અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનો આંકડો વધીને 1100ને પાર, સુદાનમાં ભૂસ્ખલને 1000નો જીવ લીધો
Afghanistan Earthquake & landslide in Sudan: સમગ્ર વિશ્વમાં કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. દુનિયાના બે અલગ-અલગ ખૂણામાં પ્રકૃતિએ પોતાનું વિકરાળ સ્વરૂપ બતાવ્યું છે. એક બાજુ ભૂકંપે તબાહી મચાવી છે તો બીજી બાજુ ભૂસ્ખલનના કારણે અ સંખ્ય લોકો મૃત્યુ પામ્યા છે.
અફઘાનિસ્તાન અને સુડાનમાં કુદરતી આફત: 2100થી વધુના મોત
અફઘાનિસ્તાનથી લઈને સુડાન સુધી કુદરતનો કહેર જોવા મળ્યો છે. જેમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે એક હજારથી વધુ લોકોના જીવ લીધા છે. જ્યારે, સુડાનમાં ભૂસ્ખલનને કારણે એક હજારથી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અફઘાનિસ્તાન અને સુડાનમાં આવેલી આ બે આફતોમાં અત્યાર સુધીમાં કુલ 2100થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે હજારો લોકો ઘાયલ અને બેઘર થયા છે.
કુદરતી આફતોએ માનવીય સંકટ વધાર્યું
અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જ્યારે સુડાનના દારફુર ક્ષેત્રમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે એક આખું ગામ જમીનદોસ્ત થઈ ગયું. આ આફતોએ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કર્યું, પરંતુ જે વિસ્તારો પહેલેથી જ સંકટગ્રસ્ત હતા ત્યાં માનવીય સંકટને વધુ ઊંડું બનાવ્યું છે.
અફઘાનિસ્તાનના ભૂકંપમાં કેટલા લોકોના મોત થયા?
અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં કાબુલ નજીક રવિવારે રાત્રે 6.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં ઓછામાં ઓછા 1100 લોકોના મોત થયા અને 3500થી વધુ લોકો ઘાયલ થયા. આ ભૂકંપથી પહાડી વિસ્તારોમાં ઘરો અને રસ્તાઓ નાશ પામ્યા, જેના કારણે ઘણા ગામોનો સંપર્ક તૂટી ગયો.
સુડાનમાં કુદરતી આફતમાં 1 હજારથી વધુ મૃત્યુ
બીજી તરફ, સુડાનમાં પરિસ્થિતિ વધુ ભયાનક છે. સુડાન લિબરેશન મૂવમેન્ટ/આર્મીએ સોમવારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે પશ્ચિમી સુડાનના મારા માઉન્ટેન્સ વિસ્તારમાં એક ગામ પર ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા 1000 લોકોના મોત થયા. આ દુર્ઘટનામાં માત્ર એક જ વ્યક્તિ જીવતો બચ્યો છે.
ભૂસ્ખલનની ઘટના 31મી ઓગસ્ટે થઈ, જ્યારે સતત ઘણા દિવસો સુધી ભારે વરસાદ બાદ પહાડી વિસ્તારમાં ભૂસ્ખલન થયું. સુડાનની સેનાનું કહેવું છે કે આખું ગામ માટીમાં દટાઈ ગયું છે અને હવે ત્યાં કંઈ જ બાકી નથી. પુરુષો, સ્ત્રીઓ અને બાળકો બધા આની ચપેટમાં આવ્યા. આ વિસ્તાર દારફુર ક્ષેત્રમાં આવે છે, જે પહેલાથી જ સુડાની સેના અને રેપિડ સપોર્ટ ફોર્સીસ (RSF) વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધથી પ્રભાવિત છે.