World

'અફઘાન તાલિબાનો'એ પાક.નાં 62 સૈનિકોનો સફાયો કર્યો

By GS TEAM
13 Oct 20255 mins read
'અફઘાન તાલિબાનો'એ પાક.નાં 62 સૈનિકોનો સફાયો કર્યો

- અમેરિકાએ ટેકો પાછો ખેંચ્યા બાદ અફઘાનિસ્તાનનું રશિયા તરફી વલણ

- કંદહારમાં ટીટીપીના સ્થળો પર ડ્રોન હુમલો, 200 તાલિબાનો અને ટીટીપીના આતંકીઓને માર્યાનો પાકિસ્તાની આર્મીનો દાવો

- કતર અને સાઉદી અરબની વિનંતીથી પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી અટકાવી : તાલિબાન

- પાકિસ્તાનનો તાલિબાનો પર ટીટીપીના આતંકીઓને, અફઘાનિસ્તાનનો પાક. પર આઈએસઆઈએસના આતંકીઓને આશરો આપવાનો આક્ષેપ

કાબુલ/ઈસ્લામાબાદ: અફઘાનિસ્તાન પર પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબમાં તાલિબાનોએ શનિવારની મોડી રાતે ડુરાંડ લાઈન પર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો હતો, જેમાં તાલિબાનોએ પાકિસ્તાનના ૬૫ સૈનિકોને મારી નાંખવાનો અને ૨૪થી વધુ પોસ્ટ કબજે કર્યાનો દાવો કર્યો હતો. બીજીબાજુ પાકિસ્તાને પણ તાલિબાનના ૨૦૦થી વધુ સૈનિકોને મારવાનો અને પોતાના ૨૩ સૈનિકો માર્યા ગયા હોવાનો દાવો કર્યો હતો. વધુમાં તાલિબાનોના હુમલાના જવાબમાં પાકિસ્તાને કંધાર સહિત કેટલાક શહેરોમાં ડ્રોન હુમલો કર્યો હતો.

પાકિસ્તાને ડુરાન્ડ લાઈન પર તેહરીક-એતાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના સ્થળો પર હવાઈ હુમલો કર્યા પછી અફઘાન તાલિબાનોએ શનિવારે મોડી રાત પછી ડુરાંડ લાઈન પર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો હતો. તાલિબાનો અને પાકિસ્તાન વચ્ચે આ અથડામણ એવા સમયે થઈ છે જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિરખાન મુત્તકી ભારતના એક સપ્તાહના પ્રવાસે આવ્યા છે.

અફઘાનિસ્તાનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદે રવિવારે જણાવ્યું હતું કે, શનિવારે મોડી રાત પછી અફઘાનિસ્તાન ઈસ્લામિક અમિરાતના સૈન્ય અને પાકિસ્તાની સેના વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં પાકિસ્તાનના ૬૫ સૈનિકો માર્યા ગયા અને ૩૦ ઘાયલ થયા હતા. આ સમયે અફઘાન સૈન્યે મોટા પ્રમાણમાં પાકિસ્તાની હથિયારો પણ જપ્ત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, આ સંઘર્ષમાં અફઘાન સેનાના ૨૦થી જવાન માર્યા ગયા અથવા ગાયલ થયા છે. જોકે, કતર અને સાઉદી અરબની વિનંતીથી પાકિસ્તાન વિરોધી સૈન્ય કાર્યવાહી અટકાવી દેવાઈ છે.

અફઘાન પ્રવક્તાએ કાબુલમાં જણાવ્યું કે, ડુરાન્ડ લાઈન પર પાકિસ્તાનના હવાઈ હુમલાના જવાબમાં અફઘાન સેનાએ કાર્યવાહી કરી હતી. પાકિસ્તાન પોતાની જમીન પર આઈએસઆઈએસ જેવા આતંકી જૂથોને આશરો આપે છે. આ જૂથો અફઘાનિસ્તાનમાં આતંકી હુમલા કરે છે. પાકિસ્તાને આતંકીઓને આશરો આપવાનું બંધ કરીને તેમને તાલિબાન સરકારને સોંપી દેવા જોઈએ.

દરમિયાન પાકિસ્તાન આર્મીએ રવિવારે દાવો કર્યો હતો કે, અફઘાનિસ્તાન ટીટીપીના આતંકીઓને આશરો આપી રહ્યું છે. શનિવારે તાલિબાન અને ટીટીપીના આતંકીઓના સંયુક્ત હુમલાનો જડબાતોડ જવાબ અપાયો હતો અને તાલિબાન તથા તેની સાથે સંકળાયેલા ૨૦૦ આતંકીઓનો સફાયો કરી દેવાયો હતો. જોકે, આ ઘર્ષણમાં પાકિસ્તાનના ૨૩ સૈનિકો માર્યા ગયા હતા. વધુમાં પાકિસ્તાની આર્મીએ અફઘાન સૈન્યની ૧૯ પોસ્ટ પર કબજો કરી લીધો છે. 

કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ તાલિબાનોના આ હુમલાના જવાબમાં પાકિસ્તાને રવિવારે કંધાર પ્રાંતના સ્પિન બોલ્દક વિસ્તારમાં ટીટીપીના આતંકીઓને નિશાન બનાવીને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં જાનહાનિ કે સંપત્તિને નુકસાનના અહેવાલ નથી. જોકે, આ હુમલાની સ્વતંત્ર પુષ્ટી થઈ શકી નથી અને અફઘાન તાલિબાન સરકારે પણ આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

- સાઉદી સાથે 'નાટો' જેવા કરારની પરીક્ષા

- સાઉદીની પાક. તરફથી લડવાના બદલે અફઘાનને શાંતિની વિનંતી

- સાઉદી અરબ તેના તરફથી લડશે તેવા પાકિસ્તાનના દાવાઓ અફઘાન સંઘર્ષમાં પોકળ સાબિત થયા

દુબઈ: અફઘાનિસ્તાને શનિવારે મોડી રાતે પાકિસ્તાન પર હુમલો કરીને કેટલીક ચોકીઓ પર કબજો કરી લીધો હોવાનો તાલિબાનોએ દાવો કર્યો હતો. આવા સમયે સાઉદી અરબે પાકિસ્તાન તરફથી લડવાના બદલે અફઘાનિસ્તાનને તણાવ ઘટાડવા માટે આત્મસંયમ જાળવવા વિનંતી કરી હતી. પાકિસ્તાને થોડા સપ્તાહ પહેલાં જ સાઉદી અરબ સાથે 'નાટો' જેવા સુરક્ષા કરાર કર્યા છે ત્યારે સાઉદી અરબનું આ વલણ પાકિસ્તાન માટે ચિંતાજનક બની રહ્યું છે.

અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવા સંજોગોમાં સાઉદી અરબે સત્તાવાર નિવેદનમાં રવિવારે જણાવ્યું હતું કે, સાઉદી અરબ ઈસ્લામિક ગણરાજ્ય પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદીય ક્ષેત્રોમાં ઊભા થયેલા તણાવ અને અથડામણ અંગે ચિંતા વ્યક્ત કરે છે.

 સાઉદી અરબ બંને દેશોને આત્મસંયમ જાળવવા, તણાવ વધારવાનું ટાળવા અને વાટાઘાટો તથા સમજદારી અપનાવવા વિનંતી કરે છે, જેથી તણાવ ઘટાડવા અને પ્રાદેશિક સુરક્ષા અને સ્થિરતા જાળવી રાખવામાં મદદ મળે.

પાકિસ્તાને થોડાક સપ્તાહ પહેલાં જ સાઉદી અરબ સાથે 'નાટો' જેવા સુરક્ષા કરાર કર્યા હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે, આ કરાર હેઠળ પાકિસ્તાનની ધરતી પર સૈન્ય હુમલો થશે તો તેને સાઉદી અરબની ધરતી પર પણ હુમલો મનાશે અને પાકિસ્તાન તથા સાઉદી અરબ બંને એક સાથે હુમલાખોર દેશને વળતો જવાબ આપશે. જોકે, નિષ્ણાતો મુજબ આ કરારમાં એ બાબતે અસ્પષ્ટતા છે કે યુદ્ધની સ્થિતિમાં સાઉદી અરબ સીધી દખલ કરશે કે રણનીતિક મદદ કરશે.

- બંને દેશોએ આ કરાર આક્રમક્તા માટે નહીં પરંતુ રક્ષણાત્મક દૃષ્ટિએ બનાવાયા હોવાનું જણાવાયું હતું. 

-  કોઈપણ દેશનું આક્રમણ સાંખી નહીં લઈએ

- પાકિસ્તાનને શાંતિ ના જોઈતી હોય તો 'બીજા' પણ રસ્તા છે : મુત્તકી

નવી દિલ્હી: અફઘાનિસ્તાન પાકિસ્તાન સાથે વર્તમાન સંઘર્ષનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે, પરંતુ પાકિસ્તાનને શાંતિ ના જોઈતી હોય તો 'બીજા' પણ રસ્તા છે તેવી ચેતવણી અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી આમિરખાન મુત્તકીએ રવિવારે આપી હતી. મુત્તકી હાલ ભારતના એક સપ્તાહના પ્રવાસે છે ત્યારે તેમણે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, તેમનો દેશ કોઈપણ દેશના આક્રણને સાંખી નહીં લે. પાકિસ્તાને ગુરુવારે કાબુલમાં હવાઈ હુમલો કરવાના પગલે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે શનિવારે મોડી રાત પછી ભારે ઘર્ષણ થયું હતું. આ સંદર્ભમાં મુત્તકીએ રવિવારે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં એકંદરે સ્થિતિ નિયંત્રણ હેઠળ છે, પરંતુ તેમનો દેશ તેમના સાર્વભૌમત્વના ભંગને જરાપણ સહન નહીં કરે. ઈસ્લામિક અમિરાત ઓફ અફઘાનિસ્તાનની નીતિ બધી જ સમસ્યાઓનો ઉકેલ ચર્ચા મારફત લાવવાની છે. અમે કોઈપણ રીતે હિંસા ઈચ્છતા નથી, પરંતુ તેઓ તેમ ઈચ્છતા ના હોય તો અફઘાનિસ્તાન પાસે 'અન્ય' રસ્તાઓ પણ છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી મુત્તકીએ જણાવ્યું હતું કે, તેમને પાકિસ્તાનના લોકો અને નેતાઓ સાથે કોઈ સમસ્યા નથી, પરંતુ પાકિસ્તાનમાં કેટલાક તત્વો વાતાવરણ 'ખરાબ' કરવા માગે છે. પાકિસ્તાનમાં આતંકવાદની સમસ્યા છે. પાકિસ્તાને સૌથી પહેલાં આ સમસ્યાને દૂર કરવી જોઈએ. 

જોકે, પાકિસ્તાને અફઘાનિસ્તાન પર તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના આતંકીઓને આશરો આપવાનો આક્ષેપ મૂક્યો છે. ટીટીપી પાકિસ્તાનમાં આતંકી હુમલા કરી રહ્યું હોવાનો પાકિસ્તાને દાવો કર્યો હતો. જોકે, મુત્તકીએ પાકિસ્તાનના દાવાને નકારી કાઢ્યો હતો. તેમણે કહ્યું કે, અફઘાનિસ્તાન તેની સરહદોનું રક્ષણ કરવા સક્ષમ છે.