image : Twitter |
વોશિંગ્ટન, તા 11, ફેબ્રુઆરી, 2023, શનિવાર
અમેરિકાએ ચાઈનીઝ જાસૂસી બલૂનને તોડી પાડવાનો મામલો હજુ શાંત પણ થયો નથી ત્યાં એક અમેરિકન ફાઈટર જેટે અલાસ્કાના એરસ્પેસમાં ખૂબ ઊંચાઈએ ઉડતી એક શંકાસ્પદ વસ્તુને તોડી પાડવાનો મામલો સામે આવ્યો છે. વ્હાઇટ હાઉસે પુષ્ટિ કરી હતી કે અમેરિકાએ અલાસ્કાની ઉપર બીજી 'હાઇ એલ્ટિટ્યુડ ઓબ્જેક્ટ' ને તોડી પાડી હતી.
24 કલાકથી નજર રખાઈ રહી હતી
વ્હાઇટ હાઉસ માટે નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (NSC)ના પ્રવક્તા જ્હોન કિર્બીએ જણાવ્યું હતું કે અમેરિકાના સંરક્ષણ વિભાગે છેલ્લા 24 કલાકમાં અલાસ્કાના એરસ્પેસમાં એક ખૂબ જ ઊંચાઈએ ઊડતી વસ્તુને તોડી પાડી હતી. તેમણે કહ્યું કે સંરક્ષણ વિભાગ છેલ્લા 24 કલાકથી અલાસ્કાના એરસ્પેસ પર એક શંકાસ્પદ ઊંચાઈ પરની વસ્તુ પર નજર રાખી રહ્યું હતું. અમેરિકાના નોર્ધન કમાન્ડના નિર્દેશને પગલે ફાઇટર જેટ્સે છેલ્લા એક કલાકમાં શંકાસ્પદ વસ્તુને તોડી પાડી હતી.
ચાઈનીઝ જાસૂસી બલૂન કરતા આ વસ્તુ ઘણી નાની હતી
જ્હોન કિર્બીએ જણાવ્યું કે શંકાસ્પદ વસ્તુ 40,000 ફૂટની ઊંચાઈએ ઉડી રહી હતી અને તે નાગરિક ઉડ્ડયનની સલામતી માટે ખતરો બની ગઇ હતી. પેન્ટાગોનની ભલામણ પર, રાષ્ટ્રપતિ બાઈડેને સૈન્યને તે વસ્તુને શૂટ કરવાનો આદેશ આપ્યો. જોકે, આ વસ્તુને તોડી પડાયા બાદ તે કયા દેશની હતી તે જણાવવાનો ઈનકાર કરી દેવાયો હતો. તેમણે કહ્યું કે આ વસ્તુ અલાસ્કાના ઉત્તર ભાગમાં આર્ક્ટિક મહાસાગરમાં જઇને પડી હતી. તેમણે એટલું તો ચોક્કસ કહ્યું કે આ વસ્તુ ચીનના જાસૂસી બલૂન કરતાં કદમાં ઘણું નાનું હતું.


