- આ ક્ષેત્રના લોકોને કામ કરવાની પદ્ધતિ બદલવાની ભલામણ
- અનુવાદકો, કન્ટેન્ટ રાઈટર્સ, પત્રકારો, કસ્ટમર સપોર્ટ કર્મચારીઓ, ડેટા એનાલિસ્ટ, વેબ ડેવલપર્સની નોકરી ખતરામાં : માઈક્રોસોફ્ટે યાદી બનાવી
AI Threat For Job World : માઈક્રોસોફ્ટે એઆઈના કારણે જે ફીલ્ડની નોકરીઓ ખતરામાં છે તેનું એક લિસ્ટ તૈયાર કર્યું છે. માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે જે કામમાં લેખન-એનાલિસિસ વગેરેનો સમાવેશ થાય છે તે નોકરીઓ જોખમમાં મૂકાઈ છે. 2026માં આવી 40 પ્રકારની નોકરીઓ પર ખતરો મંડરાઈ રહ્યો છે. આ ક્ષેત્રમાં કાર્યરત લોકોએ પોતાની કામ કરવાની પદ્ધતિ ઝડપભેર બદલવી પડશે, તો જ તેમની નોકરી સલામત રહેશે.
2026માં એઆઈની નોકરીઓ પર કેવી અસર પડશે તેના પર માઈક્રોસોફ્ટે રિપોર્ટ તૈયાર કર્યો છે. એ રિપોર્ટનું માનીએ તો માઈક્રોસોફ્ટે 40 પ્રકારની નોકરીઓ ઓળખી કાઢી છે, જેમાં મેક્સિમમ એઆઈનો ઉપયોગ થઈ શકે છે, અથવા થઈ રહ્યો છે. આ ફીલ્ડમાં એઆઈ માત્ર સહાયકની ભૂમિકામાં જ નથી, એ કામો એઆઈ ટેકનોલોજી ખુદ કરી શકે છે.
જે નોકરીઓ પર જોખમ છે એમાં કન્ટેન્ટ રાઈટર્સ, સંપાદકો, અનુવાદકો, પત્રકારો, ડેટા એનાલિસ્ટ, કસ્ટમર સપોર્ટ અધિકારીઓ, વેબ ડેવલપર્સની નોકરીઓને એઆઈ આ વર્ષે વ્યાપક રીતે પ્રભાવિત કરશે. લેખનને લગતી જેટલી નોકરીઓ છે એમાં માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે કોપી-પેસ્ટ કરનારાઓની નોકરીઓ પર ખતરો છે. સર્જનાત્મક સામગ્રી લખનારાઓ પર જોખમ નથી. એ જ રીતે ચેટબોટ્સ આવી જતાં કસ્ટમર કેર સ્ટાફ ઘટી ગયો છે.
રિપોર્ટ બનાવવાથી લઈને નંબરો સમજવા, ગ્રાફ બનાવવો, કોડ લખવા - એવા બધા કામોમાં એઆઈએ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી હોવાથી એ નોકરીઓ જોખમમાં મૂકાઈ છે. જોકે, માઈક્રોસોફ્ટે એમ પણ કહ્યું હતું કે બધાની નોકરી જશે નહીં. એઆઈ માણસની જગ્યા સંપૂર્ણપણે લઈ શકશે નહીં. માણસની વિચારવાની રીત, સમજણ, લાગણીની જરૂરિયાત રહેવાની છે. પરંતુ જે રૂટિન કામ છે એનું સ્થાન એઆઈ લેવા માંડશે એટલે આ ફીલ્ડમાં કામ કરતા લોકોએ તેમની કામ કરવાની પદ્ધતિ બદલવી પડશે.


