Get The App

'સૌથી મોટા ભાગેડુ' વાળા વીડિયો પર લલિત મોદીએ માંગી માફી, કહ્યું- ભારત સરકારનું સન્માન કરું છું

Updated: Dec 29th, 2025

GS TEAM

Google News
Google News
'સૌથી મોટા ભાગેડુ' વાળા વીડિયો પર લલિત મોદીએ માંગી માફી, કહ્યું- ભારત સરકારનું સન્માન કરું છું 1 - image

Lalit Modi-Vijay Mallya Controversy: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પૂર્વ અધ્યક્ષ લલિત મોદીએ ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા સાથે લંડનમાં પાર્ટી કરતા એક વીડિયો માટે સોશિયલ મીડિયા પર માફી માંગી છે. આ વીડિયોમાં બંને પોતાને 'ભારતના સૌથી મોટા ભાગેડુ' તરીકે ઓળખાવતા જોવા મળ્યા હતા, જેની દેશનું અપમાન કરવા બદલ વ્યાપકપણે ટીકા થઈ હતી.

શું હતી સમગ્ર ઘટના?

ભાગેડુ લલિત મોદીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેણે કેપ્શન લખ્યું હતું, 'ભારતમાં ફરીથી ઈન્ટરનેટ તોડીએ. જન્મદિવસની શુભકામનાઓ, મારા મિત્ર #VijayMallya. લવ યુ.' સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા વીડિયોમાં લલિત મોદી કહેતા સંભળાય છે, 'અમે બે ભાગેડુ છીએ, ભારતના સૌથી મોટા ભાગેડુ,' જ્યારે વિજય માલ્યા હસી રહ્યા છે. આ પાર્ટી માલ્યાના 70મા જન્મદિવસની ઉજવણી માટે લંડનના બેલગ્રેવ સ્ક્વેરમાં આવેલા મોદીના નિવાસસ્થાને યોજાઈ હતી.

આ વીડિયો વાઈરલ થયા બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. યુઝર્સે આને ભારત સરકાર અને કાયદાની ખુલ્લેઆમ મજાક ગણાવી હતી. 

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં ભારતીયો વિરુદ્ધ 'બળવો' ! હાદીના સાથીઓનું 24 દિવસનું અલ્ટીમેટમ

લલિત મોદીની માફી અને સરકારની પ્રતિક્રિયા

વધતા વિવાદને પગલે લલિત મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માફી માંગી હતી. તેણે લખ્યું, 'જો મેં કોઈની, ખાસ કરીને ભારત સરકારની લાગણીઓને ઠેસ પહોંચાડી હોય તો હું માફી માંગુ છું, જેમના માટે મને ખૂબ જ આદર અને સન્માન છે. નિવેદનને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યું હતું અને તેનો ઈરાદો ક્યારેય એવો નહોતો જે રીતે તે દર્શાવવામાં આવ્યું. ફરી એકવાર મારી હૃદયપૂર્વકની માફી.'

આ મામલે વિદેશ મંત્રાલયે પણ સખત વાંધો ઊઠાવ્યો હતો. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, 'અમે ભાગેડુઓને પાછા લાવવા માટે પ્રતિબદ્ધ છીએ, અને અમે તેમના પ્રત્યાર્પણ માટે દેશોના સંપર્કમાં છીએ, અને પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેમ તમે જાણો છો, આમાંના ઘણા કેસોમાં કાનૂની પ્રક્રિયાના ઘણા સ્તરો સામેલ છે.'

શા માટે ભાગેડુ છે માલ્યા અને મોદી?

વિજય માલ્યા તેની બંધ થઈ ગયેલી એરલાઈન કિંગફિશર માટે લીધેલી લોન સંબંધિત છેતરપિંડી અને મની લોન્ડરિંગના આરોપમાં ભારતમાં વોન્ટેડ છે. જ્યારે લલિત મોદી IPLના શરૂઆતના વર્ષોમાં અધ્યક્ષ હતા ત્યારે નાણાકીય ગેરરીતિ અને અનિયમિતતાના આરોપોનો સામનો કરી રહ્યા છે. બંને અનુક્રમે 2016 અને 2010માં ભારત છોડીને ભાગી ગયા હતા.