Get The App

એઆઇથી અમીર-ગરીબ વચ્ચેની ખાઇ વધશે, સરકારો એલર્ટ રહે : બિલ ગેટ્સ

Updated: Jan 21st, 2026

GS TEAM

Google News
Google News
એઆઇથી અમીર-ગરીબ વચ્ચેની ખાઇ વધશે, સરકારો એલર્ટ રહે : બિલ ગેટ્સ 1 - image

- એઆઇ પાંચ વર્ષમાં વ્હાઇટ કોલર નોકરીઓ ભરખી જશે તેવી ચેતવણી

- અગાઉની તમામ ટેક ક્રાંતિઓ કરતા એઆઇ સૌથી વધુ ઝડપથી અસર કરવા લાગ્યું છે : માઇક્રોસોફ્ટના માલિકનો દાવો

દાવોસ : દાવોસમાં આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લઇ રહેલા માઇક્રોસોફ્ટના સ્થાપક બિલ ગેટ્સે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને લઇને ચેતવણી આપી છે. તેમણે દાવો કર્યો છે કે અપેક્ષા કરતા વધુ ઝડપે એઆઇ નોકરીઓનું સ્થાન લેવા જઇ રહ્યું છે. આગામી ચારથી પાંચ વર્ષમાં તમામ પ્રકારની નોકરી પર ખતરો છે. બિલ ગેટ્સે એવી પણ ચેતવણી આપી છે કે એઆઇને કારણે અમીરી-ગરીબીની ખાઇ વધુ પહોળી થતી જશે. જેને રોકવા સરકારે યોગ્ય પગલા લેવા પડશે.

ભારતીય મીડિયા સાથે વાતચીતમાં બિલ ગેટ્સે કહ્યું હતું કે આગામી ચારથી પાંચ વર્ષમાં વ્હાઇટ કોલર અને બ્લૂ કોલર નોકરીઓ જોખમમાં મુકાશે. સરકારે આ અંગે યોગ્ય પગલા લેવાની જરૂર છે. આ સાથે જ બિલ ગેટ્સે એમ પણ કહ્યું હતું કે એઆઇ જોખમકારક છે તો તેની સાથે સ્વાસ્થ્ય, શિક્ષણ વગેરે ક્ષેત્રમાં એઆઇ મદદરૂપ પણ થઇ શકે છે.

 જો ધ્યાન આપવામાં ના આવ્યું તો લોકોને નોકરી પર રાખવાની જે પેટર્ન છે તે બદલાઇ જશે. આગામી કેટલાક વર્ષોમાં જ વ્હાઇટ કોલર અને બ્લૂ કોલર નોકરીઓ પર એઆઇની અસર સ્પષ્ટ રીતે જોવા મળશે. 

બિલ ગેટ્સે કહ્યું હતું કે હાલ સૌથી મોટો સવાલ એ છે કે શું લોકોને નવી સ્કિલ શીખવાડવી જોઇએ? કે પછી ટેક્સ સિસ્ટમમાં બદલાવ કરવામાં આવે? અત્યાર સુધી એઆઇની અસર બહુ જ સિમિત છે, પરંતુ આ પરિસ્થિતિ લાંબો સમય સુધી નહીં રહે, બહુ જ ઝડપથી બદલાવ આવશે. એઆઇ અગાઉની ટેક ક્રાંતિઓ કરતા વધુ ઝડપથી અસર કરવા લાગ્યું છે. એઆઇ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં કામની ગતિ વધારી ચુક્યું છે, લોજિસ્ટિક્સ તેમજ કોલ સેન્ટર ક્ષેત્રોમાં ઓછી સ્કિલવાળી નોકરીઓને ખતમ કરી રહ્યું છે. હાલ એઆઇને કારણે જે બદલાવ આવી રહ્યો છે તેના પર સરકારો દ્વારા ધ્યાન આપવામાં નહીં આવ્યું તો અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ વધુ પહોળી થતી જશે. એટલે કે અમીર વધુ અમીર અને ગરીબ વધુ ગરીબ થતો જશે.