અફઘાનિસ્તાનમાં આકાશી આફત: 10 દિવસમાં 77 મોત, પૂર અને વીજળી પડતા 800 ઘર તબાહ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Heavy Rain in Afghanistan: યુદ્ધ અને આર્થિક સંકટથી ઘેરાયેલા અફઘાનિસ્તાન પર હવે કુદરતી આફત તૂટી પડી છે. છેલ્લા 10 દિવસથી પડી રહેલા અતિભારે વરસાદ, તોફાન અને ભૂસ્ખલનને કારણે સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. અફઘાનિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા અનુસાર, આ આફતમાં અત્યાર સુધીમાં 77 લોકોના મોત થયા છે અને 137થી વધુ લોકો ઘાયલ થયા છે.
મકાનો અને ખેતીને વ્યાપક નુકસાન
ભારે વરસાદને કારણે આવેલા પૂર અને લેન્ડસ્લાઇડમાં અત્યાર સુધીમાં 793 મકાનો સંપૂર્ણપણે ધરાશાયી થયા છે. જ્યારે 2,673 મકાનોને અંશતઃ નુકસાન પહોંચ્યું છે. આ આફતથી અંદાજે 5,800 પરિવારો પ્રભાવિત થયા છે. રહેણાંક મકાનો ઉપરાંત કૃષિ જમીન, પાણીના કુવાઓ અને સિંચાઈ નહેરોને પણ ભારે નુકસાન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે.
હાઈવે બંધ થતા સંપર્ક તૂટ્યો
ભૂસ્ખલન અને પથ્થરો ધસી પડવાને કારણે અફઘાનિસ્તાનના મહત્વના હાઈવે બંધ થઈ ગયા છે. કાબુલ-જલાલાબાદ હાઈવે: પાકિસ્તાન સરહદને જોડતો આ મુખ્ય રસ્તો બંધ થતા વાહનવ્યવહાર ઠપ થયો છે. હિન્દુ કુશ પર્વતમાળામાં આવેલો સાલંગ પાસ બંધ થવાથી કાબુલનો ઉત્તરીય શહેરો (કુંદુઝ અને મઝાર-એ-શરીફ) સાથેનો સંપર્ક તૂટી ગયો છે. મુસાફરોને લાંબા અને મુશ્કેલ ડાયવર્ઝન લેવાની ફરજ પડી રહી છે.
વધુ વરસાદની આગાહી
ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આગામી દિવસોમાં પણ વધુ વરસાદ અને તોફાનની આગાહી કરી છે. લોકોને નદી કિનારા અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોથી દૂર રહેવા કડક સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન ભૌગોલિક રીતે અત્યંત સંવેદનશીલ હોવાથી અહીં દર વર્ષે ભારે હિમવર્ષા અને વસંતઋતુના પૂર સેંકડો લોકોનો ભોગ લે છે. વર્ષ 2024માં પણ અચાનક આવેલા પૂરમાં 300થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.








