Get The App

એઆઈના 95 ટકા પાયલટ પ્રોજેક્ટ્સનું સુરસુરિયું : એમઆઈટીનો દાવો

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
એઆઈના 95 ટકા પાયલટ પ્રોજેક્ટ્સનું સુરસુરિયું : એમઆઈટીનો દાવો 1 - image


- એઆઈનો ફુગ્ગો ટૂંક સમયમા ફૂટી જાય તો નવાઈ નહીં

- એઆઈ ટૂલ્સ માત્ર 30 ટકા ઓફિસ ટાસ્ક જ પૂરા કરવા સક્ષમ, કંપનીઓએ શરૂઆતમાં ઈન્વેસ્ટ કર્યા બાદ પ્રોજેક્ટ્સ અધૂરાં છોડયા

વૉશિંગ્ટન : એઆઈ ચેટબોટનો યુગ ચેટજીપીટીથી ૨૦૨૨ના અંતે શરૂ થયો. તે વખતે તો દુનિયાભરમાં એઆઈ માણસને રિપ્લેસ કરી દેશે એવી હવા બંધાઈ ગઈ હતી. ગૂગલ જેવી કંપનીઓ પણ ચેટજીપીટીની સફળતા જોઈને થથરી ગઈ હતી. પહેલી વખત ગૂગલ સામેય પડકાર સર્જાયો હતો. મોટી મોટી કંપનીઓએ એઆઈમાં રોકાણ કરવા માટે અલાયદું ફંડ ફાળવી દીધું હતું, પણ હવે નવા અહેવાલમાં દાવો થયો છે કે એઆઈના પ્રોજેક્ટ્સ અધવચ્ચે લટકી પડયા છે.

અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના લેટેસ્ટ અહેવાલમાં કહેવાયું કે એઆઈના જે પ્રોજેક્ટ શરૂ થયા હતા. એમાંથી પાંચ ટકા પ્રોજેક્ટ જ સફળ થયા છે. ૯૫ ટકા પાયલટ પ્રોજેક્ટ અદ્ધરતાલ રહી ગયા છે. મોટાભાગની કંપનીઓએ એઆઈ ટૂલ્સને એડપ્ટ કરવામાં ઉત્સાહ બતાવ્યો, પરંતુ કંપનીઓને એમાં ફાયદો જણાયો નહીં એટલે પ્રોજેક્ટ પડતાં મૂકવાનું શરૂ થયું. 'ધ જેન ડિવાઈડ : સ્ટેટ ઓફ એઆઈ ઈન બિઝનેસ-૨૦૨૫' નામના અહેવાલમાં કહેવાયું કે એઆઈ પર પૂરી ન કરી શકાય એવી અપેક્ષાનો બોજ હતો. અસરકારકતાનો અભાવ જોવા મળ્યો અને સ્પેશિયલ એડપ્શન પણ ધારણા પ્રમાણે થયું નહીં. સ્પેશિયલ એડપ્શન એને કહેવાય કે કોઈ કંપની એની સર્વિસ પ્રમાણે એઆઈ એજન્ટ બનાવીને એની સર્વિસ લેવાની શરૂ કરે. પરંતુ એવા સ્પેશિયલ એજન્ટ બનાવવાનું મોંઘું તો છે જ, પરંતુ એ પછીય એની પાસેથી ધારણા પ્રમાણે કામ લઈ શકાતું નથી. તેના પરિણામે કંપનીઓએ ફંડ આપવાનું ટાળ્યું છે.

છેલ્લાં ઘણાં સમયથી એવી હવા ચાલ તી હતી કે ચેટજીપીટી, ક્લાઉડ અને જેમિનાઈ જેવા એઆઈ ટૂલ્સ વર્ક પ્લેસને બદલી નાખશે. 

માણસને રિપ્લેસ કરીને એનું સ્થાન એઆઈ લઈ લેશે એવુંય કહેવાય છે. એ જોખમ તો હજુય મંડરાઈ રહ્યું છે, પરંતુ એમઆઈટીએ એઆઈના પાયલટ પ્રોજેક્ટનું એનાલિસિસ કર્યું તો જણાયું કે મોટી મોટી કંપનીઓને એઆઈથી મોહભંગ થઈ ગયો છે. માત્ર ૩૦ ટકા એઆઈ મોડલ્સ જ ઓફિસ સ્ટાફનું કામ કરી શકે તેમ છે. એ પછીનું કામ તો માણસોએ જ કરવું પડે છે, તેથી કંપનીઓએ એવું વિચાર્યું કે ૩૦ ટકા કામ માટે એઆઈ ટૂલ્સ વિકસાવવાનુ મોંઘું પડશે.

અહેવાલ પ્રમાણે એઆઈ ટૂલ્સ નિષ્ફળ જાય છે એ પાછળ લર્નિંગ ગેપ પણ એક મહત્ત્વનું કારણ છે. ઘણી કંપનીઓ ઉત્સાહમાં એઆઈ ટૂલ્સ પાસેથી કામ લે છે, પરંતુ એને પોતાની કંપનીને અનુરૂપ ડિઝાઈન કરવા પાછળ ફંડ ફાળવવામાં આવતું નથી. અત્યાર પૂરતી એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે એઆઈ એક એવો ફુગ્ગો સાબિત થયો છે, જે બહુ વહેલો ફૂટી જશે.

Tags :