ગાયોના ગળાની ઘંટડી બની લોકોની આફત, સ્વિત્ઝર્લેન્ડના ગામમાં લેવાશે લોકમત
ઘંટડીઓનો અવાજ દંપતિને ધ્વની પ્રદૂષણ લાગતો હતો.
સમર્થકો ઘંટડી બાંધવાને પરંપરા અને સંસ્કૃતિનો ભાગ માને છે
બર્ન,૧૪ ડિસેમ્બર,૨૦૨૩,ગુરુવાર
ગાયોના ગળામાં ઘંટડી વાગતી હોય તેવા દ્વષ્યો ગ્રામીણ પુષ્ઠભૂમિ ધરાવતા લોકોએ અચૂક જોયા હશે. ઘંટડીના ખણકતા ધ્વની દૂરથી આવતા ગોધણનો પુરાવો આપતા હતા. ભારતના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ આ દ્વષ્યો જોવા મળે છે. જો કે સ્વિત્ઝર્લેન્ડના આરવાંગેન ગામમાં ગાયોના ગળામાં બાંધેલી ઘંટડીઓનો અવાજ કેટલાકને શોરબકોર લાગવા માંડતા વિવાદ વકર્યો છે.
વાત એમ છે કે આરવાંગેન નામના ગામના એક દંપતિના ઘરની નજીક ૧૫ થી ૨૦ જેટલી ગાયો રોજ ચરતી હતી. ચરવા દરમિયાન માથુ હલવાથી એક સાથે થતો ઘંટડીઓનો અવાજ દંપતિને ધ્વની પ્રદૂષણ લાગતો હતો. છેવટે કંટાળીને દંપતિએ ગાયોની ઘંટડીઓના અવાજ વિરુધ મેયરને ફરિયાદ નોંધાવી. આ મુદ્વે ગામ આખું બે ભાગમાં વહેંચાઇ ગયું. કેટલાક ઘંટડી બાંધવાને પરંપરા અને સંસ્કૃતિનો ભાગ ગણતા હતા તો કેટલાક દંપતિને સમર્થન આપતા હતા.
મેયર પણ આવી અટપટ્ટી ફરિયાદને લઇને પરેશાન થઇ ગયા. સ્થળ તપાસ માટે જાત મુલાકાત લીધી. ઘંટડીના સમર્થકોએ માંગણી કરી હતી કે ગાયોને ઘંટડી પહેરાવવાનો ખેડૂતોને અબાધિત અધિકાર છે તે જળવાઇ રહેવો જોઇએ. છેવટે સ્વિત્ઝર્લેન્ડની લોકતાંત્રિક પરંપરાના ભાગરુપે લોકો પર નિર્ણય છોડવામાં આવ્યો. ગામની કુલ ૪૮૦૦ વસ્તીમાંથી મતદાન કરવાની લાયકાત ધરાવતા ૧૦ ટકા લોકો હસ્તાક્ષર કરે તો પણ લોકમત લેવામાં આવશે તેવું નકકી થયું.
છેવટે ૧૦૯૯ લોકોએ સમર્થનપત્ર પર સહી કરી, ૧૧ ડિસેમ્બરના રોજ સમગ્ર આ કેસ નગરપાલિકાને એસેમ્બલી સમક્ષ લઇ જવામાં આવ્યો. ગ્રામીણોએ કોઇ પણ ભોગ વોટિંગ કરીને નિર્ણય લેવાનો આગ્રહ રાખ્યો છે. આ અંગેનું મતદાન બંને તરફના પક્ષોને સાંભળીને જૂન ૨૦૨૪માં થશે. સ્વિત્ઝર્લેન્ડમા નાના મોટી સમસ્યા ઉકેલવા માટે લોકમતની નવાઇ નથી.