તાલિબાનના વિજયમાં પાક.ની ભૂમિકા તપાસવા અમેરિકન સંસદમાં બીલ રજૂ
- ઉતાવળે સૈન્ય પાછું બોલાવવા અંગે પણ બાઈડેન સરકાર પાસે જવાબ મગાયો
- વર્ષ 2001 થી લઈને 2020 સુધી તાલિબાનોને ટેકો આપનારા પાક. અને તાલિબાનો પર પ્રતિબંધ મૂકવાની રિપબ્લિકનની માગ
- અમને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે, આતંક વિરુદ્ધ યુદ્ધમાં સાથ આપવાની કિંમત ચૂકવી રહ્યા છીએ : પાક.ની કાગારોળ
વોશિંગ્ટન : અફઘાનિસ્તાનમાં એક પખવાડિયા જેટલા ટૂંકા સમયમાં તાલિબાનોએ અબ્દુલ ગની સરકારને ફગાવીને કરેલા વિજયમાં પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરાવવા માટે અમેરિકાના રિપબ્લિકન સેનેટરોએ માગણી કરી છે. આ માટે તેમણે અમેરિકન સંસદના ઉપલા ગૃહ સેનેટમાં એક બીલ રજૂ કર્યું હતું. આ બીલમાં બાઈડન સરકારને અફઘાનિસ્તાનમાં તાલિબાનોના ત્વરિત વિજયની ગંભીરતાપૂર્વક તપાસ કરવા અને અશરફ ગની સરકારને હટાવવામાં મદદ કરનારા લોકો પર પ્રતિબંધ મૂકવાની માગણી કરાઈ છે.
પાકિસ્તાનના જિયો ટીવીના રિપોર્ટ મુજબ અમેરિકન રિપબ્લિકન સેનેટરોએ રજૂ કરેલા બિલમાં છેક વર્ષ ૨૦૦૧થી લઈને ૨૦૨૦ દરમિયાન તાલિબાનોને ટેકો આપનારા પાકિસ્તાન સહિત સરકાર સમર્થિત અને અન્ય તત્વોના મૂલ્યાંકનની માગણી કરાઈ છે. આ બીલમાં તાલિબાનોને સલામત આશ્રય, નાણાં, ગુપ્ત સમર્થન, તાલિમ, સૈન્ય શસ્ત્ર સરંજામ અને વ્યૂહાત્મક દિશા-નિર્દેશ પૂરા પાડવાના દૃષ્ટિકોણની તપાસ થવી જોઈએ.
વધુમાં આ બીલમાં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈન્યને ઉતાવળે પાછું બોલાવવાના નિર્ણય અંગે બાઈડેન સરકાર પાસેથી જવાબ માગવામાં આવ્યો છે. બીલમાં એવી પણ માગણી કરાઈ છે કે અફઘાનિસ્તાન તાલિબાનોના નિયંત્રણમાં આવ્યું તે પહેલાં અને તે પછી પાકિસ્તાનની ભૂમિકાની સ્વતંત્ર તપાસ થવી જોઈએ. ઑગસ્ટના મધ્યમાં કાબુલ પર નિયંત્રણ કરવામાં તાલિબાનોને કોણે મદદ કરી હતી અને પંજશીર ઘાટીમાં તાલિબાનના હુમલા અંગે પણ પાકિસ્તાનની ભૂમિકાની તપાસ કરાવવાની માગણી કરાઈ છે.
દરમિયાન અમેરિકાના વિપક્ષ રિપબ્લિકન પાર્ટીના ૨૨ સેનેટરો તરફથી રજૂ કરાયેલા બીલમાં એક ટાસ્ક ફોર્સ બનાવવાની પણ માગણી કરાઈ છે, જે અફઘાનિસ્તાનમાં ફસાયેલા અમેરિકન નાગરિકો અને વિશેષ વિઝા ધરાવતા લોકોને બહાર કાઢવા પર ધ્યાન આપી શકે. રિપોર્ટમાં કહેવાયું છે કે 'અફઘાનિસ્તાન કાઉન્ટર ટેરરિઝમ, ઓવરસાઈટ એન્ડ એકાઉન્ટેબિલિટી એક્ટ' એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરવા માગે છે, જે અમેરિકન નાગરિકો, કાયદાકીય સ્થાયી નિવાસીઓ અને અફઘાનિસ્તાનથી વિશેષ ઈમિગ્રન્ટ વિઝા ધારકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવા પર કેન્દ્રીત હશે.
દરમિયાન અમેરિકન સેનેટમાં રજૂ થયેલા આ બિલથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. આ બીલની અસર સીધા જ પાકિસ્તાનને થઈ રહી છે, કારણ કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોની પીછેહઠ પછી તાલિબાન શાસનમાં પાકિસ્તાનની સક્રિયતા વધી ગઈ છે. આ બીલથી પાકિસ્તાન આકુળ-વ્યાકુળ થઈ ગયું છે અને તેણે આ બીલ સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. અમેરિકન સેનેટમાં રજૂ થયેલા આ બિલના વિરોધમાં પાકિસ્તાનને કહ્યું હતું કે તેને બલીનો બકરો બનાવાઈ રહ્યો છે.
