World

ઈરાન અને આરબ દેશોને ભારે ફટકો : અમેરિકાએ 30 દિવસ સુધી રશિયાને ભારતને ક્રૂડ ઓઈલ વેચવાની છૂટ આપી

By GS TEAM
6 Mar 20262 mins read
ઈરાન અને આરબ દેશોને ભારે ફટકો : અમેરિકાએ 30 દિવસ સુધી રશિયાને ભારતને ક્રૂડ ઓઈલ વેચવાની છૂટ આપી

- ભારત રશિયન તેલ ખરીદી જ રહ્યું છે : ડો. રજ્જુ

- રશિયાનાં ઓઈલ ટેન્કર્સ અત્યારે ભારતીય જળ સીમામાં જ છે તેમાં 95 લાખ બેરલ ક્રૂડ છે : રશિયા ડીસ્કાઉન્ટથી તે વેચવા તૈયાર છે

નવી દિલ્હી : ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ઈરાન તેમજ આરબ દેશોને ભારે ફટકો પડે તેમ છે. રશિયાને ભારે ફાયદો થઈ રહ્યો છે. ઈરાન પરના હુમલાને લીધે સ્ટ્રેટ ઓફ હોર્મઝના રસ્તે થતો ઓઈલ સપ્લાય બંધ થઈ ગયો છે. ઈરાન પણ હુમલાને લીધે આરબ દેશો પણ તેલ આપી રહ્યા નથી. ભારત તેલ સંકટમાં પડી ગયું છે તેથી પ્રમુખ ટ્રમ્પે રશિયાને પરમીશન આપી દીધી છે કે તે આગામી ૩૦ દિવસ સુધી ભારતને તેલ વેચી શકશે. ભારત તે તેલ ખરીદવા તૈયાર છે.

અન્ય વાત તે પણ છે કે અત્યારે રશિયાનાં ઓઈલ ટેન્કર્સ મધદરિયામાં ફસાઈ રહ્યાં છે. પરંતુ તે ભારતની જળસીમાની નજીક જ છે. તેમાં ૯૫ લાખ બેરલ ક્રૂડતેલ છે. રશિયાને તે વેચવું જ છે. ભારત મિત્ર દેશ હોવાથી રશિયા ભારતને ડીસ્કાઉન્ટથી ક્રૂડ વેચવા તૈયાર છે. ભારત ઓછી કિંમતનું તે તેલ ખરીદવા સહજ રીતે જ તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૨૫ સુધી ભારત રશિયન તેલનું ત્રીજા ક્રમનું સૌથી વધુ તેલ ખરીદનાર રાષ્ટ્ર હતું પરંતુ અમેરિકાને લીધે તે વ્યાપાર અટકી ગયો હતો. અમેરિકાએ યુક્રેનને લીધે રશિયા પાસેથી તેલ નહીં ખરીદવા દબાણ કર્યું હતું પરંતુ ભારતે તે ન ગણકારતાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખ્યું તેથી ભારત ઉપર વધારાનો ૨૫ ટકા ટેરિફ લગાડી કુલ ટેરિફ ૫૦ ટકા કર્યો હતો. જાન્યુઆરી-ફેબુ્રઆરી ૨૦૨૬માં અમેરિકાએ ભારત સાથે ૫૦૦ મિલિયન ડોલરની ટ્રેડ-ડીલ તે શર્તે કરી હતી કે તે રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે પરંતુ મધ્ય-પૂર્વની પરિસ્થિતિને અનુલક્ષીને અમેરિકાએ આગામી ૩૦ દિવસ સુધી રશિયા પાસેથી તેલ ખરીદવા સંમતિ આપવાથી ભારતને ઘણી રાહત થશે. ઉલ્લેખનીય તે છે કે અત્યારે જ રશિયન ઓઈલ ટેન્કર્સ ભારતની જળસીમામાં છે કે તેની નજીક છે. તે ક્રૂડ ભારત ખરીદવા માગે છે, અને જૂના મિત્રના દાવે તે ભારતને ડીસ્કાઉન્ટથી તેલ વેચવાનું છે. પ્રશ્ન તે છે કે ભારતને અમેરિકાની પરવાનગીની જરૂર જ શા માટે પડી ? તો ઉત્તર તે છે કે ડો. રજ્જુ કહે છે કે તેલ પરવાનગીની કોઈ વાત જ નથી. વાસ્તવમાં રશિયન તેલ ભારત ખરીદી જ રહ્યું છે માટે ટ્રમ્પનું તે કથન અર્થહીન છે.