World

Nepal Tragedy: હૃદયદ્રાવક ઘટના! એક જ રૂમમાંથી 21 મૃતદેહ મળ્યા, માતાના ખોળામાં વળગેલી હતી માસૂમ બાળકી

By GS Team
1 Sep 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભયાનક પૂરથી 962 મૃત્યુ અને 4000થી વધુ લાપતા છે. નુવાકોટના બેત્રાવતી ગામમાં ભોટેકોશી નદીના પૂરમાં દબાયેલા 3 માળના મકાનમાંથી 23 મૃતદેહ મળ્યા. આ ગોસાઈંકુંડ જતા યાત્રાળુઓ હોવાનું મનાય છે. રસુવા જિલ્લામાંથી 350 વિદ્યાર્થીઓ ગુમ છે. ભારતીય રેસ્ક્યૂ ટીમ પણ બચાવ કાર્યમાં જોડાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Tragedy: હૃદયદ્રાવક ઘટના! એક જ રૂમમાંથી 21 મૃતદેહ મળ્યા, માતાના ખોળામાં વળગેલી હતી માસૂમ બાળકી
IMAGE - IANS

Nepal Floods: નેપાળમાં અચાનક આવેલી ભયાનક પૂરની હોનારતે ભારે તબાહી મચાવી દીધી છે. કુદરતી આપત્તિમાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 962 પર પહોંચી ગયો છે, જ્યારે 4000થી વધુ લોકો હજુ પણ લાપતા છે. આ દરમિયાન પૂરથી સૌથી વધુ પ્રભાવિત નુવાકોટ જિલ્લાના વિદુર નગરપાલિકા હેઠળ આવતા બેત્રાવતી ગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ભોટેકોશી નદીના પૂર અને કાદવના કાટમાળમાં દબાઈ ગયેલા એક ત્રણ માળના મકાનમાંથી એકસાથે 23 મૃતદેહો મળી આવતાં ચકચાર મચી ગઈ છે. આ તમામ મૃતદેહો ગોસાઈંકુંડ જઈ રહેલા યાત્રાળુઓના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

જીવ બચાવવા ઉપરના માળે ગયા પણ પૂરનો ભોગ બન્યા

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, 26 ઓગસ્ટે ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં આવેલા ભયાનક પૂરે આ મકાનને પોતાની ઝપેટમાં લઈ લીધું હતું. પૂરનું પાણી સતત વધતાં લોકો જીવ બચાવવા માટે મકાનના સૌથી ઉપરના માળે ભાગી ગયા હતા, પરંતુ આખું મકાન કાદવ-કાટમાળમાં દબાઈ ગયું હતું. મકાનના એક જ રૂમમાંથી 21 અને બહારથી 2 મૃતદેહ મળ્યા છે, જેમાં એક મહિલા પોતાના નાના બાળકને છાતીએ વળગાડેલી હાલતમાં મળી આવી હતી. મૃતદેહો સાથે મળેલા સામાન અને બેગ પરથી તેઓ શ્રદ્ધાળુઓ હોવાનું માનવામાં આવે છે. મળેલા મૃતદેહમાંથી એક વિદેશી નાગરિક જેવો પણ દેખાઈ રહ્યો છે.

350 વિદ્યાર્થીઓ ગુમ અને હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં રેસ્ક્યૂ ઠપ

સ્થિતિ વધુ વણસતાં રસુવા જિલ્લાના ઉત્તરગયા ગામમાંથી આશરે 350 જેટલા વિદ્યાર્થીઓ ગુમ હોવાના અહેવાલ છે, જેમની શોધખોળ હજુ પણ ચાલી રહી છે. આ સિવાય ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટ પર કામ કરી રહેલા 40-42 એન્જિનિયરો અને ત્રિશૂલી 3B પ્રોજેક્ટના 118 કર્મચારીઓ સાથે સંપર્ક તૂટી જતાં તેમની શોધખોળ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખરાબ હવામાનના કારણે પ્રોજેક્ટ સાઇટ પર રેસ્ક્યૂ કામગીરીમાં ભારે વિલંબ થઈ રહ્યો છે.

ભારતીય રેસ્ક્યૂ ટીમની બચાવ કામગીરી ઝડપી

આ મુશ્કેલ સમયમાં નેપાળી સેનાની સાથે ભારતીય રેસ્ક્યૂ ટીમે પણ રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવ્યું છે. ભારતીય નિષ્ણાતોની ટીમે ખરાબ હવામાન અને મુશ્કેલ ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે રસુવા જિલ્લાના ચિલીમે અને લાંગટાંગ વિસ્તારમાં આવેલી ટનલોમાં ફસાયેલા કર્મચારીઓને બહાર કાઢવાના અભિયાનમાં પ્રારંભિક સફળતા મેળવી છે.