Trump Zelenskyy Meeting: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરતા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. અહેવાલ મુજબ, આ બેઠકમાં ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિને રશિયાની શરતોનો સ્વીકાર કરવા માટે વિનંતી કરી હતી. આ સાથે જ, તેમણે ચેતવણી પણ આપી હતી કે જો તેઓ આમ નહીં કરે તો રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેનને તબાહ કરી દેશે. વધુમાં, ટ્રમ્પે હથિયારોની સપ્લાયના મુદ્દે પણ યુક્રેનને આંચકો આપ્યો હોવાના સમાચાર છે.
ટ્રમ્પ અને ઝેલેન્સ્કી વચ્ચેની આ બેઠક ખૂબ જ તણાવપૂર્ણ રહી
મીડિયા રિપોર્ટ્સ મુજબ, ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે જો તેઓ સહમત નહીં થાય, તો પુતિન યુક્રેનનો વિનાશ કરી નાખશે. આ મામલાથી પરિચિત સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પ્રમુખ વચ્ચેની આ બેઠક ખૂબ જ તણાવપૂર્ણ રહી, જેમાં ઘણી દલીલો થઈ અને ટ્રમ્પે અનેક વખત અપશબ્દો બોલતા જોવા મળ્યા હતા.. સૂત્રોએ માહિતી આપી કે ટ્રમ્પે યુક્રેનમાં મોરચાની રેખા દર્શાવતા નકશા બાજુ પર ફેંકી દીધા હતા અને ઝેલેન્સ્કી પર સમગ્ર ડોનબાસ વિસ્તાર રશિયાને સોંપી દેવા માટે દબાણ કર્યું હતું. જોકે, અહેવાલમાં જણાવાયું છે કે પાછળથી ટ્રમ્પે હાલની મોરચાની રેખાઓને ફ્રીઝ કરવાના વિચારને પણ સમર્થન આપ્યું હતું.
અહેવાલ મુજબ, ઝેલેન્સ્કી અને તેમના પ્રતિનિધિમંડળનો મુખ્ય ઉદ્દેશ ટ્રમ્પને લાંબા અંતરની ટોમહોક ક્રૂઝ મિસાઇલો સપ્લાય કરવા માટે મનાવવાનો હતો, પરંતુ અમેરિકન પ્રમુખે યુક્રેનને આ શસ્ત્રો આપવાનો ઇનકાર કરી દીધો.
ડોનબાસ સોંપો અથવા વિનાશનો સામનો કરો: ટ્રમ્પનું ઝેલેન્સ્કી પર દબાણ
બેઠક વિશે માહિતી ધરાવતા એક યુરોપિયન અધિકારી પાસેથી મળતી માહિતી અનુસાર ટ્રમ્પે ઝેલેન્સ્કીને કહ્યું હતું કે, પુતિને તેમને સમજાવ્યું છે કે આ સંઘર્ષ 'યુદ્ધ નથી, પરંતુ એક સ્પેશિયલ ઓપરેશન' છે. આ સાથે જ, ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે, 'યુક્રેને કાં તો કોઈ કરાર કરવો પડશે અથવા તો વિનાશનો સામનો કરવો પડશે.' ટ્રમ્પે ઝેલેન્સ્કીને ચેતવણી આપતા કહ્યું, 'જો (પુતિન) ઇચ્છશે, તો તેઓ તમને નષ્ટ કરી દેશે.'
આ પણ વાંચો: 'ભારત રશિયાથી ઓઈલ ખરીદવાનું બંધ કરી દે નહીંતર...' દિવાળીએ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી
પુતિનની શરતો
ટ્રમ્પ સમક્ષ રજૂ કરાયેલા તાજા પ્રસ્તાવમાં પુતિને એવી માગણી કરી છે કે યુક્રેને સમગ્ર ડોનબાસ વિસ્તાર રશિયાને સોંપી દેવો જોઈએ. આના બદલામાં, દક્ષિણ ખેરસાન અને ઝાપોરિઝિયા પ્રદેશના કેટલાક નાના હિસ્સાઓ યુક્રેનને પાછા આપવામાં આવશે. નોંધનીય છે કે, અલાસ્કામાં યોજાયેલી અગાઉની મુલાકાત દરમિયાન પુતિને યુક્રેન પાસે ખેરસાન અને ઝાપોરિઝિયાની સાથે આખો ડોનબાસ પ્રદેશ પણ માગ્યો હતો.


