- અફઘાનિસ્તાને પાકિસ્તાનની સરહદમાં ઘૂસીને હુમલા કર્યા : છેલ્લા કેટલાયે દિવસોથી પાક. દ્વારા થતી ઉશ્કેરણીજનક કાર્યવાહીનો અપાયેલો મૂંહતોડ જવાબ
નવી દિલ્હી : અફઘાનિસ્તાન-પાકિસ્તાન વચ્ચેનો તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે. છેલ્લા કેટલાયે દિવસોથી પાકિસ્તાન દ્વારા સતત થઈ રહેલી ઉશ્કેરણીજનક કાર્યવાહીનો, અફઘાનિસ્તાને આજે મુંહતોડ જવાબ આપ્યો છે. અફઘાનિસ્તાનની વાયુસેનાએ, પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ઘૂસી કેટલાંયે આતંકી મથકો ઉપર ડ્રોન હુમલા કર્યા. તેથી પાકિસ્તાનની સલામતી સંસ્થાઓ તથા બલુચિસ્તાનમાં આતંકી સંગઠનોમાં હડકંપ મચી ગયો છે.
અફઘાનિસ્તાનમાં સરકાર તરફથી જારી કરાયેલાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેનાં ડ્રોન્સે બલૂચિસ્તાનના છેલ્લા અબદુલ્લા જિલ્લામાં આવેલા ગુલસ્તાન વિસ્તારને તેમનું મુખ્ય નિશાન બનાવ્યો હતો. અફઘાની સેનાનો દાવો છે કે ત્યાં ખૂંખાર આતંકી સંગઠને ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયામાં (આઈએસઆઈએસ)નાં કેટલાયે અડ્ડાઓ સક્રીય હતા. તે સંગઠનો અફઘાનિસ્તાન ઉપર જાનલેવા હુમલાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેમનો હેતુ અમારા દેશમાં અસ્થિરતા ફેલાવવાનો હતો. તેથી તેમનાં ઓપરેશનલ બેઝિઝનો નાશ કરવો અનિવાર્ય હતો.
ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાયે દિવસોથી પાકિસ્તાની સેના અફઘાનિસ્તાનની સરહદે સતત ગોળીબારો કરી રહી હતી. તેથી અફઘાનિસ્તાને કડક શબ્દોમાં તેને ચેતવણી આપી હતી કે તે પાકિસ્તાનની આવી કાર્યવાહીનો બરોબરનો બદલો વાળશે.
શુક્રવારે અફઘાનિસ્તાને કરેલા ડ્રોન હુમલાઓ જવાબી કાર્યવાહી તરીકે માનવામાં આવે છે.
અત્યારે તો બંને દેશો વચ્ચે યુદ્ધ જેવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. સામસામા અંધાધૂંધ ગોળીબારો ચાલે છે. બંનેમાં વાયુદળો એકબીજા પ્રદેશો ઉપર હુમલા કરી રહ્યા છે.


