યુએઇમાં પાસપોર્ટ ધરાવતા બાજ પક્ષી વિમાનમાં મુસાફરી કરે છે !
- માણસની જેમ પક્ષીનો પણ વિદેશ પ્રવાસ
- વિમાનમાં માણસની માફક જ બાજ પોતાની સીટમાં બેસે છે મોરક્કો, ઉઝબેકિસ્તાન, ઇરાક અને સાઉદીનો પ્રવાસ કર્યો
દુબઇ : એક દેશથી બીજા દેશનો પ્રવાસ માટે પાસપોર્ટની જરુર પડે છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે માણસ જ નહી બાજ પક્ષી પણ પાસપોર્ટ સાથે વિમાનમાં મુસાફરી કરે છે. યુએઇમાં બાજને પાસપોર્ટ સાથે કાયદેસર વિમાનમાં બેઠેલું જોવુંએ અકલ્પનીય લાગે તેવી હકિકત છે. તાજેતરમાં અમાર અલ મર્રી નામના બાજપાલકે પોતાના બાજ સાથે વિમાનમાં બેસીને ઉઝબેકિસ્તાન, ઇરાક અને સાઉદી અરબનો પ્રવાસ કર્યો છે. ૩૫ વર્ષના અલ મરીએ આ પ્રવાસ અંગે ઇન્સ્ટાગ્રામ પર માહિતી શેર કરતા આશ્ચર્ય સર્જાયું છે.અમાર અલ મર્રી એક શુધ્ધ ગિર બાજ અને એક ગિર પેરેગ્રીન અને બે સહિત કુલ ચાર પક્ષીઓનું પાલન પોષણ કરે છે. બાજની રોજીંદી કાળજી માટે પોતાના બીજા શોખ પર ખર્ચ કરવાનું ટાળે છે. દર મહિને એક બાજ ઉછેરવાનો ખર્ચ ૧૦૦૦ દિરહમ (૨૩૦૦૦ રુપિયા) જેટલો થાય છે. ઉડતા બાજો પર જીપીએસ ટ્રેકિંગ ઉપકરણથી નજર રાખવાનો વર્ષે ખર્ચ ૭૦૦૦ દિરહમ એટલે કે ૧.૬૩ લાખ જેટલો થાય છે. બાજને હ્વદય સંબંધી ફિટનેસ અને પાંખોની મજબૂતી માટે કસરત કરાવવામાં આવે છે.
બાજનું શિકારનો પ્રાકૃતિક રીતે પીછો કરવાનું કૌશલ્ય જળવાઇ રહે તે માટે નાના વિમાનનો ઉપયોગ કરવામાં આવે છે. શિકાર કરવા માટે પ્રવાસી પક્ષીઓ અને કબૂતરોને ટાર્ગેટ કરવાની પરંપરાગત શિકાર વિધી શીખવવામાં આવે છે.
બાજ સાથે વિદેશ પ્રવાસ કરવાનો થતો હોય તો પાસપોર્ટ કઢાવવો જરૂરી
વિદેશ પ્રવાસ કરવાનો થતો હોય તો પક્ષી પાસપોર્ટ કઢાવવો જરુરી બને છે. ૨૦૧૫થી બાજ પક્ષી માટે પાસપોર્ટ ધરાવે છે આથી તેને ટ્રેક કરી શકાય છે અને તસ્કરી પણ રોકી શકાય છે. બાજનું આયુષ્ય ૨૦ થી ૨૫ વર્ષનું હોય છે.