World

ભારત-જાપાન મૈત્રીમાં સોનેરી પૃષ્ટ આગામી 10 વર્ષ માટેનો રોડ મેપ તૈયાર : ઇન્ડો પેસિફિકમાં સ્થિરતા માટે બંને પ્રતિબદ્ધ

By GS TEAM
29 Aug 20252 mins read
ભારત-જાપાન મૈત્રીમાં સોનેરી પૃષ્ટ આગામી 10 વર્ષ માટેનો રોડ મેપ તૈયાર : ઇન્ડો પેસિફિકમાં સ્થિરતા માટે બંને પ્રતિબદ્ધ

- ચંદ્રયાન-5 માટે ભારત-જાપાન સહકારથી પ્રયત્ન કરશે

- જાપાન ભારતમાં નિવેશ માટેનું પાંચમું સ્ત્રોત છે, ડીસેમ્બર 2024 સુધીમાં જાપાને ભારતમાં 43.2 અબજ ડોલરનું મૂડી રોકાણ કર્યું છે

ટોક્યો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની બે દિવસની યાત્રાએ છે, તેઓએ જાપાનના વડાપ્રધાન શિગેરૂ ઇશિબા સાથે મંત્રણા કરી તે પછી તેઓએ કહ્યું : ભારત-જાપાન મૈત્રી માત્ર બે દેશો માટે જ નહીં પરંતુ વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે પણ અનિવાર્ય છે. તેઓએ વધુમાં કહ્યું કે મેં ભારત-જાપાન મૈત્રી માટે સોનાનો પાયો મુક્યો છે. આગામી ૧૦ વર્ષનો રોડ મેપ પણ તૈયાર છે. તેમાં ૯ વિઝન છે. ઇન્વેસ્ટમેન્ટ ઇનોવેશન, ઇકોનોમિક સિક્યોરિટી, પર્યાવરણ, ટેકનોલોજી, મોબિલિટી, પીપ-ટુ-પીપલ કોન્ટેક્ટ એન્ડ એક્ષચેન્જ તથા ટ્રેડ પાર્ટનરશિપ આગામી ૧૦ વર્ષમા જાપાન ભારતમાં ૧૦ ટ્રિલિયન યેનનું રોકાણ કરવાનું છે.

આ ઉપરાંત ભારતનાં ચંદ્રયાન-૫ માટે બંને દેશોએ સહકારથી કામ કરવા નિર્ણય કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે અમે તે વાતમાં સહમત છીએ કે અમારી ભાગીદારી ઇન્ડો પેસિફિક વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવવા માટે મહત્ત્વની છે. દુનિયાની બે મોટી અર્થવ્યવસ્થાઓ અને જીવંત લોકતંત્ર તરીકે અમારી ભાગીદારી માત્ર બંને દેશો માટે જ નહીં વિશ્વ શાંતિ માટે પણ મહત્ત્વની છે.

ઉલ્લેખનીય છે કે જાપાન ભારતમાં નિવેશ માટેનું પાંચમું સ્રોત છે. જાપાને ડીસેમ્બર ૨૦૨૪ સુધીમાં ભારતમાં ૪૩.૨ અબજ ડોલરનું મૂડી રોકાણ કર્યું છે.

નરેન્દ્ર મોદી ગઇકાલે ટોક્યો પહોંચ્યા ત્યારે વિમાનગૃહે તેઓનું ગાર્ડ ઓફ ઓનર સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. જાપાનની બે દિવસની મુલાકાત પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની બેઠકમાં ભાગ લેવા ચાયના પહોંચ્યા.

ઉલ્લેખનીય છે કે જાપાનની મુલાકાત પછી નરેન્દ્ર મોદી સહજ રીતે સબળ બની ગયા છે. ચીન પ્રમુખ શી-જિનપિંગ સાથેની મંત્રણામાં મોદી જરા પણ મચક નહીં આપે તે નિશ્ચિત છે. ટ્રમ્પને પણ તેમણે મચક આપી ન હતી. ટ્રમ્પે ચાર ચાર વખત ફોન કર્યા પરંતુ ઉપાડયા જ ન હતા. તે યાદ રહે. શી જિનપિંગ રાજકારણના નવા નિશાળિયા નથી. તેઓ પણ મોદી સાથેની મંત્રણામાં સાવચેત રહેશે તે નક્કી છે, તેઓ સમજતા હશે કે અહીં ડરાવવાની નીતિ નહી ચાલે.