- વેનેઝુએલામાં પણ લેવાયેલાં લશ્કરી પગલાંને ૫૨ ટકા અમેરિકનો અયોગ્ય માને છે : ત્યાં સરકારની સ્થિરતા તથા ત્યાં મોકલાયેલાં આર્મી વિષે આશંકિત છે
વૉશિંગ્ટન : ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવવાના ટ્રમ્પના પ્રયાસોને ૭૫ ટકા અમેરિકનો વિરોધ કરે છે. સીએનએનને એસએસઆરએસ દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળ્યું છે. ખૂબ મોટી બહુમતી પ્રમુખ ટ્રમ્પના આ પ્રયાસોનો વિરોધ કરે છે. માત્ર ૨૫ ટકા જ ટ્રમ્પનાં આ પગલાંને યોગ્ય માને છે.
ડેમોક્રેટસ તો તેનો વિરોધ કરે તે સહજ છે. પરંતુ ટ્રમ્પની જ પાર્ટી રીપબ્લિકન પાર્ટીમાં પણ પ્રમુખનાં આ પગલાં અંગે બે સ્પષ્ટ મત પડી ગયા છે. રીપબ્લિકન્સ અને રીપબ્લિકન્સ તરફી ૫૦ ટકા સહજ રીતે જ ટ્રમ્પની તે ગતિવિધિને બરોબર માને છે. પરંતુ તેટલા જ રીપબ્લિકન્સ રીપબ્લિકન સમર્થકો ગ્રીનલેન્ડ પર કબ્જો જમાવવાના ટ્રમ્પના મંતવ્યનો સખત વિરોધ કરે છે. આમ તે મુદ્દે ટ્રમ્પની પોતાની જ પાર્ટીમાં અર્ધોઅર્ધ સભ્યો, ટ્રમ્પની વિરૂદ્ધ છે.
સીએનએન દ્વારા લેવડાવાયેલા આ ઓપિનિયન પોલમાં વધુમાં જાણવા મળ્યું છે કે ૫૨ ટકા જેટલા અમેરિકનો વેનેઝૂએલામાં લેવાયેલાં લશ્કરી પગલાં અને (હવે પદભ્રષ્ટ) પ્રમુખ માદુરોનું કરાયેલું અપહરણ તદ્દન અયોગ્ય માને છે. આ સાથે હવે ત્યાં અમેરિકી સેનાને લાંબા સમય સુધી રાખવી પડશે તે પરિસ્થિતિથી પણ ચિંતિત બન્યાં છે.
ઉલ્લેખનીય છે કે અત્યારે વેનેઝૂએલામાં રચાયેલી અંતરિમ સરકારનાં વિપક્ષી નેતા કોરિના મયાડો, ગુરૂવારે અમેરિકાની મુલાકાતે ગયાં તે પૂર્વે સીએનએન દ્વારા આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું.
અન્ય હકીકત તે પણ બહાર આવી છે કે વેનેઝૂએલાના પ્રમુખ માદુરોને પદ ઉપરથી દુર કરી વેનેઝૂએલાની સરકાર અને રાજતંત્ર હાથમાં લેવાની ટ્રમ્પની ગતિવિધિનો ૫૮ ટકા અમેરિકનો વિરોધ કરી રહ્યા છે.


