China News: ચીનના ગ્વાંગડોંગ પ્રાંતમાં આવેલા ઝોંગશાન શહેરની કાચની ફેક્ટરીમાં કામ કરતો એક 48 વર્ષનો કારીગર તેના ફૂંલાયેલા ગાલના કારણે ભારે ચર્ચામાં છે. ચીનમાં તેના વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. તેના સહયોગીઓ તેને મોટાં મોંવાળો ભાઈ એવું કહીને બોલાવે છે. કારણ કે તે ફૂંક મારે છે ત્યારે ગાલ અસામાન્ય રીતે મોટાં થઈ જાય છે.
ચીનમાં 1000 વર્ષથી કાચના સાધનોની કારીગરી જાણીતી છે. કાચના વાસણો હવે તો મશીનથી બને છે, પરંતુ હજુય કેટલીય ફેક્ટરીઓ એવી છે જેમાં પરંપરાગત રીતે જ પાઈપમાં ફૂંક મારીને વાસણોને ગરમ કરીને બનાવવામાં આવે છે. આ પદ્ધતિ પરંપરાગત હોવાથી એવા વાસણોની ડિમાન્ડ પણ રહે છે. પરિણામે એમાં મશીનને બદલે કારીગરો જ મોં વાટે ફૂંક મારે છે. એવા સેંકડો કારીગરોમાંથી એક કારીગર છે ઝાંગ.
ઝોંગશાન શહેરની કાચની ફેક્ટરીમાં છેલ્લાં 30 વર્ષથી કાર્યરત ઝાંગનું કામ ઓગળતા કાચની ભઠ્ઠીમાં જોડાયેલા પાઈપમાં ફૂંક મારવાનું છે. તે પાઈપમાં ફૂંક મારીને કાચને ફેલાવે છે. ખૂબ સાવધાનીથી ગરમ થયેલા કાચને પાઈપના માધ્યમથી ઉપાડીને ફૂંક મારીને ફેલાવે છે. આ કામ સતત કરવાથી તેના ગાલ ફૂંક મારવાના કારણે અસામાન્ય મોટા થઈ ગયા છે. પરિણામે હવે તેના ગાલ દેડકાં જેવા ફૂલાયેલા દેખાય છે. એ હજુય ફૂંક મારે છે ત્યારે તેના બંને ગાલ ફુગ્ગાની જેમ ફુલાઈ જાય છે. આવું થવા પાછળનું કારણ એ છે કે એકધારી 30 વર્ષ સુધી પાઈપમાં ફૂંકો મારવાના કારણે તેના ચહેરામાં ગાલના સ્નાયુઓ તૂટી ગયા છે. એ જ્યારે ફૂંક મારે છે ત્યારે મોં ખૂબ મોટું થઈ જાય છે. સામાન્ય રીતે આપણે ફૂંક મારીએ ત્યારે સ્નાયુઓ તેને એક હદથી વધારે મોટા થતા રોકે છે, પરંતુ ઝાંગના કિસ્સામાં સ્નાયુઓનો રોલ રહ્યો ન હોવાથી એનો ચહેરો દેડકા જેવા થઈ જાય છે. આ કારીગર ચીનમાં ફ્રોંગ પ્રિન્સના નામથી વાયરલ થયો છે.


