અફઘાનિસ્તાનમાં ભૂકંપ બાદ ભયાનક સ્થિતિ, મૃત્યુઆંક 2200ને પાર, અનેક જિલ્લામાં ભૂખમરાની સ્થિતિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Afghanistan Earthquake : અફઘાનિસ્તાનમાં આવેલા શક્તિશાળી ભૂકંપના કારણે મૃત્યુઆંક સતત વધી રહ્યો છે અને ગુરુવાર સુધીમાં મૃત્યુઆંક 2200ને પાર પહોંચી ગયો છે. આ ભૂકંપને દેશમાં છેલ્લા કેટલાક દાયકાઓનો સૌથી ભયાનક અને વિનાશક ભૂકંપ માનવામાં આવે છે. રિક્ટર સ્કેલ પર 6.0ની તીવ્રતાના આ ભૂકંપથી પાકિસ્તાનની સરહદને અડીને આવેલા પર્વતીય પ્રદેશોમાં ભારે તબાહી મચી છે.
કુનાર પ્રાંતમાં સૌથી વધુ મોત
તાલિબાન સરકારના ડેટા મુજબ, ભૂકંપના કારણે સૌથી વધુ કુનાર પ્રાંતમાં 2205 લોકોના મોત અને 3640 લોકો ઈજાગ્રસ્ત થયા છે. પડોશી નંગરહાર અને લગમાન પ્રાંતમાં પણ 12 લોકોના મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તાલિબાન સરકારના પ્રવક્તા હમદુલ્લાહ ફિત્રતે કહ્યું કે, ‘બચાવ અને રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. ધરાશાયી થયેલા મકાનોના કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો બહાર કાઢવામાં આવી રહ્યા છે.

અનેક રસ્તાઓ તૂટી જતાં રાહત-બચાવ કાર્યમાં મુશ્કેલી
પર્વતીય કુનાર પ્રાંતના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં ખૂબ મુશ્કેલી પડી રહી છે. ભૂકંપના આફ્ટરશોક્સને કારણે થયેલા ભૂસ્ખલનથી રસ્તાઓ સંપૂર્ણ તૂટી ગયા છે, જેના કારણે બચાવ અને રાહત કામગીરી ધીમી પડી છે.
અનેક જિલ્લામાં ભૂખમરાની સ્થિતિ
નુર્ગલ જિલ્લામાં સેંકડો ગ્રામજનો ખુલ્લા આકાશ નીચે જીવન ગુજારવા મજબૂર બન્યા છે. તેમને ખાવા-પીવાની ચીજવસ્તુઓ પણ પૂરતા પ્રમાણમાં મળી રહી નથી, જેના કારણે ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે. મજાર દારામાં જ્યાં સેંકડો લોકોએ આશ્રય લીધો છે, ત્યાં ભોજન માટે મારામારી પણ થઈ હોવાના અહેવાલો છે.

હૉસ્પિટલોમાં દવાઓ-સ્ટાફની અછત
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશને(WHO) ચેતવણી આપી છે કે, સ્થાનિક આરોગ્ય સેવાઓ ખોરંભે પડી ગઈ છે. ટ્રોમા, દવાઓ અને સ્ટાફની ભારે અછત છે. WHOએ આરોગ્ય સેવાઓ અને પુરવઠા વિતરણ માટે 4 મિલિયન ડૉલરની મદદ કરવાની અપીલ કરી છે. WHOના અફઘાનિસ્તાન માટે ઈમર્જન્સી ટીમ લીડ જમશેદ તનોલીએ કહ્યું કે, ‘દરેક કલાક કિંમતી છે. હૉસ્પિટલો સંઘર્ષ કરી રહી છે, પરિવારો શોકમાં છે અને બચેલા લોકોએ બધું ગુમાવી દીધું છે.’

અફઘાનિસ્તાન પર એક પછી એક સંકટ
ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાન પહેલાથી જ ગંભીર માનવતાવાદી સંકટનો સામનો કરી રહ્યું છે. જાન્યુઆરીમાં અમેરિકાની વિદેશી સહાય બંધ થયા બાદ ફંડ અને સંસાધનોની અછત વર્તાઈ રહી છે. એટલું જ નહીં આ દેશે અગાઉ આર્થિક ગરીબી અને ગંભીર દુષ્કાળનો પણ સામનો કર્યો હતો. ત્યારબાદ તાલિબાને 2021માં સત્તા સંભાળ્યા બાદ પાકિસ્તાન-ઈરાન જેવા દેશો દ્વારા લાખો અફઘાન શરણાર્થીઓને પાછા મોકલી દીધા હતા. આ તમામ સંકટના કારણે અફઘાનિસ્તાન વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે. ભૂકંપથી પીડિત નંગરહાર પ્રાંતમાં પાકિસ્તાને ફરીથી 6300થી વધુ અફઘાનીઓને દેશનિકાલ કરવાની પ્રક્રિયા શરુ કરી છે.








