક-ટોક ઉપર વીડીયો વાયરલ થયો તે સાથે ભાત ભાતની અફવાઓએ પણ જોર પકડયું. આ સાથે સમગ્ર બીરગંજમાં હાઈ-એલર્ટ પણ જાહેર કરાયો. કરફ્યુ પણ લાદવામાં આવ્યો છતાં, ટોળાં બહાર નીકળ્યાં હતાં અને સામસામે પથ્થરબાજી શરૂ થઈ હતી.
બીરગંજ ભારતની સીમાની નજીક હોય ભારતે પણ તે વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કર્યો છે.


