- તબીબી અભ્યાસાર્થે સિંહ અખંડ સોવિયેત રશિયા ગયા હતા
- પુતિન સાથે, રશિયાના આરોગ્યમંત્રીના નેતૃત્વ નીચે બહુ મોટી ટીમ ભારત આવી છે : તેમાં સિંહ સભ્યપદે છે : તેઓ પુતિનની પાર્ટી યુનાઇટેડ રશિયન પાર્ટીના સભ્ય છે
મોસ્કો/ નવી દિલ્હી : રશિયાના પ્રમુખ વ્લાદીમિર પુતિન આજે સાંજે ભારત પહોંચ્યા છે તેઓની સાથે રશિયાના આરોગ્ય મંત્રીના નેતૃત્વ નીચે તબીબોની એક મોટી ટીમ પણ ભારત આવી પહોંચી છે. આ ટીમમાં બિહારના પટણામાં જન્મેલા ડૉ. અભયકુમાર સિંહ પણ સામેલ છે.
આ ડૉ. સિંહ તે સમયના અખંડ સોવિયેત સંઘમાં તબીબી અભ્યાસાર્થે ગયા હતા અને પશ્ચિમના રશિયા સ્થિત કુર્કસની મેડિકલ કૉલેજમાં પ્રવેશ મેળવ્યો હતો. આ માહિતી આપતા તેઓએ એક અંગ્રેજી મીડિયા આઉટલેટને જણાવ્યું હતું કે, 'પહેલા જ વર્ષે ત્યાંનો શિયાળો અસહ્ય લાગતા મેં ભારત પાછા ફરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ અમારા ડીન એલિના જેઓને હું માતા સમાન માનતો હતો તેઓએ મને સમજાવી ત્યાં રોકી રાખ્યો પછી ત્યાં જ તબીબી વ્યવસાય શરૂ કર્યો.'
આ પછી તેઓ પુતિનની પાર્ટી 'યુનાઇટેડ રશિયન પાર્ટી'ના સભ્ય બન્યા અને કુર્કસમાંથી જ બે વખત ૨૦૧૭ અને ૨૦૨૨માં તેઓ 'ડેપ્યુટી' (વિધાનસભ્ય) તરીકે પ્રાદેશિક (રાજ્ય) વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા.
તેઓ પુતિનની પ્રશંસા કરતા કહે છે કે, તેઓએ જ રશિયાને ફરી બળવાન બનાવી અમેરિકાને સમતોલ બનાવી દીધું છે.
તેઓ કહે છે કે, ભારતે રશિયા સાથે સંબંધો ગાઢ બનાવવા જ જોઈએ. ભારતનાં સંરક્ષણની દ્રષ્ટિએ તે સૌથી વધુ મહત્ત્વના છે. રશિયાએ ભારતને સૌથી વધુ અદ્યતન એવી એસ-૪૦૦ એરડીફેન્સ સીસ્ટીમ આપવા કહ્યું છે. ભારતે તે ખરીદવી જ જોઈએ તેમ જ અન્ય આધુનિક શસ્ત્રાસ્ત્રો પણ રશિયા પાસેથી ખરીદવા જોઈએ.


