રશિયાનાં દૂર પૂર્વમાં 8.8નો ધરતીકંપ સુનામી જાગ્યાં : જાપાન, હવાઈમાં સ્થળાંતર
- રશિયાના કામશ્યતકા દ્વિપકલ્પ ઉપર 10 થી 13 ફીટ ઊંચા મોજાં ઉછળ્યાં : પેસિફિક ટોક્યો અને પશ્ચિમ યુ.એસ.માં પણ સુનામીની ચેતવણી
ટોક્યો : રશિયાના દૂર પૂર્વના વિસ્તારમાંના કામશ્યતકા દ્વિપકલ્પમાં બુધવારે સવારે ૮.૮ની તીવ્રતાનો ધરતીકંપ થતાં આશરે ૧૩ ફીટ ઊંચા સુનામી-મોજાં ઉછળ્યાં હતાં, જ્યારે દ્વિપકલ્પમાં રહેલાં અનેક મકાનો અને બાંધકામો તૂટી પડયાં હતાં. કેટલાંયે મકાનોમાં મોટી તિરાડો પડી ગઈ હતી. આ સુનામી મોજાંને લીધે જાપાન તથા હવાઈ-ટાપુઓમાં લોકોને સલામત સ્થળે ફેરવવામાં આવ્યા હતા. આવો ધરતીકંપ ૨૦૧૧માં થયો હતો.
આ ધરતીકંપ અંગે ગવર્નર વ્લાદીમીર સોલોડોવે 'ટેલીગ્રામ' ઉપર વિડીયો પોસ્ટ કરતાં બુધવારે જણાવ્યું હતું કે, 'આજનો ભૂકંપ ઘણો ગંભીર પ્રકારનો છે.' જ્યારે પ્રાદેશિક મંત્રીમંડળના મંત્રી સર્જી લેબેડેવે લોકોને સમુદ્ર તટથી દૂર રહેવા જણાવ્યું હતું.
યુ.એસ. જીયોવોજિકલ સર્વેએ કહ્યું હતું કે, આ ધરતીકંપ માત્ર ૧૨ માઇલ નીચે જ થયો હતો. જે કમાશ્યતકા સ્થિત પેટ્રોપાવલોવસ્ક-કામાયાત્સફી શહેરથી પૂર્વ-દક્ષિણ પૂર્વ દિશામાં થયો હતો. આ ૧,૬૫,૦૦૦ની વસ્તીનાં શહેરમાં પહેલાં ૮ આંકનો જ ધરતીકંપ થયો હોવાનું જણાવાયું હતું પરંતુ પછીથી તે સુધારી ૮.૮નો ભૂકંપ થયો હોય તેમ જણાવવામાં આવ્યું છે તે પછી ૬.૯ અંકના 'આફટર-શોક્સ' આવ્યા હતા.
જાપાનની વેધર એજન્સીએ તેની ચેતવણી અપગ્રેડ કરતાં કહ્યું હતું કે, અહીં પણ ૧૦ ફીટ ઉંચા સુનામી મોજાં ફરી વળવા સંભવ છે સાથે લોકોને ઉંચા સ્થળોએ ચાલ્યા જવા આગ્રહ કરાયો હતો. જાપાનના પૂર્વ ઉત્તરના હોકૈડો ફેક્ટરી કામદારોને સ્થળાંતર કરી પાસેની ટેકરી ઉપર ચાલ્યા જવા કહેવાયું હતું.
બીજી તરફ અમેરિકાની 'ધી' સુનામી વોર્નિંગ સિસ્ટીમે પણ જાપાનના પેસિફિક ટાપુઓ તથા અન્ય પેસિફિક ટાપુઓ અને છેક વિષૃવવૃત્ત ઉપર આવેલાં એકવેડોટ રાષ્ટ્રને પણ ૧ થી ૩ મીટર સુધીનાં સુનામી મોજાંની ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે ૩ કલાકમાં જ આ મોજાં તમારી તરફ આવશે. અમેરિકાએ તો તેના પશ્ચિમ તટ ઉપર બચાવાની પૂરી તૈયારી કરી લીધી છે, તેમજ કેનેડાના પણ પશ્ચિમ તટવાસીઓને સુનામી સામે ચેતવી દીધા છે. હવાઈ ટાપુઓ પણ આપાતકાલીન સેવાઓને તૈનાત રહેવા જણાવી દીધું છે.
સાનફ્રાંસિસ્કો સ્થિત ભારતીય ઉપદૂતાવાસે ભારતીયોને સતર્ક રહેવા કહ્યું, હેલ્પલાઇન નંબર આપ્યો.
ભૂકંપ સમયે ધરતી ધ્રૂજતી હોવા છતાં સર્જનોએ સર્જરી ચાલુ રાખી : પાર્કિગ લોટમાં કારો અથડાઈ : વ્હેલ તટ ઉપર ફેંકાઈ
નવી દિલ્હી : રશિયાના દૂર પૂર્વના ઉત્તરના ભાગમાં રહેલા કામશ્યતક દ્વિપ કલ્પમાં આજે (બુધવારે) સવારે આવેલા ૮.૮ તીવ્ર ભૂકંપને લીધે આ દ્વિકલ્પના કેટલાંયે શહેરોમાં આવેલા પાર્કિંગ લોટમાં મોટરકાર એક બીજા સાથે અથડાઈ પડી હતી, જ્યારે જાપાનના સમુદ્ર તટે સુનામીનાં મોજાંઓએ વ્હેલોને કાંઠા ઉપર ફંગોળી દીધી હતી. આ સાથે ભારે મોટી મુશ્કેલી સર્જાઈ હતી. કારણ કે સુનામી બંધ થતાં આ મહાકાય સમુદ્રીય જીવોને પાછા સમુદ્રમાં કઇ રીતે નાખવા ?
સૌથી વધુ સરાહનીય વાત તો તે છે કે કામાશ્યતક દ્વિપકલ્પના મુખ્ય શહેર પેટ્રોપાવલોલસ્ક કામાયાત્સ્કીમાં આવા ૮.૮ ના પ્રચંડ ભૂકંપ સમયે હોસ્પિટલનું બિલ્ડીંગ પણ અન્ય બિલ્ડીંગની જેમ ધ્રૂજી રહ્યું હોવા છતાં સર્જનોએ જરા પણ હિંમત ગુમાવ્યા સિવાય પેશન્ટ પર કરાતી સર્જરી ચાલુ રાખી હતી. ભૂકંપને લીધે રશિયાના કામશ્ચતકાનાં બંદરો ખેદાન મેદાન થઇ ગયાં હતાં. જ્યારે જાપાનનાં બંદરો સુનામીને લીધે તબાહ થઇ ગયાં હતાં.