- એર ઇન્ડિયાની ફલાઈટ ફૂકેટથી દિલ્હી આવતી હતી ત્યાં કોઈ પ્રવાસીને આ નોટ જડી જતાં વિમાન ફુકેટ પાછું વાળવું પડયું
નવી દિલ્હી : થાઈલેન્ડનાં ફુકેટથી દિલ્હી આવતી એર ઈંડીયાની ફલાઈટ ફુકેટ પાછી વાળવી પડી હતી. ગઈકાલ તા. ૧૨મીએ અમદાવાદમાં થયેલા ભયંકર વિમાની અકસ્માત પછી બીજા જ દિવસે આવી ધમકી ભરી 'નોટ' મળતાં સહજ રીતે જ ફલાઈટમાં રહેલા ૧૫૬ પેસેન્જર્સ અને પાયલોટ્સ તથા ક્રૂ મેમ્બર્સ મુંઝાઈ ગયા હતા.
ફુકેટ એરપોર્ટ ઓથોરીટીઝે પત્રકારોને જણાવ્યું હતું કે, ફલાઇટના પાયલોટે પહેલાં ઈમર્જન્સી લેન્ડીંગની પરવાનગી માગી હતી જે તુર્ત જ આપવામાં આવી. આ પછી વિમાનમાં રહેલાં તમામ ૧૫૬ ઉતારૂઓને ઉતારી દેવાયા હતા અને ડોગ સ્કવોડ સહિત અન્ય વિજાણું સાધનોથી બોમ્બ વિષે તપાસ હાથ ધરી હતી પરંતુ તે ચિઠ્ઠી એક બનાવટી ભીનિ (રોક્સ)ની જ હતી. આમ છતાં એર ઈંડીયાએ તે પ્લેનને ફુકેટનાં વિમાનગૃહે જ રહેવા દઈ તેનું બીજું પ્લેન પેસેન્જર્સ માટે તૈયાર રાખ્યું હતું જેમાં તે પ્રવાસીઓને બેસાડી પ્લેન દિલ્હી રવાના કરાયું હતું.
પ્લેન ફુકેટથી ઉપડી આંદામાન સમુદ્ર સુધી પહોંચ્યું ત્યાં જ આ ધમકીભરી ચિઠ્ઠી મળી આવતાં વિમાનને પાછું ફેરવવું પડયું. જેને તે ચીઠ્ઠી મળી આવી તે પ્રવાસીની પૂછ-પરછ પણ કરવામાં આવી હતી.
આ ઘટના અંગે પત્રકારોએ 'ફુકેટ' વિમાનગૃહના અધિકારીઓનો સંપર્ક સાધ્યો હતો પરંતુ તેઓએ કશો જવાબ આપ્યો ન હતો તેમજ એર ઈંડીંયાના પણ અધિકારીઓએ કશો ઉત્તર આપ્યો ન હતો.


