Get The App

ભારે વિવાદ બાદ ફરી એક થશે ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ? આ એક પોસ્ટના કારણે અટકળો શરૂ

Updated: Jun 9th, 2025

GS TEAM

Google News
Google News
ભારે વિવાદ બાદ ફરી એક થશે ઈલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પ? આ એક પોસ્ટના કારણે અટકળો શરૂ 1 - image

America President Donald Trump And Elon Musk Controversy : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિશ્વના ટોચના બિઝનેસમેન ઈલૉન મસ્ક વચ્ચે ઘણાં દિવસથી ચાલી રહેલા શાબ્દિક પ્રહાર અને વિવાદનો અંત આવવાના સંકેત સામે આવ્યા છે. વાસ્તવમાં ટ્રમ્પે લોસ એન્જલસમાં ગેરકાયદે રહેતા પ્રવાસીઓ વિરુદ્ધ દરોડા વિરોધમાં ચાલી રહેલા પ્રદર્શનોની નિંદા કરતી પોસ્ટ કરી હતી, ત્યારે ટેસ્લા અને સ્પેસએક્સના માલિક ઈલૉન મસ્કે ટ્રમ્પની પોસ્ટનું સમર્થન કર્યું છે. તાજેતરમાં જ ટ્રમ્પ-મસ્ક વચ્ચે ઉગ્ર વિવાદ થયો હતો અને બંને એકબીજા પર ગંભીર આક્ષેપ કરતા જોવા મળ્યા હતા, જોકે હવે મસ્કે ટ્રમ્પની પોસ્ટનું સમર્થન કરતા, બંને વચ્ચેના વિવાદનો અંત આવ્યો હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

લોસ એન્જલસની ઘટનાથી ભડક્યા ટ્રમ્પ

ટ્રમ્પે સોશિયલ મીડિયા મંચ ટ્રુથ પર પોસ્ટ કરીને, કેલિફોર્નિયાના ગર્વનર ગેવિન ન્યૂસમ અને લોસ એન્જલસના મેયર કરેન બાસને માફી માંગવા કહ્યું છે. તેમણે બંને નેતાઓ પર દેખાવો દરમિયાન હિંસા ભડકાવવાનો આક્ષેપ કર્યો છે. ટ્રમ્પે લખ્યું છે કે, ‘ગર્વનર ગેવિન ન્યૂસમ અને મેયર બાસે લોસ એન્જલસના લોકોની માફી માંગવી જોઈએ, કારણ કે તેમણે ખૂબ જ ખરાબ કામ કર્યું છે, જેમાં લોસ એન્જલસના રમખાણો પણ સામેલ છે. આ દેખાવકારો નહીં, પરંતુ તોફાની અને બળવાખોરો છે.’ ટ્રમ્પની આ પોસ્ટને મસ્કે પોસ્ટ કરી છે, જોકે આ મામલે તેમણે કોઈપણ ટિપ્પણી કરી નથી.

આ પણ વાંચો : US એરપોર્ટ પર ભારતીય સ્ટુડન્ટ સાથે ગુનેગાર જેવો વ્યવહાર, જુઓ VIDEO

મસ્કનો આક્ષેપ, ટ્રમ્પની ધમકી

ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈલૉન મસ્ક વચ્ચેની ગાઢ મિત્રતા વચ્ચે તાજેતરમાં જ તિરાડ પડ્યા બાદ બંને એકબીજા પર ગંભીર આક્ષેપો કરતા જોવા મળ્યા હતા. મસ્કે આક્ષેપ કર્યો હતો કે, ટ્રમ્પનું નામ ‘એપસ્ટીન ફાઈલ્સ’માં આવ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે, દોષીત જાતીય અપરાધી જેફરી એપસ્ટીન સાથે જોડાયેલા ડોક્યુમેન્ટ સરકાર સમક્ષ રજુ કરાયા નથી. તેમણે ટ્રમ્પ વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની અપીલ કરી છે. આ ઉપરાંત તેમણે અમેરિકામાં નવી પાર્ટી બનાવવાની પણ ચર્ચા શરૂ કરી દીધી છે. બીજી તરફ ટ્રમ્પે વળતો જવાબ આપતા કહ્યું હતું કે, ‘મસ્ક ડ્રગ્સનો ઉપયોગ કરે છે, જેના કારણે મસ્કનું મગજ બગડી ગયું છે. જોકે મસ્કે પાછીપાની કરી હોય તેવું જોવા મળ્યું છે. મસ્કે ‘એપસ્ટીન’ અંગેની કરેલી પોસ્ટે ડિલીટ કરી મામલાને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો : ટ્રમ્પ અને મસ્ક વચ્ચે વિવાદનું મૂળ કારણ વ્હાઈટ હાઉસમાં મારામારી, જાણો સંપૂર્ણ વિગત