અમેરિકામાં 20 પ્રવાસીઓને લઈ જતું વિમાન તૂટી પડયું : પરંતુ તમામનો ચમત્કારિક બચાવ
- વિમાન દુર્ઘટના અમેરિકામાં લગભગ રોજીંદી બની રહી છે : ટેનેસી રાજ્યનાં ટુલ્લાહોમાના બીચક્રાફટ સંગ્રહાલય પાસે જ વિમાન તૂટી પડયું
ન્યુયોર્ક : ટેનેસી રાજ્યના ટુલ્લા હોમા શહેરના બીચ ક્રાફટ સંગ્રહાલય પાસે હાઇવે થી થોડે દૂર એક વિમાન તૂટી પડયું હતું. પરંતુ વિમાનમાં તમામ 20 યાત્રિઓનો ચમત્કારિક બચાવ થયો હતો. તેઓને ઇજાઓ જરૂર થઈ હતી પરંતુ કોઇ જાનહાની થઈ ન હતી.
આ દુર્ઘટના નજરે જોતા હાઈવે પેટ્રોલે તુર્ત જ દુર્ઘટના સ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચાડયા હતા.
આ વિમાનમાં ખરાબી જણાતા પાયલોટે તેને ઓલ્ડ શેલ્બી રોડ પર ઉતાર્યું કારણ કે બીજો ઉપાય જ ન હતો. પરંતુ તે માર્ગ જૂનો હતો, વપરાશ પણ બહુ થતો ન હતો. તેથી આંચકા ખાઈ વિમાન રોડ પર જ તૂટી પડયું. આ દુર્ઘટના ટુલ્લા હોમા શહેરના બીચ ક્રાફટ મ્યુઝિયમથી થોડે જ દૂર બની હતી. વાસ્તવમાં વિમાન શહેરનાં એરપોર્ટનાં રનવે ઉપર ઉતરવાનું હતું. તેમ કહેતાં સ્થાનિક લોકોએ જણાવ્યું કે, વિમાન એરપોર્ટ સુધી જ પહોંચી ન શકયું ત્યાં રન વે ઉપર ઉતરવાની વાત જ ન હતી. તે પેલા જૂના રોડ પર ઉતરતાં ભાંગી ગયું. પાયલોટ પણ સલામત નીકળી ગયો, પરંતુ કોકપીટને ભારે નુકસાન થયું હતું.
આ દુર્ઘટના નજરે જોનારાં એક સ્થાનિક મહિલાએ કહ્યું કે હું મારા બંગલાના કોર્ટયાર્ડ (પટાંગણ)માં મારા કૂતરા સાથે બેઠી હતી. ત્યાં વિમાન બંગલા ઉપરથી પસાર થયું તે ઘણું નીચું ઉડતું હતું. તે પેલા ભાંગ્યા તૂટયા રોડ તરફ જતું હતું ત્યાં એક ઝાડ સાથે તેની પાંખ ટકરાઈ ગઈ.
ટૂંકમાં અમેરિકામાં વિમાની દુર્ઘટનાઓ લગભગ રોજીંદી બનતી જાય છે. દર સપ્તાહે એકાદ દુર્ઘટના જાણવા મળે છે.