એક બાળકી જે વિકલાંગ છે, છતાં તે સર્ફિંગ કરે છે
સ્કોટલેન્ડની 10 વર્ષની જેડ હાથ અને પગ વિના સર્ફ કરે છે: પિતા કહે છે કે તે સર્ફિંગ કરતી વખતે મુક્ત અને જીવંત અનુભવે છે.
એડિનબર્ગ,તા.24 નવેમ્બર-2022, ગુરુવાર
સ્કોટલેન્ડના એબરડીનશાયરની 10 વર્ષીય જેડ એડવર્ડને બે વર્ષની ઉંમરે મેનિન્ગોકોકલ સેપ્ટિસેમિયા હોવાનું નિદાન થયું હતું. આ પછી તેના હાથ અને પગ કાપવા પડ્યા હતાં. હવે તે અમેરિકાના કેલિફોર્નિયામાં યોજાનારી વર્લ્ડ પેરા સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા માટે તૈયાર છે. તે ટૂંક સમયમાં ડિસેમ્બરમાં યોજાનારી યુએસ સર્ફિંગ સ્પર્ધામાં ભાગ લેનારી સૌથી નાની વયની એથ્લિટ બની જશે. જેડ 3 થી 12 ડિસેમ્બર દરમિયાન કેલિફોર્નિયામાં વર્લ્ડ પેરા સર્ફિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે.
47 વર્ષીય ફ્રેઝર એડવર્ડે જણાવ્યું કે જ્યારે ડોક્ટરોએ કહ્યું હતું કે જેડના હાથ અને પગ કાપવા પડશે ત્યારે તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અમે ડરી ગયા હતા, અમને કંઈ સમજાયું નહીં. પરંતુ અમને સંતોષ હતો કે તે જીવતી હશે. બેડ રેસ્ટ પછી 6 મહિના સુધી વ્હીલચેરમાં રહેવા છતાં , જેડે હાર ન માની. તેણે સર્ફ કરવાનું શીખી લીધું. વ્યાવસાયિકોની મદદથી, તેણીએ સર્ફિંગ બોર્ડ પર ઊંધું સુવાનું અને તેના પેટ પર સંતુલન રાખવાનું શીખ્યું. રોજબરોજના કામ માટે તે ઇલેક્ટ્રિક ખુરશીનો ઉપયોગ કરે છે. કેટલીકવાર તે સ્કેટબોર્ડ પર શાળાએ જાય છે.
જેડના પિતા ફ્રેઝર કહે છે કે સર્ફિંગ તેને મુક્તિનો અહેસાસ કરાવે છે. સર્ફિંગ કરતી વખતે તે જીવંત અને ખુશ અનુભવે છે. જેડને પહેલીવાર સર્ફ કરતા જોઇ ત્યારે તે ચોંકી ગયા હતાં. તેમના માટે તે જાદુથી ઓછું ન હતું. જેડ હંમેશા કંઈક નવું શીખવા માંગે છે. તે પોતાને વિકલાંગ નથી માનતી.
જેડ કહે છે મને સર્ફિંગની મજા આવે છે. મને પાણીમાં રહેવું ગમે છે. પાણી મારા માટે ખુશી લાવે છે. ભાવિ ચેમ્પિયનશિપ એ મારી જાતને સાબિત કરવાની તક છે.