Get The App

AI 171 પ્લેન ક્રેશ કેસ : ઉડ્ડયનમંત્રીનો સરકારી જવાબ, '260 લોકોનો જીવ લેનારી અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ'

Updated: Jun 12th, 2026

GS TEAM

Google News
Google News
AI 171 પ્લેન ક્રેશ કેસ : ઉડ્ડયનમંત્રીનો સરકારી જવાબ, '260 લોકોનો જીવ લેનારી અમદાવાદ ફ્લાઇટ દુર્ઘટનાની તપાસ હજુ પણ ચાલુ' 1 - image

Air India AI171 Crash One Year Update AAIB Reports : અમદાવાદમાં સર્જાયેલા ભયાનક એર ઇન્ડિયા AI171 વિમાન અકસ્માતને આજે બરાબર 1 વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનાની પ્રથમ વર્ષગાંઠ પર સરકારી તપાસ સંસ્થા એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)એ શુક્રવારે (12 June 2026) જણાવ્યું છે કે, 'બ્લેક બોક્સ (ફ્લાઇટ રેકોર્ડર), એન્જિનના ભાગો અને એરક્રાફ્ટ સિસ્ટમના પૃથ્થકરણમાં તપાસકર્તાઓએ 'નોંધપાત્ર પ્રગતિ' (Significant Progress) મેળવી લીધી છે. જો કે, સંસ્થાએ સત્તાવાર અહેવાલ બહાર આવે તે પહેલાં કોઈપણ પ્રકારની અટકળો ન લગાવવા ચેતવણી આપી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં AAIBએ જણાવ્યું કે, 12 જૂન 2025ના રોજ ઘટેલી આ દુર્ઘટનાના કારણો શોધવા માટે છેલ્લા 1 વર્ષ દરમિયાન એકત્રિત કરાયેલા તમામ પુરાવાઓનું અત્યારે ઝીણવટભર્યું નિરીક્ષણ ચાલી રહ્યું છે, અને તપાસ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.

શું હતી સમગ્ર દુર્ઘટના?

અમદાવાદ એરપોર્ટ પરથી લંડન જવા માટે ટેક-ઓફ થયેલું એર ઇન્ડિયાનું 'બોઇંગ 787-8 ડ્રીમલાઇનર' (Boeing 787-8 Dreamliner) વિમાન 12 જૂન 2025ના રોજ ઉડાન ભર્યાની ગણતરીની ક્ષણોમાં જ એરપોર્ટ નજીક આવેલી એક મેડિકલ હોસ્ટેલ પર તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 241 લોકો અને હોસ્ટેલમાં હાજર 19 લોકો સહિત કુલ 260 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં માત્ર 1 બ્રિટિશ નાગરિક 'વિશ્વાસકુમાર રમેશ' ચમત્કારિક રીતે જીવતો બચ્યો હતો. આ ભારતના એવિએશન ઇતિહાસની સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.

પ્રાથમિક અહેવાલમાં ચોંકાવનારો ખુલાસો

AAIB દ્વારા ગયા વર્ષે બહાર પાડવામાં આવેલા પ્રાથમિક અહેવાલમાં (Preliminary Report) સામે આવ્યું હતું કે, ટેક-ઓફ કર્યાની થોડી જ ક્ષણોમાં બોઇંગ 787 વિમાનના 'એન્જિન ફ્યુઅલ કંટ્રોલ સ્વિચ' એકસાથે "RUN" મોડમાંથી બદલાઈને "CUTOFF" મોડ પર આવી ગઈ હતી, જેના કારણે વિમાનના બંને એન્જિનમાં બળતણ (Fuel)નો પુરવઠો સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.

અંતિમ રિપોર્ટ આવતા હજુ 2 મહિના લાગશે

તપાસ પર નજર રાખી રહેલા ઉચ્ચ સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાની દુર્ઘટના પાછળના ટેકનિકલ, ઓપરેશનલ અને હ્યુમન ફેક્ટર્સ (માનવીય ભૂલ)ની તપાસ કરવા માટે વિષયના નિષ્ણાતો અને ટેકનિકલ સલાહકારોની મદદ લેવાઈ રહી છે. આ અંગેનો આખરી અને અંતિમ રિપોર્ટ તૈયાર થવામાં હજુ અંદાજે 2 મહિના જેટલો સમય લાગી શકે છે. તપાસ એકદમ સચોટ દિશામાં ચાલી રહી છે અને રિપોર્ટ જાહેર થતાં જ તમામ તથ્યો દેશની જનતા સામે મુકવામાં આવશે.

નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પણ જણાવ્યું છે કે, 'આ આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ ખૂબ જ ગંભીરતા અને વ્યાવસાયિક રીતે તપાસ કરવામાં આવી રહી છે. સરકાર આ મામલે સંપૂર્ણ પારદર્શિતા રાખવા કટિબદ્ધ છે જેથી ભવિષ્યમાં ઉડ્ડયન સુરક્ષાને વધુ મજબૂત બનાવી શકાય.'