પાકિસ્તાને અમેરિકન સેનેટમાં રજૂ થયેલા બીલ પર વાંધો ઊઠાવ્યો છે.
અફઘાનિસ્તાનમાં ડ્રોન ઊડાવવા બદલ અમેરિકા પરિણામ ભોગવવા તૈયાર રહે
અમેરિકાને અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં ડ્રોન ચલાવવા બદલ પરિણામ ભોગવવા તૈયાર રહેવાની તાલિબાને ચેતવણી આપી છે.અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી સૈનિકોને પાછા ખેંચતી વખતે જણાવ્યું હતું કે, તે આતંકવાદ વિરુદ્ધની લડાઈ ચાલુ રાખશે અને જરૂર પડે અફઘાનિસ્તાનમાં આતંકીઓ પર ડ્રોન હુમલા કરતાં ખચકાશે નહીં. જોકે, હવે તાલિબાને અમેરિકાને અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાંથી ડ્રોનનું સંચાલન બંધ કરવા ધમકીભર્યા સૂરમાં એમ પણ કહ્યું છે કે તેણે કોઈ નકારાત્મક પરિણામોથી બચવું હોય તો અફઘાનિસ્તાનમાં ડ્રોનના ઉડ્ડયનો બંધ કરવા જ પડશે. જોકે, અમેરિકાએ તાજેતરમાં કરેલા ડ્રોન હુમલામાં ભૂલથી નિર્દોષ લોકો માર્યા ગયા હોવાથી તાલિબાનોએ અમેરિકાને આ ચેતવણી આપી હોવાનું મનાય છે.
તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે અમેરિકાના પગલાંને રાષ્ટ્રીય સુરક્ષાનો ભંગ ગણાવતા જણાવ્યું કે બધા જ દેશોને કહ્યું કે તેઓ પરસ્પરની જવાબદારીઓ મુજબ કામ કરે. અન્યથા પરિણામ ભોગવવા તૈયાર રહે. અફઘાનિસ્તાનના ઈસ્લામીક અમિરાત (આઈઈએ) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે, બધા જ દેશ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ પોતાના દેશની પ્રાદેશિક અને હવાઈ સંપ્રભુતાના એકમાત્ર માલિક છે. તેથી ઈસ્લામિક અમિરાત, અફઘાનિસ્તાનના એકમાત્ર કાયદાકીય એકમના રૂપમાં અફઘાનિસ્તાની ભૂમી અને હવાઈ ક્ષેત્રની સંરક્ષક છે.
નિવેદનમાં કહેવાયું છે કે અમે તાજેતરમાં જ અમેરિકાને દોહા, કતારમાં ઈસ્લામિક અમિરાત માટે બધા જ આંતરરાષ્ટ્રીય અધિકારો, કાયદા અને અમેરિકાની કટિબદ્ધતાઓનો ભંગ કરતા જોયા છે. અમેરિકા ડ્રોનથી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં હુમલા કરી રહ્યું છે. આ ભંગની સ્થિતિ અટકવી જોઈએ.
અફઘાનિસ્તાન સાથે કોમર્શિયલ ફ્લાઈટ શરૂ કરવા તાલિબાનની ભારતને વિનંતી
તાલિબાનોના નિયંત્રણ હેઠળ અફઘાનિસ્તાન નાગરિક ઉડ્ડયન ઓથોરિટી ભારતને બંને દેશો વચ્ચે કોમર્શિયલ ફ્લાઈટ્સ ફરીથી શરૂ કરવા માટે પત્ર લખ્યો છે. જોકે, સૂત્રોના જણાવ્યા મુજબ ભારતે તાલિબાનોની આ વિનંતી ફગાવી દીધી છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે છેલ્લી કોમર્શિયલ ફ્લાઈટ ૧૫મી ઑગસ્ટે ઉડી હતી. તાલિબાનોએ કાબુલ કબજે કર્યું તે દિવસે એર ઈન્ડિયાની ફ્લાઈટ કાબુલથી દિલ્હી આવી હતી. ત્યાર પછી ૧૬મી ઑગસ્ટે અફઘાનિસ્તાનની નાગરિક ઉડ્ડયન ઓથોરિટી (સીએએ)એ અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રને અનિયંત્રિત જાહેર કર્યું હતું.
ભારતના ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવીએશન (ડીજીસીએ)ને લખેલા પત્રમાં સીએએના કાર્યકારી મંત્રી અલહજ હમીદ્દુલ્લાહ અખુંદજાદાએ લખ્યું છે કે તમે જાણો છો કે તાજેતરમાં કાબુલ એરપોર્ટને અમેરિકન દળોએ વિદાય પહેલાં ઘણું નુકસાન પહોંચાડયું હતું. કતારની ટેકનિકલ સહાયથી એરપોર્ટ ફરી એક વખત કાર્યાન્વિત થઈ ગયું છે.