World

પાકિસ્તાને પાછા ધક્કેલેલા અફઘાન નિરાશ્રિતોની કરૂણ હાલત બાળકોને આરોગ્ય સુવિધા નથી, શુદ્ધ પાણી નથી : શિક્ષણ મળતું નથી

By GS TEAM
17 Sep 20252 mins read
પાકિસ્તાને પાછા ધક્કેલેલા અફઘાન નિરાશ્રિતોની કરૂણ હાલત બાળકોને આરોગ્ય સુવિધા નથી, શુદ્ધ પાણી નથી : શિક્ષણ મળતું નથી

- શિયાળો આવે છે, અમારે ઘર નથી : બાળકો ભૂખ્યા છે : શમ્સબીબી

- દાયકાઓથી ચાલી રહેલા આંતરવિગ્રહે અફઘાનિસ્તાનને ખેદાન-મેદાન કરી નાખ્યું છે, યુનિસેફ કે જાપાને મોકલેલી સહાય ટૂંકી પડે છે

કાબુલ : અફઘાનિસ્તાનના બાળકો સમક્ષ વર્તમાન અને ભવિષ્ય માટે પણ ભારે કટોકટી ઉપસ્થિત થઈ રહી છે, તેમાં યુનિસેફે ચેતવણી આપતા જણાવ્યું છે, અફઘાનિસ્તાનનાં ખમ્માપ્રેસે આ માહિતી આપતાં કહ્યું છે કે, પાકિસ્તાનમાંથી ધક્કેલી દેવાયેલા અફઘાન નિરાશ્રિતોને અને તેમના બાળકોને નથી પૂરતી આરોગ્ય સેવા કે નથી પૂરતું પાણી, ત્યાં શિક્ષણની તો વાત જ હવામાં ઊડી જાય છે.

આંતરરાષ્ટ્રિય સહાય જૂથો, યુનિસેફ અને જાપાન ત્યાં મદદ મોકલી રહ્યાં છે. પરંતુ, તે સહાય પણ ઓછી પડે છે. દાયકાઓથી ચાલી રહેલા આંતર વિગ્રહે અફઘાનિસ્તાનને ખેદાન-મેદાન કરી નાખ્યું છે. ચારે તરફ ગરીબી અને ભૂખમરો વ્યાપી રહ્યાં છે. મૂળબૂત માનવ-અધિકારો જેવું કશું જ રહ્યું નથી. બાળકો માટે કોઈ તક રહી જ નથી. યુનિસેફે દુનિયાભરના દેશોને સહાય મોકલવા એલાન તો આપ્યું છે, પરંતુ સહાય મોકલાતી નથી.

અત્યારે જાપાને સહાય મોકલી છે. તેમાં આરોગ્ય સુવિધાઓ અને અન્ય સહાય છે, પરંતુ તે પૂરતી પડે તેમ નથી.

પાકિસ્તાનમાંથી ધકેલાઈ રહેલા અફઘાન નિરાશ્રિતોની તો હાલત ઘણી જ કરૂણ છે. આ પૈકીનાં એક શમ્સ બીબીએ આક્રોશ ઠાલવતાં કહ્યું છે કે, શિયાળો આવે છે, અમારે આશ્રય લેવા માટે ઘર છે જ નહીં. અમારા બાળકો ભૂખ્યા છે.

કેટલાક સમય પૂર્વે ભારતે ૫૦૦૦ મે. ટન જેટલા ઘઉં મોકલ્યા હતા. તે પણ ખલાસ થઈ ગયા છે. સંભવ છે કે ભારત ફરી સહાય કરે. પરંતુ અફઘાનિસ્તાનમાં તો અન્ન-જળની અછતનું આભ ફાટયું છે. ત્યાં થીગડું ક્યાં દેવું તેની મુંઝવણ છે.