ટ્રમ્પે આપેલા H-1B વિઝાના ઘા પર કેનેડા લગાવશે મલમ! PM કાર્નીએ કરી મોટી જાહેરાત
Canadian PM Mark Carney: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે તાજેતરમાં H-1B વિઝાની અરજી ફી વધારીને $1 લાખ કરી દીધી છે, જેના કારણે ભારત સહિત સમગ્ર વિશ્વમાં હડકંપ મચી ગયો છે. જોકે, આ દરમિયાન કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ ભારત સાથેના સંબંધો સુધારવાની દિશામાં મોટું પગલું ભર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે તેમનો દેશ એવા કુશળ વ્યાવસાયિકોનું સ્વાગત કરશે જેઓ ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વિઝા અરજી ફીના નિર્ણયથી પ્રભાવિત થયા છે.
કેનેડાનો બદલાતો દૃષ્ટિકોણ
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે કેનેડાના વિદેશ મંત્રી અનીતા આનંદ ઓક્ટોબરના મધ્યમાં તેમની પ્રથમ ભારત મુલાકાતની તૈયારી કરી રહ્યાં છે. પીએમ કાર્નીનો આ નિર્ણય અને અનીતા આનંદની પ્રસ્તાવિત યાત્રા કેનેડાના બદલાતા દૃષ્ટિકોણને સ્પષ્ટ કરે છે, કારણ કે અગાઉની જસ્ટિન ટ્રુડો સરકાર હેઠળ ભારત-કેનેડાના સંબંધો લગભગ બે વર્ષથી તણાવપૂર્ણ રહ્યા હતા. ટ્રમ્પના H-1Bના આંચકાથી રાહત આપીને, પીએમ કાર્નીએ ભારત સાથેના સંબંધો સુધારવાની દિશામાં આ મોટું પગલું ભર્યું છે.
કેનેડિયન PM કાર્નીએ શું કહ્યું?
પીએમ કાર્નીએ શનિવારે લંડનમાં કહ્યું કે, 'તે સ્પષ્ટ છે કે આ એવા લોકોને આકર્ષિત કરવાની એક તક છે જેમને અગાઉ કથિત H-1B વિઝા મળતા હતા અને હું આ પ્રક્રિયાને સરળ બનાવવા જઈ રહ્યો છું. આમાંથી એક મોટો સમૂહ ટેક્નોલોજી ક્ષેત્રનો છે.'
આ અંગે વધુમાં વાત કરતા તેમણે કહ્યું કે, 'તેમાંથી વધુ લોકોને (H-1B વિઝા ધારકોને) અમેરિકાના વિઝા નહીં મળે. આ લોકો કુશળ છે અને આ કેનેડા માટે એક અવસર છે... અમે ટૂંક સમયમાં આ અંગે એક પ્રસ્તાવ લાવીશું.'
ભારતીય વ્યાવસાયિકોમાં અનિશ્ચિતતા
ટ્રમ્પે નવા H-1B વિઝાની ફીમાં ભારે વધારો કરીને $1,00,000 કર્યાના થોડા દિવસો બાદ કાર્નીનું આ નિવેદન આવ્યું છે. આ ફી વધારાથી ભારતીય વ્યાવસાયિકોમાં ગભરાહટ અને અનિશ્ચિતતા ફેલાઈ છે, કારણ કે આ કાર્યક્રમના લગભગ 72% લાભાર્થીઓ ભારતીયો છે. આ મુદ્દે ભારત સરકાર અમેરિકન વાટાઘાટકારો સાથે ચર્ચામાં છે અને સાથે જ ભારતીય વ્યાવસાયિકોને સમાન તકો આપવા ઈચ્છુક નવા ભાગીદારો સાથે પણ વાતચીત ખુલ્લી છે.
ભારત-કેનેડા સંબંધોમાં તણાવનો ભૂતકાળ
નોંધનીય છે કે સપ્ટેમ્બર 2023માં ભારત અને કેનેડાના સંબંધોમાં ત્યારે ઘટાડો આવ્યો હતો જ્યારે તત્કાલિન કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂન 2023માં કેનેડા સ્થિત ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય સરકારી એજન્ટની સંડોવણીના પુરાવા હોવાનો આરોપ લગાવ્યો હતો. જોકે, ભારતે આ આરોપોને માત્ર નકાર્યા જ નહોતા, પરંતુ તેમને વાહિયાત અને પૂર્વગ્રહથી પ્રેરિત ગણાવ્યા હતા. આ તણાવને કારણે બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો બગડ્યા હતા અને બંને પક્ષોએ પોતાના દેશમાંથી હાઈ કમિશનરો અને અન્ય વરિષ્ઠ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા.