6.3ની તીવ્રતાના ભૂકંપથી ધણધણી ઉઠી અફઘાનિસ્તાનની ધરા, મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા

Afghanistan Earthquake: અફઘાનિસ્તાનના ઉત્તરીય ભાગમાં સોમવારે (3 નવેમ્બર) વહેલી સવારે જોરદાર ભૂકંપ આવ્યો હતો. યુએસ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. આ ભૂકંપમાં અનેક લોકોના મોત નિપજ્યા હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભૂકંપનું કેન્દ્ર અને અસર
USGS અનુસાર, 3 નવેમ્બરે આવેલા ભૂકંપનું કેન્દ્ર મઝાર-એ-શરીફ શહેર નજીક ખોલ્મ (Khulm)માં જમીનની સપાટીથી 28 કિલોમીટર (17 માઇલ) ની ઊંડાઈએ હતું. અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ સુધી પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ઉત્તરીય બલ્ખ પ્રાંતની રાજધાની મઝાર-એ-શરીફ ઉત્તરીય અફઘાનિસ્તાનના સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાંનું એક છે. મઝાર-એ-શરીફમાં અનેક લોકો અડધી રાત્રે પોતાના ઘરો પડી જવાના ડરથી રસ્તાઓ પર દોડી ગયા હતા. શહેરના એક નિવાસીએ જણાવ્યું કે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેમનો પરિવાર ડરીને જાગી ગયો હતો અને તેમના બાળકો બૂમો પાડતા સીડીઓ પરથી નીચે ભાગી રહ્યા હતા.
પાડોશી દેશોમાં અસર:
નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજી (NCS)એ 'X' પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે, આ ભૂકંપ સ્થાનિક સમય અનુસાર સોમવારે વહેલી સવારે મઝાર-એ-શરીફ અને ખુલ્મ શહેરની આસપાસ આવ્યો હતો અને આ ભૂકંપની અસર ઉત્તરી અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલા ત્રણ દેશોને થઈ હતી. તાજિકિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાનના કેટલાક ભાગોમાં પણ ભૂકંપની અસર જોવા મળી હતી.
નોંધનીય છે કે, અફઘાનિસ્તાનના ઉત્તરીય ભાગમાં આ ભૂકંપ આવ્યો છે, જ્યારે લગભગ બે મહિના પહેલા દેશના પૂર્વીય ભાગમાં આવેલા ભૂકંપમાં 2200થી વધુ લોકો માર્યા ગયા હતા.

