World

અમેરિકા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં આઠ લાખનો ઘટાડો

By GS TEAM
10 Oct 20252 mins read
અમેરિકા જતા વિદેશી વિદ્યાર્થીઓમાં આઠ લાખનો ઘટાડો

- ટ્રમ્પના તરખાટની અસર : યુનિવર્સિટીઓની આવક પણ ઘટી

- ભારતમાંથી અમેરિકા જતાં વિદ્યાર્થીઓમાં 45 ટકાનો તોતિંગ ઘટાડો: એશિયામાંથી 24, આફ્રિકામાંથી 33 ટકા વિદ્યાર્થીઓ ઘટયા

વૉશિંગ્ટન : અમેરિકાની નેશનલ ટ્રાવેલ એન્ડ ટૂરિઝમ ઓફિસના કહેવા પ્રમાણે અમેરિકામાં આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં તોતિંગ ઘટાડો નોંધાયો છે. ઓગસ્ટ માસમાં અમેરિકન યુનિવર્સિટીઝમાં નવું સત્ર ચાલુ થાય છે. ઓગસ્ટ-૨૦૨૪ની સરખામણીએ ઓગસ્ટ-૨૦૨૫માં અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓએ આવવાનો ઉમળકો બતાવ્યો નથી. તેના કારણે અમેરિકન યુનિવર્સિટીઝમાં અસંખ્ય બેઠકો ખાલી રહેશે.

ગયા વર્ષે અમેરિકામાં ૧૧ લાખ વિદેશી વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા હતા. તે વખતે અમેરિકામાં જો બાઈડેન પ્રમુખ હતા અને બાઈડેન સરકારની વિદેશી વિદ્યાર્થીઓને આવકારવાની પોલિસી હતી. વર્ષના અંતે થયેલી ચૂંટણીમાં ટ્રમ્પ જીત્યા પછી અમેરિકામાં વિદેશી નાગરિકો તરફનું સરકારનું વલણ ઝડપથી બદલાયું. ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ સામેય પગલાં ભર્યા. તેમની વિઝા પ્રોસેસિંગ ફીમાં વધારો કર્યો. યુનિવર્સિટીઝની ફી પણ વધી. યુનિવર્સિટીઝને ટ્રમ્પે તાકીદ કરી કે તેઓ વિદેશી વિદ્યાર્થીઓ તરફની નિર્ભરતા ઘટાડે.

આ બધાના પરિણામે આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ૩૧૩૧૩૮ વિદ્યાર્થીઓના જ એડમિશન થયા છે. ગયા વર્ષની સરખામણીએ આ બહુ જ મોટો તફાવત છે. આફ્રિકન સ્ટૂડન્ટ્સમાં ૩૩ ટકાનો ઘટાડો થયો છે. મિડલ ઈસ્ટના વિદ્યાર્થીઓમાં ૧૭ ટકાનો ઘટાડો થયો છે અને એશિયન સ્ટૂડન્ટ્સ ૨૪ ટકા ઘટયા છે. ભારતમાંથી અમેરિકા જતાં વિદ્યાર્થીઓમાં ૪૫ ટકાનો માતબર ઘટાડો નોંધાયો છે.

 વિદેશી વિદ્યાર્થીઓએ અમેરિકાના વિકલ્પે અન્ય દેશો તરફ નજર દોડાવી છે. કારણ કે અમેરિકામાં સ્ટૂડન્ટ્સ વિઝાની કેટેગરીમાં આવતા વિદેશી નાગરિકોને લઈને નવા નવા નોટિફિકેશન પણ આવ્યા છે. એ પ્રમાણે હવે કોઈ સ્ટૂડન્ટ્સ પાર્ટટાઈમ જોબ કરી શકશે નહીં. ભારત, ચીન સહિત એશિયા અને આફ્રિકાના વિદ્યાર્થીઓ અમેરિકામાં સ્ટડીની સાથે પાર્ટટાઈમ નોકરી કરતા હતા.