ડ્રોન અને મિસાઈલ બાદ હવે 'લેઝર યુદ્ધ'! ચીન અને જર્મની વચ્ચે તણાવ વધતાં હલચલ તેજ
Laser Warfare Begun Tension between China and Germany: યુરોપના મહાસત્તા જર્મની, જે સામાન્ય રીતે શાંત રહે છે, તેણે ચીન પર ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે, 'લાલ સમુદ્રમાં યુરોપિયન યુનિયનના ઓપરેશન એસ્પાઇડ્સ મિશન દરમિયાન, ચીની નૌકાદળે અમારા જાસૂસી વિમાન પર લેસરથી હુમલો કર્યો હતો.' આ ઘટના 2 જુલાઈના રોજ યમન કિનારા નજીક બની હતી. તે સમયે, જર્મન મલ્ટી-સેન્સર પ્લેટફોર્મ (MSP) વિમાન હુતી બળવાખોરોના હુમલાઓથી વેપારી જહાજોને બચાવવા માટે દેખરેખ રાખી રહ્યું હતું. જર્મન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચીની યુદ્ધ જહાજે કોઈપણ ચેતવણી વિના લેસરનો ઉપયોગ કર્યો હતો, જેનાથી પાઇલટની સલામતી જોખમાઈ હતી અને વિમાનને જીબુટીમાં તેના બેઝ પર પાછા ફરવું પડ્યું હતું.
જર્મનીએ કરી સખત નિંદા
જર્મનીએ ચીની રાજદૂતને બોલાવીને તેની સખત નિંદા કરી હતી, તેમજ તેને અત્યંત ગંભીર અને અસ્વીકાર્ય ગણાવ્યું હતું. આ પહેલી વાર નથી જ્યારે ચીન પર આવા લેસર હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો હોય. 2020 માં, અમેરિકા અને 2022માં ઓસ્ટ્રેલિયાએ પણ ચીની નૌકાદળ દ્વારા તેમના વિમાન પર લેસર હુમલાની ફરિયાદ કરી હતી. નિષ્ણાતો માને છે કે લાલ સમુદ્રમાં આ ઘટના ચીનની વધતી લશ્કરી આક્રમકતા અને વૈશ્વિક દરિયાઈ માર્ગો પર પ્રભાવ વધારવાની વ્યૂહરચનાનો ભાગ હોઈ શકે છે.
અગાઉ પણ ચીન પર વિદેશી વિમાનો સામે લેસરનો ઉપયોગ કરવાનો આરોપ હતો
આ પહેલી વાર નથી જ્યારે ચીન પર વિદેશી વિમાનો સામે લેસરનો ઉપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હોય. જોકે, ચીને દર વખતે તેનો ઇનકાર કર્યો છે. આ ઘટનાએ ફરી એકવાર તીવ્ર બનતી લેસર શસ્ત્રોની સ્પર્ધા પર ચર્ચા જગાવી છે. વિશ્વભરની સેનાઓ અને સંરક્ષણ પ્રયોગશાળાઓ શક્તિશાળી લેસર બીમનો એક નવો વર્ગ વિકસાવવામાં રોકાયેલા છે જે હવામાં ટાર્ગેટને ડીએક્ટીવ કરવાની ક્ષમતા ધરાવે છે.
લેઝર કિરણોનો ઉપયોગ શું?
લેસર કિરણોનો ઉપયોગ ડ્રોન અને મિસાઈલનો નાશ કરવા માટે થઈ શકે છે. ઉપરાંત, શક્તિશાળી લેસર કિરણો દ્વારા ફાઇટર પાઇલટ્સને અંધ કરવા અને વિમાનોનો નાશ કરવાનું શક્ય છે. રશિયા-યુક્રેન યુદ્ધથી લઈને ઇઝરાયલ-ઈરાન વચ્ચેના 12 દિવસના યુદ્ધ અને ભારત અને પાકિસ્તાન વચ્ચેના ઓપરેશન સિંદૂર સુધી બધે જ ડ્રોન હથિયારોનો ઉપયોગ મોટા પાયે કરવામાં આવ્યો હતો, ત્યારે એન્ટી-ડ્રોન સિસ્ટમમાં લેસર કિરણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ભારતે ઓપરેશન સિંદૂરમાં લેસરની શક્તિ દર્શાવી
ઓપરેશન સિંદૂર દરમિયાન, ભારતે સ્વદેશી D-4 એન્ટી-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કર્યો, જેમાં 2 કિલોવોટ ક્ષમતાના બીમ સાથે લગભગ એક કિમીના અંતરે ડ્રોનને તોડી પાડી શકાય છે. આ સાથે, ભારતે મલ્ટી-સ્ટેજ એન્ટી-ડ્રોન ગ્રીડ દ્વારા પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવેલા ડ્રોન સ્વોર્મને પણ સફળતાપૂર્વક તોડી પાડ્યું. સંરક્ષણ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સિસ્ટમ માત્ર 24 મહિનાના રેકોર્ડ સમયમાં વિકસાવવામાં આવી હતી.
ભારતે તાજેતરમાં 30 કિલોવોટ ક્ષમતાની એન્ટી-ડ્રોન ગનનું પણ સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ડીઆરડીઓના સેન્ટર ફોર હાઇ એનર્જી સિસ્ટમ્સ એન્ડ સાયન્સિસે એક લેસર-ગાઇડેડ વેપન સિસ્ટમ વિકસાવી છે જે લાંબા અંતરથી પણ ડ્રોનના મોટા ટોળાને નષ્ટ કરી શકે છે. આ હથિયાર સાથે, ભારત એવા પસંદગીના દેશોની યાદીમાં જોડાયું છે જેમની પાસે હાઇ-એનર્જી લેસર વેપન છે.