ઇટલીમાં પિતા-પુત્ર પર હુમલો કરનાર રીંછને મોતની સજાનો હુકમ
- પ્રાણી- પ્રેમીઓએ અબોલ જીવને બચાવવા માટે પિટિશન કરી
નવીદિલ્હી,તા. 1 જુલાઈ 2020, બુધવાર
ઇટલીમાં રાહદારી પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કરી એમને ઇજાગ્રસ્ત કરનાર એક રીંછને મોતની સજા ફટકારાઇ છે. પશુ-પ્રેમીઓએ રીંછને બચાવવા માટે પિટિશન દાખલ કરી છે.
ફેબિઓ મિસ્સરોનિ (૫૯) નામના એક નાગરિક એમના પુત્ર ક્રિશ્ચિયન સાથે માઉન્ટ પોલરના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં અચાનક આવી ચઢેલા એક રીંછે પિતા-પુત્ર પર જીવલેણ હુમલો કર્યો.
રીંછે પુત્ર ક્રિશ્ચિયનનો પગ પકડી લીધો. એને રીંછથી બચાવવાના પ્રયાસમાં પિતા ફેબિઓ રીંછની પીઠ પર કૂદયા આથી રીંછે ક્રિશ્ચિયનનો પગ છોડી દીધો અને એ બચી ગયો પરંતુ પિતાજી ફેબિઓના પગે ત્રણ જગ્યાએ ફેક્ચર થયું. લાંબી લડત પછી પિતા-પુત્ર બંને રીંછના પંજામાંથી છૂટી ગયા.
જોકે બનાવસ્થળ ટ્રેટિનોના ગવર્નર મૌરિજિયો ફુંગંત્તીએ ઘટના વિષે જાણ્યા પછી પિતા-પુત્ર પર ભારે હુમલો કરનાર રીંછને મૃત્યુ દંડની સજા ફટકારી છે. અને આ વિષેના આદેશ પર હસ્તાક્ષર કરી દીધા છે.
બીજી બાજુ, પ્રાણી- પ્રેમીઓએ રીંછને બચાવવા માટે પિટિશન દાખલ કરી છે. સ્થાનિક લોકો સરકારના આ ફરમાનની આકરી ટીકા કરી રહ્યા છે. તેઓ કહે છે કે રીંછે પોતાના બચ્ચાંને બચાવવા માટે પણ પિતા-પુત્ર પર હુમલો કર્યો હોઇ શકે સરકારે પોતાના નિર્ણય વિષે ફરીથી વિચારવું જોઇએ.