- ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ બનતું ફોરીન સ્ટડી
- જર્મની કે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ડિપોર્ટ થયેલા વિદ્યાર્થીઓના આંકડા જારી કરવામાં આવ્યા નથી
- ચાલુ વર્ષે વિદેશાભ્યાસ માટે જતાં ભારતીયોની સંખ્યા ૧૩.૩ લાખથી ૭૬ હજાર ઘટીને 12.54 લાખ થઈ
નવી દિલ્હી : જર્મનીએ ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે અને રહેણાકના નિયમોને લઈને ગાળિયો સખ્ત કરતાં હવે સ્ટુડન્ટ વિઝા પર જર્મની જવું વધુ અઘરું પડશે. જર્મનીએ કોરોના પછી ભારતીય વિદ્યાર્થીઓ પર અત્યાર સુધીના સૌથી આકરા સ્ટુડન્ટ વિઝા નિયમો લાદ્યા છે. જર્મનીએ ૨૦૨૩માં ૪૯ હજારથી પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપ્યા હતા.
આમ જર્મની ભારતીય વિદ્યાર્થીઓનું મનપસંદ સ્થળ બનવા લાગ્યું હતું ત્યાં જ જર્મન સરકારે આ નિર્ણય લઈને જર્મન યુનિવર્સિટીઓ અને ભારતીય વિદ્યાર્થીઓ બંનેને આંચકો આપ્યો છે. જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓ મુખ્યત્વે એન્જિનિયરિંગ, ક્મ્પ્યુટર સાયન્સ અને નેચરલ સાયન્સ પ્રોગ્રામમાં અભ્યાસ કરવા માટે આવે છે. ભારતીય વિદ્યાર્થીઓ મુખ્યત્વે જર્મનીની પબ્લિક યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરે છે.
જર્મની ભારતીય વિદ્યાર્થીઓ માટે અત્યંત ઓછા સ્ટડી ખર્ચના કારણે ઓછા જોખમવાળું સ્થળ માનવામાં આવતું હતું. હવે ત્યાં પણ ભારતીય વિદ્યાર્થીઓ માટે જાણે દરવાજા બંધ થઈ રહ્યા હોય તેવી સ્થિતિ છે. આજે અમેરિકા અને કેનેડામાં ભારતીય વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝાનો રિજેક્શન દર સૌથી ઊંચો છે. હવે આવું જ જર્મનીએ પણ કરવા માંડયું છે.
સ્ટુડન્ટ વિઝાનો રિજેકશન દર ઊંચો જતાં ચાલુ વર્ષે વિદેશ ભણવા જનારા ભારતીયોની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ગયા વર્ષના ૧૩,૩ લાખ વિદ્યાર્થીઓની સામે આ વર્ષે ૧૨.૫૪ લાખ વિદ્યાર્થીઓ જ વિદેશમાં ભણવા ગયા છે. આમ ૭૬ હજાર વિદ્યાર્થીઓને ઘટાડો નોંધાયો છે.
મહત્ત્વની વાત એ છે કે જર્મન સરકાર કે ભારતના વિદેશ મંત્રાલયે કેટલા ભારતીયોને જર્મનીથી ડિપોર્ટ કરવામાં આવ્યા તેના આંકડા જારી કર્યા નથી. પણ તાજેતરમાં જ જર્મનીમાંથી ભારતીય વિદ્યાર્થીઓના ડિપોર્ટેશનનું પ્રમાણ ખાસ્સુ વધી ગયું છે અને તેને પડકારનારા વિદ્યાર્થીઓ કોર્ટમાં જાય છે તો પણ કેસ હારી જાય છે.
જર્મનીમાં તાજેતરમાં જ ભારતીય વિદ્યાર્થીઓને અભ્યાસમાં સૌથી વધુ પ્રમાણમાં રાખનારી આઇયુ નામની યુનિવર્સિટી જ શંકાના ઘેરામાં આવતા તેની સાથે જોડાયેલા કોર્સમાં બધા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવ્યા હતા.
તેમા કુલ ૧,૩૦,૦૦ વિદેશી વિદ્યાર્થીમાં ૪,૫૦૦થી પણ વધારે ભારતીય વિદ્યાર્થીઓનો સમાવેશ થતો હતો. તેમા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ બીજી યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવામાં સફળતા મેળવી હતી, પરંતુ મોટાભાગનાનો જર્મન સત્તાવાળાઓએ ડિપોર્ટેશન ઓર્ડર જ ફાડયો હતો.


