- પશ્ચિમ એશિયામાં યુદ્ધનો અંત લાવવાનો પાયો તૈયાર: વેન્સનો દાવો
- આંતરરાષ્ટ્રીય પરમાણુ નિરીક્ષકોની આગેવાની હેઠળ પરમાણુ એકમોની ચકાસણી માટે અંતે ઇરાન સહમત
વોશિંગ્ટન : અમેરિકા-ઇરાન વચ્ચે સ્વિટ્ઝરલેન્ડમાં યોજાયેલી મંત્રણામાં નોંધપાત્ર પ્રગતિ સધાઈ છે. તેના પગલે અમેરિકાએ ઇરાનને આગામી ૬૦ દિવસ સુધી કોઈપણ દેશને તેનું ક્રૂડ ઓઇલ વેચવા માટે છૂટ આપી છે, જે બાબત ભારત માટે પણ ફાયદાકારક કહી શકાય. આ ઉપરાંત કોઈપણ પ્રકારની સ્થિતિમાં હોર્મુઝ ખુલ્લી રાખવા ઇરાન તૈયાર થયું હોવાનું અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું છે.
ઇરાને આ ઉપરાંત તેના પરમાણુ કાર્યક્રમની ચકાસણી કરવા માટે આંતરરાષ્ટ્રીય નિરીક્ષકોને આમંત્રણ આપવા તૈયાર થઈ ગયું છે. આ સંદર્ભમાઁ આજે પરમાણુ નિરીક્ષકો સાથે ચર્ચા શરૂ થઈ શકે છે. વાન્સે જણાવ્યું છે કે અમેરિકા અને ઇરાને મળીને ેએવી ખાસ સિસ્ટમ તૈયાર કરી છે જેથી હોર્મુઝને સતત ખુલ્લી રાખી શકાય અને સલામત રાખી શકાય.
વાન્સે જણાવ્યું હતું કે ઇરાન સાથેની રવિવારથી સોમવાર સુધી ચાલેલી ૧૮ કલાકની વાતચીત અત્યંત સકારાત્મક રહી છે. બંને દેશોએ ઘણા મહત્ત્વના મુદ્દા પર પ્રગતિ હાંસલ કરી છે. તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે કાલનો દિવસ ચચા માટે ઘણો શાનદાર રહ્યો હતો. આ ચર્ચા મોડી રાત્રે એક વાગ્યા સુધી ચાલતી રહી હતી.
વાન્સે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આ બહુ મોટી શરુઆત છે, પરંતુ તેના માટે વાસ્તવિક ધોરણે ઘણુ કાર્ય કરવાનું બાકી છે. બંને દેશોની ટેકનિકલ ટીમો સતત વાતચીત કરતી રહેશે અને ટેકનિકલ વાતચીત આગળ પણ જારી રહેશે.વાન્સે સ્પષ્ટ જણાવ્યું હતું કે સમગ્ર મંત્રણા દરમિયાન અમેરિકાનું વલણ એકદમ એકદમ સખ્ત અને સ્પષ્ટ રહ્યું હતું.
તેમણે સ્પષ્ટ કરી દીધું હતું કે વાતચીત ફક્ત પરમાણુ મુદ્દા પૂરતી જ સીમિત નથી. મધ્યપૂર્વમાં કાયમી શાંતિ સ્થાપવાનો પ્રયત્ન પણ છે. તેમા લેબનોન સંકટનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા ઇચ્છે છે કે હીઝબુલ્લાહ ઇઝરાયેલ પર હુમલા બંધ કરે. ઇઝરાયેલ અને હીઝબુલ્લાહ વચ્ચેના આ તણાવને રોકવા માટે ડી-એસ્કેલેશન મિકેનિઝમ તૈયાર કરવામાં આવ્યું છે. આ સિસ્ટમનો સીધો હેતુ લેબનોનમાં ચાલતા સંઘર્ષને અંકુશની બહાર જતાં રોકવાનો છે. અમેરિકા ઇચ્છે છે કે લેબનોનના સાર્વભૌમત્ત્વનું સન્માન થાય અને તેની સાથે ઇઝરાયેલની સુરક્ષા પણ સુનિશ્ચિત કરી શકાય. આ આખી વાતચીત દરમિયાન અમેરિકન ટીમ સતત ઇઝરાયેલના અધિકારીઓના સંપર્કમાં હતી.
વાન્સે ઇરાનની ફ્રીઝ કરાયેલી સંપત્તિઓ અંગે પણ જણાવ્યું હતું કે ઇરાનની જે પણ સંપત્તિ અનફ્રીઝ કરવામાં આવે છે તે નાણાનો સીધો ઉપયોગ ઇરાનની સામાન્ય પ્રજાના કલ્યાણ માટે થશે. તેમણે જણાવ્યું હતું કે ઇરાનનું ફંડ અનફ્રીઝ થાય છે તો અમેરિકાના પણ ઇરાન સાથે કારોબાર કરવાના રસ્તા ખુલી જાય છે. તેના લીધે અમેરિકન ખેડૂતોને પણ ફાયદો થઈ શકે છે. અમેરિકાના કૃષિ ઉત્પાદનો ઇરાનના બજારમાં વેચાઈ શકે છે. તેના લીધે તેઓ વધુ સમૃદ્ધ થશે.
આ દરમિયાન ઇરાનના પ્રમુખ પેજેશ્કિયન મંગળવારે પાકિસ્તાનના પ્રવાસે જવાના છે. પીએમ શાહબાઝ શરીફના આમંત્રણના પગલે તેઓ પાકિસ્તાન જવાના છે. તેમની સાથે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ, પ્રધાનો અને હાઈ રેન્કિંગ અધિકારીઓ હશે. તેઓ પ્રમુખ આસિફ અલી ઝરદારીને પણ મળશે. આ બેઠકમાં બંને દેશ દ્વિપક્ષીય સંબંધો વિકસાવવા પર ચર્ચા કરી શકે છે.
ઇરાન હુમલાથી ગભરાયેલાં યુએઇની ભારત પાસેથી બ્રહ્મોસ ખરીદવા તૈયારી
અબુધાબી : ઇરાનના હુમલાથી કંટાળેલું યુએઈ ભારતના બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ અને આકાશતીર એર ડિફેન્સ કમાન્ડ એન્ડ કંટ્રોલ સિસ્ટમ સાથે ખરીદવા ગંભીર રીતે વિચાર કરી રહ્યું છે. જો કે આ મંત્રણા હજી પ્રારંભિક તબક્કામાં છે. જો કે બંને દેશ પ્રાદેશિક સુરક્ષા મજબૂત બનાવવા અને સંરક્ષણ સહયોગ વધારવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ સોદો ભારતની સંરક્ષણ નિકાસને નવી ઊંચાઈ આપી શકે છે. તેની સાથે ખાડી ક્ષેત્રમાં ભારતની રણનીતિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. અમેરિકા-ઇઝરાયેલે ઇરાન પર હુમલો કરતાં ઇરાને યુએઈ પર મિલિટરી બેઝ પર મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હતા.


