- ઝેલેન્સ્કીએ ઉપસ્થિત યુરોપીય નેતાઓનો આભાર માન્યો
- આ સાથે ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું : યુક્રેનને નાટોનું સભ્ય પદ આપી શકાય નહીં : ક્રીમીયા પર રશિયાએ જમાવેલા કબ્જા અંગે ટ્રમ્પે ઓબામા ઉપર માટલું ફોડયું
નવી દિલ્હી : સોમવારે (સ્થાનિક સમય પ્રમાણે) વ્હાઇટ હાઉસમાં મળનારી મીટીંગ અંગે ટ્રમ્પે 'ટ્રુથ-સોશ્યલ' પર લખ્યું : 'આવતીકાલનો દિવસ વ્હાઇટ હાઉસ માટે મહાન હશે.' યુરોપના આટલા બધા નેતાઓ એક જ સમયે મળતા હોય તેવું ભાગ્યે જ બન્યું છે. તેઓના યજમાન બનવાનું મારા માટે એક મહાન સદ્ભાગ્ય છે.
આ પછી લગભગ તુર્તજ ટ્રમ્પે લખ્યું, 'ઝેલેન્સ્કી જ રશિયન સાથેનું યુદ્ધ સમાપ્ત કરી શકે તેમ છે. તેઓ ધારે તો યુદ્ધ બંધ કરી શકે અથવા લડવાનું ચાલુ રાખે.' ૨૦૧૪માં રશિયાએ એક પણ ગોળી છોડયા સિવાય યુક્રેનના લીધેલા કબ્જા અંગે તેઓએ પૂર્વ પ્રમુખ ઓબામાને જ જવાબદાર ગણાવ્યા હતા. આ સાથે તે પણ સ્પષ્ટ કર્યું કે, 'યુક્રેનને નાટોનું સભ્યપદ આપી શકાય નહીં.'
૨૦૧૪માં રશિયાએ ક્રીમીયા ઉપર કબ્જો જમાવ્યો તે પછી તેના રશિયા તરફી પ્રમુખને જવું પડયું હતું. રશિયાએ તે ઘટનાને પશ્ચિમનાં પીઠબળવાળો બળવો કહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ અત્યારે યુક્રેનના જે વિસ્તારો ઉપર કબ્જો જમાવ્યો છે તેને યોગ્ય ઠરાવતાં કહ્યું હતું કે અમે ત્યાં વસતા રશિયનોનાં રક્ષણ માટે આ પગલું ભર્યું છે.
પ્રમુખ ટ્રમ્પે તેઓના પોસ્ટમાં તેમ પણ લખ્યું કે, 'જો યુક્રેન ડોનેતસ્ક વિસ્તાર સોંપી દે તો રશિયા ફ્રન્ટ-લાઇનને આગળ વધતી અટકાવી દે. તેમ રશિયાનું કહેવું છે, પરંતુ રશિયાની આ દરખાસ્ત યુક્રેને ફગાવી દીધી છે.'
ટ્રમ્પે તત્કાળ યુદ્ધ વિરામની જાહેરાત કરવા બંને પક્ષોને જણાવ્યું હતું. આલાસ્કામાં મંત્રણા શરૂ થાય તે પૂર્વે યુદ્ધ વિરામ કરવા કહ્યું હતું. પરંતુ રશિયાએ કહ્યું હતું કે યુદ્ધ વિરામ ન થાય તો પણ (યુદ્ધ ભલે ચાલુ રહે તો પણ) શાંતિ મંત્રણા તો યોજી જ શકાય.
દરમિયાન ઝેલેન્સ્કી રવિવારે (સ્થાનિક સમય) વોશિંગ્ટન પહોંચી ગયા હતા. તેઓએ ત્યાં ઉપસ્થિત રહેલા યુરોપીય નેતાઓનો આભાર પણ માન્યો હતો. 'ટ' પોસ્ટ પર તેઓએ લખ્યું હું આશા રાખું છું કે, અમે અમેરિકા સાથે મળી બળવત્તર બનીશું તેમાં અમારા યુરોપીય મિત્રોનો પણ સાથ મળતાં રશિયાને સાચા અર્થમાં શાંતિ સ્થાપવાની ફરજ પડશે. તમારા સૌનો આભાર.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનને નાટોનું સભ્યપદ મળવાનું જ નથી પરંતુ નાટો દેશોને જેવી સલામતી અપાય છે તેવી સલામતી યુક્રેનને મળે તો તે સામે રશિયાને કોઈ વાંધો નથી તેમ પુતિને જણાવ્યું હતું.


