- યુરોપીય દેશો પછી કેનેડા પણ ગ્રીન-લેન્ડની વ્હારે
- આર્ટિક રીજીયનમાં ઉપસ્થિત વિરોધાત્મક ગતિવિધિ થાય તો પહેલેથી જ ત્યાં અમેરિકાનો કબ્જો હોવો જરૂરી છે
નવી દિલ્હી/વોશિંગ્ટન : અમેરિકાએ મંગળવારે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, ગ્રીન લેન્ડ પર કબ્જો મેળવવો અમેરિકા માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તે માટે સેનાકીય શક્તિનો ઉપયોગ કરવો પડે તો તેમ કરવા પણ તે તૈયાર છે. આ સામે યુરોપીય દેશોએ ઉગ્ર પ્રતિભાવો આપ્યા હતા અને તેથી 'નાટો' સંગઠન પણ તૂટી જશે તેવી પણ ચેતવણી ઉચ્ચારી હતી. યુરોપીય દેશો ઉપરાંત કેનેડાના વડાપ્રધાન કાર્નીએ બુધવારે ગ્રીનલેન્ડનો પક્ષ લેતાં તેની વ્હારે દોડયા છે.
તે પરિસ્થિતિમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનાં આ પગલાંનો બચાવ કરતાં વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટ્રેએ સીએનએનને જણાવ્યું હતું કે, ગ્રીન લેન્ડ અમેરિકા માટે રાષ્ટ્રીય સલામતી સંદર્ભે સર્વોચ્ચ પ્રાથમિકતા છે. આર્ટિક રીજીયન (ઉત્તર ધુ્રવ પ્રદેશ)માં વિરોધ કાર્યવાહી ન થાય તે જોવાની અમેરિકાની વ્યૂહાત્મક નીતિ છે. આ માટે પ્રમુખ અને તેમની ટીમ બહુવિધ વિકલ્પોની ચર્ચા કરી રહ્યાં છે જે પૈકી એક વિકલ્પ લશ્કરી પગલાંનો પણ છે. તેમ પણ 'કમાન્ડર-ઈન-ચીફ' (પ્રમુખે) જણાવ્યું હતું.
વેનેઝૂએલા પર આક્રમણ કર્યા પછી અને તેના પ્રમુખ નિકોલસ માદુરોની ધરપકડ કર્યા પછી હવે પ્રમુખ ટ્રમ્પે ગ્રીનલેન્ડ પર નજર નાખી છે તે સર્વવિદિત છે. તે માટે તેઓ આર્ટિક-રીજીયનમાં વધી રહેલી રશિયન અને ચાયનીઝ કાર્યવાહીનું સબળ કારણ દર્શાવે છે. જ્યારે યુરોપીય નેતાઓ તે પ્રશ્નનો ઉકેલ મંત્રણા દ્વારા કરવા અનુરોધ કરે છે.
યુરોપીય નેતાઓએ ટ્રમ્પને આપેલી ચેતવણી પછી કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની પણ ગ્રીનલેન્ડ અંગે ડેન્માર્કની સહાયે દોડયા છે, અને ગ્રીનલેન્ડ ઉપરનાં ડેન્માર્કનાં સાર્વભૌમત્વ સામેના પડકાર તરીકે જણાવતાં કહ્યું હતું કે તે ધમકી તે દેશની (ડેન્માર્ક અને તે સાથે ગ્રીનલેન્ડ)ની પ્રાદેશિક એકતા અને સાર્વભૌમત્વ સામેના પડકારરૂપ છે જે આંતરરાષ્ટ્રીય કાનૂન તેમજ યુ.એન.ના ચાર્ટર વિરૂદ્ધ છે.


