સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનાં 80માં સત્રનો આજથી પ્રારંભ : 140 વિશ્વનેતાઓ ઉપસ્થિત હશે
- અમેરિકાએ આર્થિક ફાળો ઘટાડતાં સં.રા.ની મુશ્કેલી વધી છે
- 90 રાષ્ટ્રના વડાઓ, 43 સરકારોના વડાઓ અને એક ક્રાઉન પ્રિન્સ ઉપસ્થિત રહેશે, યુક્રેન તથા ગાઝાયુદ્ધ, ઋતુ પરિવર્તન, ઝડપભેર બદલાતી ટેકનોલોજી પર ધ્યાન અપાશે
સંયુક્ત રાષ્ટ્રો : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભાનું ૮૦મું સત્ર તા. ૨૪ સપ્ટેમ્બર- આવતીકાલથી શરૂ થવાનું છે. સામાન્યત: દરેક સત્રો મહત્વનાં હોય છે. પરંતુ આ ૮૦મું સત્ર સવિશેષ મહત્વનું બની રહેવા સંભવ છે. તેનું મુખ્ય કારણ તો વિશ્વ નેતાઓ કોઈ પણ ભોગે ગાઝા અને યુક્રેન યુદ્ધ બંધ થાય તેમ ઇચ્છે છે. બીજી તરફ ચીન-તાઇવાન વિવાદ પણ વિશ્વ ઉપર ઝળુંબી રહ્યો છે. આ સાથે સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિનાં વિસ્તરણ તથા તેમાં કાયમી સભ્ય વધારવા માટેની ચર્ચા, ગાઝા, યુક્રેન યુદ્ધનો ઉકેલ તે બંને વિસ્તારોમાં પહોંચાડાતી માનવીય સહાય અને તેમાં ઉભા થતા અવરોધો, ઉપરાંત ઋતુ પરિવર્તનો, અને ઝડપભેર બદલાતી ટેકનોલોજી તથા કાર્બન-એમિશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે તેમ નિષ્ણાતોનું માનવું છે.
આ સત્રમાં ૯૦ દશોના વડાઓ, ૪૩ સરકારોના વડાઓ અને એક ક્રાઉન પ્રિન્સ ઉપસ્થિત રહેવા સંભવ છે.
આ સત્રના પ્રારંભ પૂર્વે, મધ્ય પૂર્વમાં શાંતિ સ્થાપવા માટે યોજાયેલી પરિષદ સમયે ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોંએ પેલેસ્ટાઇનને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે ગણી, તેને સ્વીકૃતિ આપતાં હલચલ તો મચી જ ગઈ છે. જો કે ભારત સહિત ૧૪૦ દેશોએ તો પેલેસ્ટાઇનને સ્વતંત્ર અને સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે સ્વીકૃતિ આપી દીધી છે. આ સ્વીકૃતિ આપનાર દેશો સાથે ભારત જોડાયું છે.
તેવામાં અમેરિકાએ આર્થિક ફાળો ઘટાડતાં યુએનની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. તેવે સમયે, દ્વિતીય વિશ્વ યુદ્ધનાં અંતે સ્થપાયેલી આ વૈશ્વિક સંસ્થા, અત્યારે પણ લગભગ વિશ્વયુદ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થતી જાય છે. ત્યારે તે કેટલું પ્રદાન કરી શકશે તે અંગે વિચારકો ચિંતિત રહ્યા છે.