જીવનમાં અનેક વખત હારનો સામનો કર્યા બાદ અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ બનેલા અબ્રાહમ લિંકન...
નવી મુંબઇ,તા. 12 ફેબ્રુઆરી 2023,રવિવાર
અમેરિકાના સૌથી મોટા સંકટ-ગૃહયુદ્ધને શાંત કરનારા અમેરિકાના 16મા રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનનો જન્મ 12 ફેબ્રુઆરી 1809માં એક ગરીબ પરિવારમાં થયો હતો. તેમનો રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યકાળ 1861થી 1865 સુધી હતો.
1818માં તેમની માતાનું નિધન થયું. 1830માં તેમનો સમગ્ર પરિવાર ઈન્ડિયાના રાજ્ય છોડી ઇલિનૉઇસ રાજ્યમાં સ્થાયી થયો. અહીં તેમણે છૂટક મજૂરી અને નાની-મોટી નોકરીઓ કરીને પરિવારને મદદરૂપ બન્યા. થોડો સમય પોસ્ટ માસ્તર અને મોજણી અધિકારી પણ બન્યા હતા.
અમેરિકામાં દાસ પ્રથાનો અંત પણ તેમણે કર્યો હતો. અબ્રાહમ લિંકન બે વખત સેનેટની ચૂંટણીમાં નિષ્ફળ થયા હતા પરંતુ હાર ન માનીને તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ અમેરિકાના પ્રેસિડન્ટ બન્યા. તેમણે જીવનમાં ઘણી વખત હારનો સામનો કરવો પડ્યો. 1831માં બાવીસ વર્ષની ઉંમરે નાનો ધંધો શરુ કર્યો પરંતુ ન ચાલતાં બંધ કરવો પડ્યો. 1832માં તેઓ લેજીસ્લેચર પ્રતિનિધિ માટેની ચૂંટણી લડ્યા પણ એમાં હાર મળી. આ જ વર્ષે એમણે નોકરી ગુમાવી. લૉ સ્કૂલમાં તેમને અભ્યાસ કરવા જવું હતું પણ પૈસાના અભાવે જઈ ન શક્યા. 1833માં મિત્રો પાસેથી પૈસા ઉછીના લઈને ફરી ધંધામાં ઝંપલાવ્યું પરંતુ દેવાળું કાઢ્યું. આ દેવું ચુકતે કરવા માટે તેમને 17 વર્ષ સુધી રાહ જોવી પડી! 1834માં સ્ટેટ લેજિસ્લેચરની ચૂંટણી લડ્યા અને એમાં જીત મળી. 1835માં એમની પ્રેમિકા સાથે લગ્ન સંબંધ નક્કી કર્યો પરંતુ પ્રેમિકાના અચાનક અવસાનથી એમનું હૃદય ભાંગી પડ્યું. જોકે પછીના વર્ષે મગજની સમતુલા ગુમાવતાં તેઓ ડીપ્રેશનનો ભોગ બનીને 6 મહિના પથારીવશ રહ્યા. માંદગીમાંથી ઉભા થઈને 1838માં સ્ટેટ લેજિસ્લેચરની ચૂંટણીમાં ઝંપલાવ્યું પરંતુ એમાં નિષ્ફળતા મળી.
અંગત જીવન
અબ્રાહમ લિંકનના અંગત જીવનની જો વાત કરીએ તો, 1842માં તેમના લગ્ન મેરી ટોડ સાથે થયાં. તેમના ચાર પુત્રો રોબર્ટ ટોડ લિંકન, ઍડવર્ડ બૅકર લિંકન , વિલિયમ વોલેસ લિંકન , ટોમસ ટેડ લિંકન પૈ બે પુત્રો ઍડવર્ડ અને વિલિયમ અકાળે અવસાન પામ્યા. પુત્રોના અવસાનના આઘાતથી લિંકનના પત્નીએ લાંબા સમય સુધી માનસિક સમતુલા ગુમાવી દીધી હતી.
એક અમેરિકા-શ્રેષ્ઠ અમેરિકાનો પડકાર :
લિંકન સામે રાષ્ટ્રપ્રમુખ તરીકે સૌથી પહેલો પડકાર દક્ષિણના રાજ્યોનો દેશમાંથી છુટા પડવાની માંગનો હતો. 20 ડિસેમ્બર 1860ના રોજ સાઉથ કેરોલિના રાજ્યની આગેવાની હેઠળ મિસિસિપિ, ફ્લોરિડા, જ્યોર્જીયા અને ટેક્સાસનાં રાજ્યોની સંયુક્ત રાજ્યમાંથી અલગ થવાની માંગ એક શિખરે પહોંચી હતી. 4 માર્ચ 1861ના પોતાના પ્રજાજોગ સંદેશમાં તેમણે વહીવટીતંત્રથી ભય ન પામવાની અને રાજ્યોની સત્તા ક્યારેય ખતરામાં ન હોવાની ખાતરી આપી હતી. જોકે રાજકીય ઘટનાઓ બાદ આ વિરોધ આંતરવિગ્રહમાં ફેરવાઈ ગયો. સરકાર અને દક્ષિણના રાજ્યો વચ્ચે રાજકીય કટોકટી સર્જાઈ. લિંકને દૃઢતાપૂર્વક અને ધૈર્યથી પરિસ્થિતિનો સામનો કર્યો. લશ્કરી કાર્યવાહી અને રાજકીય નિર્ણયો દ્વારા ગુલામી પ્રથા નાબૂદ કરી બળવાખોર રાજ્યોને શરણાગતિ સ્વીકાર કરવા મજબૂર કર્યા હતા. ગુલામી પ્રથા નાબૂદ કરવાના નિર્ણયમાં મંત્રીમંડળના તેમના સાથીઓ અસહમત હતા પરિણામે રાજકીય વર્તુળોમાં લિંકન ભારે ટીકાપાત્ર પણ બન્યા હતા.
દક્ષિણ સંસ્થાનો સંયુક્ત રાજ્યમાંથી છૂટાં પડ્યાં અને ગુલામીના મુદ્દા પર આંતર વિગ્રહનો દાવાનળ 1861થી 1865 દરમિયાન સમગ્ર દેશમાં ફેલાઈ ગયો. આ આંતર વિગ્રહમાં અબ્રાહમ લિંકને ઊંડી કાર્યદક્ષતા અને એક રાજનેતાની હોય તેવી ઉચ્ચ પ્રકારની નેતાગીરીની ઓળખ સૌને કરાવી દીધી . આ આકરી કસોટીમાંથી તેઓ હેમખેમ પાર ઉતરી ભારતના સરદાર વલ્લભભાઈ પટેલની માફક દેશને ટુકડાઓમાં વેર વિખેર થતો બચાવીને અખંડિત રાખ્યો. આ અખંડ અમેરિકાનું સફળ મિશન એમના જીવનની મહાન સિદ્ધિ બની રહી.
અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા
રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 14 એપ્રિલ 1865ના રોજ લિંકન સપરિવાર નાટક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે જૉન વિલ્ક્સ બુથ નામના વ્યક્તિએ તેમને ગોળી મારી હતી. 15 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું. 1922માં વોશિંગટન ડી.સી.માં તેમની યાદમાં "લિંકન મેમોરિયલ"ની સ્થાપના કરવામાં આવી, જેનો ફોટો નીચે મુકેલો છે.
