World

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા ભારતે એક વિઝા સેન્ટર બંધ કર્યું

By GS TEAM
22 Dec 20252 mins read
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હિંસા ભારતે એક વિઝા સેન્ટર બંધ કર્યું

હિન્દુ યુવકની હત્યામાં 150 આરોપીમાંથી માત્ર 12 ઝડપાયા

જોકે ચાર સેન્ટરો ખુલ્લા રહેશે, દિલ્હીમાં બાંગ્લાદેશની એમ્બેસી બહાર ધરણા પ્રદર્શન નથી કરાયા : ભારત

ઢાકા: બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની જાહેરમાં ઢોર માર મારીને હત્યા કરવામાં આવી અને બાદમાં મૃતદેહને લટકાવીને સળગાવાયો હતો. આ ઘટનાને લઇને વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ધરપકડ કરાયેલા કુલ આરોપીઓની સંખ્યા ૧૨એ પહોંચી છે. બીજી તરફ બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતે વિઝા સેવા સસ્પેન્ડ કરી દીધી છે. 

બાંગ્લાદેશમાં ૨૫ વર્ષીય દીપુ ચંદ્ર દાસ ગાર્મેન્ટ ફેક્ટરીમાં મજૂરી કરતો હતો, ગુરુવારે ટોળાએ બાલુકા વિસ્તારમાં તેને બાનમાં લીધો અને જાહેરમાં ઢોર માર માર્યો, બાદમાં તેના મૃતદેહને જાહેરમાં સળગાવ્યો હતો. કટ્ટરવાદીઓએ દીપુ પર ઇશનિંદાનો આરોપ લગાવ્યો હતો. જોકે ખુદ બાંગ્લાદેશ પોલીસે જાહેરમાં સ્પષ્ટતા કરી છે કે દીપુએ કોઇ જ ઇશનિંદા થાય તેવી પોસ્ટ કે કૃત્ય નથી કર્યું તે નિર્દોષ હતો. આ મામલો જ્યારે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે બાંગ્લાદેશની કટ્ટરવાદી મોહમ્મદ યુનુસ સરકાર સફાળી જાગી છે અને કાર્યવાહીના નામે ૧૨ આરોપીઓની ધરપકડ કરી છે. 

જ્યારે બીજી તરફ બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામમાં ભારતે વિઝા સેવાને સસ્પેન્ડ કરી દીધી છે. 

ઇન્ડિયન વિઝા એપ્લિકેશન સેન્ટરે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે તાજેતરની ઘટનાઓ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. સમગ્ર સ્થિતિને ધ્યાનમાં લઇને હવે આ સેન્ટર ફરી ખોલવા અંગે નિર્ણય લેવામાં આવશે. બાંગ્લાદેશમાં આવા પાંચ સેન્ટરો છે જેમાં ઢાકા, ખુલના, રાજશાહી, ચટ્ટોગ્રામ અને સીલહેટનો સમાવેશ થાય છે. જોકે અન્ય ચાર ઓફિસો રાબેતા મુજબ ચાલુ રહેશે. બાંગ્લાદેશે દાવો કર્યો હતો કે દિલ્હીમાં સ્થિત તેની એમ્બેસી સામે લોકો દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા.  જોકે આ દાવો જુઠો સાબિત થયો છે. કેન્દ્રીય મંત્રાલયે પણ સ્પષ્ટતા કરી છે કે બાંગ્લાદેશ આ મુદ્દે જુઠ ફેલાવી રહ્યું છે.