ભારત બાદ અફઘાનિસ્તાન પણ પાક.ને પાણી મુદ્દે ઘેરશે, દુષ્કાળ લાવી શકે છે

હાલ ભારતે સિંધુનું પાણી રોક્યું તો પાક.માં મોટું સંકટ આવશે : રિપોર્ટ
પાક.-અફઘાનિસ્તાન સરહદે વહેતી કુનાર નદીનો પ્રવાહ બદલવા તાલિબાન ડેમ બાંધવાની તૈયારીમાં, ભારતનું સમર્થન
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલને સવાલ કરાયો હતો કે શું ભારત તાલિબાન સરકારની આ ડેમ બાંધવાની યોજનાનું સમર્થન કરશે તો તેના જવાબમાં તેમણે સમર્થન આપવાની વાત કરી હતી. પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને અટકાવી દીધી હતી. એવામાં હવે આઇઇપીની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રપાકિસ્તાનના એ વિસ્તારની ખેતી ખતરામાં છે જે સિંધુ નદી પર નિર્ભર છે. પાકિસ્તાનના ડેમોમાં માત્ર ૩૦ દિવસનું પાણી સંગ્રહ કરવાની ક્ષમતા છે.
ભારત દ્વારા સિંધુ જળ સંધિને સ્થગિત કરવામાં આવી તે બાદ પાક.ની સ્થિતિ વધુ કફોડી બની ગઇ છે. પાકિસ્તાનના સ્થાનિક અખબાર ડોનના રિપોર્ટ મુજબ સિંધુ જળ કરારોને અટકાવીને ભારત પાકિસ્તાનમાં મોટી મુશ્કેલી ઉભી કરી રહ્યું છે. હાલની પાક.ની પાણીની સ્થિતિ મુજબ જો ભારત પાણી અટકાવવા કે પાક. તરફ વહેતી નદીઓનો પ્રવાહ બદલી નાખે તો પાકિસ્તાનમાં સિંચાઇને લઇને મોટું સંકટ પેદા થઇ શકે છે. જેને પગલે પાક.ના કૃષિ ક્ષેત્રને મોટો ફટકો પડી શકે છે.
જ્યારે બીજી તરફ અફઘાનિસ્તાન સરહદે તાલિબાન પાકિસ્તાનને પાણી મુદ્દે પણ ઘેરવા પ્રયાસ કરી રહ્યું છે. તાલિબાન ખૈબર પ્રાંતમાં વહેતી નદીનો પ્રવાહ બદલવા માટે ડેમ બાંધવા તૈયાર છે.

