BIG NEWS: NSA અજિત ડોભાલે મોસ્કોમાં પુતિન સાથે કરી મુલાકાત, ઉર્જા-સંરક્ષણ મુદ્દે કરી ચર્ચા
India–Russia Relations: ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે ગુરુવારે (7 ઓગસ્ટ, 2025) મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ભારત અને રશિયા વચ્ચે ઊર્જા અને સંરક્ષણ સહયોગને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી યોજાઈ હતી. ડોભાલ બુધવારે મોસ્કો પહોંચ્યા હતા અને તેમણે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે પુતિન વર્ષના અંતમાં ભારતના પ્રવાસે આવી શકે છે.
રશિયન સુરક્ષા પરિષદના સચિવ સાથે કરી વાતચીત
આ અગાઉ ડોભાલે રશિયન સુરક્ષા પરિષદના સચિવ સેરગેઈ શોઇગુ સાથે પણ મુલાકાત કરી હતી. શોઇગુએ કહ્યું હતું કે, ભારત અને રશિયા વચ્ચે "મજબૂત અને સમયની કસોટી પર ખરા ઉતરેલા" મૈત્રીપૂર્ણ સંબંધો છે. બંને દેશો માટે મહત્ત્વનું છે કે, રાષ્ટ્રપતિ પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી ઉચ્ચ-સ્તરીય વાટાઘાટોનો સમય નક્કી કરવામાં આવે.
ભારત-રશિયા વ્યૂહાત્મક ભાગીદારી પર ભાર
શોઇગુએ કહ્યું હતું કે, મોસ્કો માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે ભારત સાથેની ખાસ અને વિશેષાધિકાર પ્રાપ્ત વ્યૂહાત્મક ભાગીદારીને દરેક રીતે મજબૂત બનાવવી. આ ભાગીદારી પરસ્પર આદર, વિશ્વાસ, એકબીજાના હિતોની સામાન્ય સમજણ અને એક સામાન્ય એજન્ડાને પ્રોત્સાહન આપવાની ઇચ્છા પર આધારિત છે.
સંયુક્ત પડકારોનો સામનો કરવામાં સહયોગ
રશિયન સુરક્ષા પરિષદના સચિવે એમ પણ કહ્યું કે, બંને દેશો આધુનિક સમયના પડકારો અને ખતરાઓનો સંયુક્ત રીતે સામનો કરવા માટે પ્રતિબદ્ધ છે. ભારત અને રશિયા ઘણા દાયકાઓથી સુરક્ષા, સંરક્ષણ, ઉર્જા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં એકબીજા સાથે વ્યૂહાત્મક રીતે જોડાયેલા છે.