- ચીનના હૂ અન્યાને નાની-મોટી 19 નોકરીઓ કરી હતી
- આઈ ડિલિવર પાર્સલ્સ ઈન બેઈજિંગ નામનું પુસ્તક બેસ્ટ સેલર બન્યું : ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલમાં બોલવાની તક મળી
બેઈજિંગ : હોંગકોંગમાં આગામી મહિને ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ યોજાવાનો છે. એમાં એક લેખકને બોલવાની તક મળવાની છે. એ લેખક હજુ હમણાં સુધી પાર્સલ ડિલિવર મેન તરીકે કામ કરતા હતા. તેમણે જે પુસ્તક લખ્યું એ એટલું પોપ્યુલર થઈ ગયું કે તેની ૨૦ લાખ કોપી વેચાઈ ગઈ છે. પુસ્તકનો અંગ્રેજીમાં અનુવાદ થયો છે અને હવે ફ્રેન્ચમાં પણ અનુવાદ થવાનો છે. એ લેખકનું નામ છે - હૂ અન્યાન.
ચીનના પાટનગર બેઈજિંગમાં હૂ અન્યાન પાર્સલ ડિલિવરીનું કામ કરતા હતા. અત્યારે તેની ઉંમર ૪૭ વર્ષની છે. ડિલિવરી મેનનું કામ કરતા પહેલાં તેમણે નાની-મોટી ૧૯ નોકરીઓ કરી હતી. ડિલિવરીના અનુભવોના આધારે તેણે એક પુસ્તક લખ્યું, જેનું નામ છે - આઈ ડિલિવર પાર્સલ્સ ઈન બેઈજિંગ. આ પુસ્તક ચીનમાં એટલું પોપ્યુલર થયું કે તેની ૨૦ લાખ કોપી વેચાઈ ગઈ. લેખકનું નામ અચાનક જાણીતું થઈ ગયું. તે એટલે સુધી કે આવતા મહિને હોંગકોંગમાં ઈન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ યોજાવાનો છે. એમાં આ લેખકને જાણીતા સાહિત્યકારોની વચ્ચે બોલવાનું આમંત્રણ મળ્યું છે.
પુસ્તક આત્મકથાના સ્વરૂપમાં છે. સાધારણ વ્યક્તિની જિંદગી કેવી હોય તેનો એમાં ચિતાર છે. એટલે જ સેંકડો લોકોને એ પુસ્તક ગમી ગયું છે. સ્કૂલ છોડયા પછી ૧૯ નોકરીઓ બદલી તેની વાત પુસ્તકમાં લખી છે. એમાં બધા જ કામ સામાન્ય કહેવાય એવા હતા. પાર્સલ ડિલિવરીના તેના અનુભવો પણ પુસ્તકમાં સમાવ્યા છે, જેને ખૂબ વખાણવામાં આવ્યા છે. તેને પાર્સલ ડિલિવરીની કંપનીએ તો નોકરીમાંથી હાંકી કાઢ્યો હતો. કારણ કે કોવિડના કારણે સૌની નોકરીઓ જોખમમાં આવી ગઈ હતી. હૂ અન્યાને માત્ર શોખ ખાતર અનુભવો લખવાનું શરૂ કર્યું હતું. એમાંથી ઘણાં અનુભવો તેણે સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. અમુક પોસ્ટ ખૂબ વાયરલ થતાં લોકોને તેને પુસ્તક લખવાનું સૂચન કર્યું હતું, પરિણામે આજે તે ચીનના બેસ્ટસેલર પુસ્તકના લેખક બની ગયા છે.


