રિઓડિજાનેરો, 27 નવેમ્બર,2025,ગુરુવાર
ઉત્ક્રાંતિવાદની એક થિએરી મુજબ માણસની ઉત્પતિ વાનરમાંથી થઇ હોવાનું માનવામાં આવે છે. વાનર અને માનવીની ંકેટલીક દૈહિક સમાનતા જોતા મેડિકલ સંશોધન પ્રયોગ પણ વાનરો પર થાય છે. વાનરોની આમ તો અનેક પ્રજાતિઓ છે પરંતુ નવાઇની વાત તો એ છે કે પિગ્મી માર્મોસેટ નામની પ્રજાતિના વાનર મુઠીમાં સમાઇ જાય તેટલા કદમાં નાના હોય છે. પિગ્મી માર્મોસેટ વાનરનું વજન માત્ર ૧૦૦ ગ્રામ જેટલું હોય છે. પિગ્મી માર્મોસેટ દક્ષિણ અમેરિકાના જંગલોમાં જોવા મળે છે. જો કે આ વાનરોની કુલ સંખ્યા કેટલી છે તે આજ સુધી જાણી શકાયું નથી. અંતરિયાળ ગાંઢ જંગલોમાં પણ રહેતા હોવાથી તેમના સુધી પહોંચવું લગભગ અશકય છે.

આ વાનરની લંબાઇ માત્ર ૧૧.૭ થી ૧૫.૨ સેમીથી વધારે હોતી નથી. દક્ષિણ અમેરિકા ખંડમાં મુખ્યત્વે પિગ્મી માર્મોસેટ બોલીવિયા, બ્રાઝીલ, કોલંબિયા, ઇકવાડોર અને પેરુના જંગલોમાં જોવા મળે છે. આ વાનરોની નાની કદ કાઠી જોતા તેને ફિંગર મંકી પણ કહેવામાં આવે છે. આંગળીઓ પર રમાડી શકાતા વાનરોની કયૂટનેસ સૌના દિલ જીતી લે તેવી હોય છે. પિગ્મી માર્મોસેટ સામાન્ય રીતે ઘાટા ભૂરા રંગના હોય છે. તેના શરીર પરના વાળ સોનેરી, સ્લેટી,નારંગી-પીળાશ પડતા અને કાળા રંગના પણ જોવા મળે છે.
આ વાનરની પુંછડીની લંબાઇ તેના શરીર કરતા પણ લાંબી હોય છે. પુંછડી ફરતેના નાના મોટા ખૂબસૂરત વલય ધ્યાન ખેંચે તેવા હોય છે. ઘૂવડની માફક પિગ્મી માર્મોસેટ પણ પોતાના માથાને ૧૮૦ ડિગ્રી ફેરવી શકે છે. તે ૧૬ ફૂટ જેટલી લાંબી ફલાંગ પણ ભરી શકે છે. વૃક્ષો પરના ફળો અને તેનો રસ ચૂસીને જીવે છે. તેઓ ખોરાક લીધા પછી પચાવવા માટે ખૂબ ઉછળકૂદ કરતા રહે છે. આ વાનર પોતાના નાના મોટા પરિવારની સાથે રહેવાનું પસંદ કરે છે. આ ગુ્રપમાં એક નર, એક માદા અને તેના બચ્ચાઓ જોવા મળે છે.

કયારેક પરિવારમાં ૨ થી ૩ મોટા વાનરો પણ પરિવારમાં સાથે રહેતા હોય છે. એક બીજાથી સંપર્ક રાખવા માટે ધ્વનિ,ગંધ અને ઇશારાનો ઉપયોગ કરે છે. માદા માટે ભાગે જોડિયા બચ્ચાઓને જન્મ આપે છે. બચ્ચા જન્મે ત્યારે તેનું વજન માત્ર ૧૪ ગ્રામ જેટલું હોય છે. આખો પરિવાર ભેગો મળીને બચ્ચાની સાળ સંભાળ રાખે છે. પિગ્મી માર્મોસેટ નાના આકારના લીધે ખૂબ સુંદર લાગતા હોવા છતાં તેને પાલતું બનાવી શકાતા નથી.
ઘરમાં ગંદકી ફેલાવે તેવા શરારતી હોય છે. આ વાનરનો રહેણાંક વિસ્તાર અમેઝોન બેસિન નદીઓના કિનારાવાળા જંગલ છે. નદીઓમાં વારંવાર પૂર આવતા હોવાથી આ વાનરોના ઘર ઉજજડ થઇ રહયા છે. આસપાસ વધતી જતી ખેતી અને ખેતી આનુસાંગિક ઉધોગના લીધે ખતરો વધી રહયો છે. નાના જીવોનું રક્ષણ કરવામાં નહી આવે તો લૂપ્ત થતા વાર લાગશે નહી.


