- ખાલિદાના પુત્રનું 17 વર્ષ પછી બાંગ્લાદેશમાં પુનરાગમન
- બાંગ્લાદેશની જનતા અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતાંત્રિક અધિકારોની પુન:સ્થાપના ઈચ્છે છે : બીએનપી નેતા રહેમાન
- હિંદુઓની હત્યાની તારિકે ટીકા કરતા બાંગ્લાદેશમાં હવે કટ્ટરવાદ ઘટવાની આશા
ઢાકા : બાંગ્લાદેશમાં ફેબુ્રઆરી ૨૦૨૬માં સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે બીએનપીના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ વડાંપ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન લગભગ બે દાયકાના નિર્વાસન પછી ગુરુવારે પોતાના દેશ પાછા ફર્યા હતા. બીએનપીના પીએમપદના સંભવિત ઉમેદવાર તારિક રહેમાને ઢાકામાં બાંગ્લાદેશના ભવિષ્ય અંગે પોતાનું વિઝન રજૂ કર્યું હતું. તેમણે દેશની બહુલતા અને વિવિધતા પ્રત્યે સહિષ્ણુતા પર પ્રકાશ પાડતા કહ્યું, આ ભૂમિ મુસ્લિમો, હિન્દુઓ, બૌદ્ધો અને ખ્રિસ્તીઓની છે.
બાંગ્લાદેશમાં લાંબા સમયસુધી શાસન કરનાર બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના પ્રમુખ ખાલિદા ઝિયાના પરિવારના ઉત્તરાધિકારી અને હાલમાં બાંગ્લાદેશમાં સૌથી શકિતશાળી પાર્ટીના કાર્યાવહક પ્રમુખ તારિક રહેમાન ૧૭ વર્ષ પછી સ્વદેશ પાછા ફર્યા છે. તેમના માતા અને બીએનપીના અધ્યક્ષા ખાલીદા ઝિયા હજી પથારીવશ છે ત્યારે પાર્ટીના કાર્યવાહ પ્રમુખ તારિક રહેમાન ગુરુવારે લંડનથી ઢાકા આવી પહોંચ્યા હતા. આ સમયે આશરે ૫૦,૦૦૦ જેટલી માનવ મેદનીએ તેઓને એરપોર્ટ પર તેમજ તેઓની મોટરહેડના માર્ગ ઉપર હર્ષનાદો સાથે ભવ્ય આવકાર આપ્યો હતો.
તારીકે ઢાકા પહોંચી બાંગ્લાદેશના લોકોને કરેલા સંબોધનમાં બધા જ વર્ગોના લોકોને રાષ્ટ્રના પુન:નિર્માણમાં ભાગ લેવા આગ્રહ કર્યો હતો. તેમણે બાંગ્લાદેશના ૧૯૭૧ના મુક્તિ સંગ્રામ, ત્યાર પછીના આંદોલન અને વર્ષ ૨૦૨૪માં શેખ હસીના સરકાર વિરુદ્ધ વ્યાપક વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, ૧૯૭૧ અને ૨૦૨૪માં શહીદ થયેલા લોકોની કલ્પના મુજબ આ દેશને વિકસિત કરવાનું છે. જનતા હવે પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા અને લોકતાંત્રિક અધિકારોની પુન:સ્થાપના ઈચ્છે છે. આ દેશ મુસ્લિમો, હિન્દુઓ, બૌદ્ધો અને ખ્રિસ્તીઓનો છે. આપણે એવું સુરક્ષિત બાંગ્લાદેશ બનાવવાનું છે જ્યાં દરેક મહિલા, પુરુષ અને બાળકો ઘરેથી નીકળીને સુરક્ષિત ઘરે પાછા ફરી શકે. તેમણે દેશમાં સ્થિરતા અને શાંતિ પર ભાર મૂક્યો હતો.
આપણે જમાત- એ- ઇસ્લામી જેવા કટ્ટરપંથી સંગઠનો ચલાવી શકીએ જ નહીં. તેમને પ્રતિબંધિત કરવા જ જોઈએ. આ સાથે તેઓને લઘુમતિઓ અને વિશેષત: હિન્દુઓ ઉપર થતા હુમલાને વખોડી કાઢયા હતા અને કહ્યું હતું કે દેશના તમામ નાગરિકોને સલામતી સુરક્ષા અને સમાન અધિકારો મળવા જ જોઈએ. વિશેષત: તો ઇંકીલાબ-મંદના નેતા ઉસ્માન હાદમીની હત્યા પછી દેશમાં જ વ્યાપક હિંસા શરૂ થઈ ગઈ અને હિન્દુ યુવકને લોન્ચીંગની બીએનપીએ આકરી ટીકા કરી છે.
તારિકનું પુનરાગમન હિંસાગ્રસ્ત બાંગ્લાદેશ માટે નિર્ણાયક મનાય છે. ફેબુ્રઆરી ૨૦૨૬માં તારિક રહેમાન બીએનપીના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. વર્તમાન પ્રવાહો જોતાં તારિકની પાર્ટી બીએનપી અત્યારે દેશમાં સત્તા માટે પ્રબળ દાવેદાર છે. વર્તમાન પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીએ આપેલી તમામ સહાયની ખાતરી દર્શાવે છે કે યુનુસની કટ્ટરપંથી સરકાર કરતાં તારિકની સરકાર વધુ ઇચ્છનીય છે. બીજી તરફ તારિકની લોકપ્રિયતા જોઈ મોહમ્મદ યુનુસ ટેન્શનમાં આવી ગયા છે. તારિક સરકાર આવશે તો મોહમ્મદ યુનુસનું વડાપ્રધાન બનવાનું સપનું રોળાઈ શકે છે.
ખાલીદા ઝીયા ગંભીર રીતે બિમાર થઈ જતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૧લી ડીસેમ્બરે તેમના સ્વાસ્થ્ય અંગે ગંભીર ચિંતા વ્યકત કરવા સાથે ભારત તરફથી તમામ સહાયની ખાતરી આપી હતી. બીએનપીના શાસન અને ખાલીદા ઝીયાના વડાપ્રધાન પદ દરમિયાન ભારત -બાંગ્લાદેશના સંબંધો ખટાશ ભર્યા રહ્યા હતા.


