Get The App

61ના મોત, 458 ઘરો જમીનદોસ્ત, 12 રાજ્યોમાં અંધારપટ...: અફઘાનિસ્તાન પર આભ ફાટ્યું

Updated: Jan 24th, 2026

GS TEAM

Google News
Google News
61ના મોત, 458 ઘરો જમીનદોસ્ત, 12 રાજ્યોમાં અંધારપટ...: અફઘાનિસ્તાન પર આભ ફાટ્યું 1 - image


Afghanistan Snowfall Tragedy: ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં કુદરતના પ્રકોપના કારણે 61 લોકોના મોત થયા છે જ્યારે 110થી વધુ હોસ્પિટલમાં દાખલ છે. સતત ત્રણ દિવસથી ભારે બરફવર્ષા અને મુશળધાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. 

અફઘાનિસ્તાનમાં કુદરતનો પ્રકોપ, 61ના મોત 

બુધવારથી શનિવાર સુધીમાં અફઘાનિસ્તાનના ઉત્તર તથા મધ્ય વિસ્તારમાં ભારે બરફ વર્ષા થઈ. જેમાં 458 જેટલા ઘરો ધરાશાયી થયા. તંત્રએ લોકોને અપીલ કરી છે કે એ રસ્તા પર બરફ જામી ગયો હોય ત્યાંથી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી યાત્રા ન કરવી. તંત્રના જણાવ્યા અનુસાર બરફવર્ષાના કારણે અને ઘરોમાં છત ધરાશાયી થઈ હોવાની ઘટનાઓ પણ થઈ છે. અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્યની નીચે જતાં રહેતા કેટલાક લોકોના તો ઠંડીના કારણે નિધન થયા છે. 

ભારે પવન સાથે મુશળધાર વરસાદ અને બરફવર્ષા, લાઈફલાઈન ગણાતો હાઈવે ઠપ

કાંધારમાં એક ઘરની છત ધરાશાયી થતાં છ વર્ષના બાળકનું મોત થયું હતું. સમગ્ર વિસ્તારમાં ત્રણ દિવસથી ભારે પવન સાથે મુશળધાર વરસાદ ખાબક્યો હતો. કુદરતી આફતના કારણે અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાતો સાલંગ હાઈવે બંધ કરી દેવાયો છે. આ રસ્તો અફઘાનિસ્તાનના પાટનગર કાબુલને ઉત્તરના રાજ્યોને જોડે છે. ટ્રાન્સપોર્ટેશન ઠપ થઈ જવાના કારણે તંત્રની ચિંતા વધી છે. બામિયાનના પહાડી વિસ્તારોમાં ફસાયેલા લોકોને તંત્ર તરફથી રાહત સામગ્રી આપવામાં આવી રહી છે. 

12 રાજ્યોમાં બત્તીગુલ 

આ સિવાય અફઘાનિસ્તાનના 12 રાજ્યોને વીજળી આપતી ઉઝબેકિસ્તાનની વીજ લાઈન પણ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. જેના કારણે અનેક વિસ્તારોમાં બત્તીગુલ થઈ જતાં પડતાં પર પાટુ જેવી સ્થિતિ સર્જાઈ છે. વીજ વિભાગની ટીમો પણ હાઈવે બંધ હોવાના કારણે ઘટનાસ્થળે પહોંચી શકી નથી. 

અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપ તથા અન્ય કુદરતી આફતોના કારણે લોકોનું જીવન અત્યંત મુશ્કેલ બની રહ્યું છે. બીજી તરફ વિદેશથી મળતી મદદમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે.